News of Monday, 16th September 2024
દેશમાં ટૂંક સમયમાં લાગુ થશે સમાન નાગરિક સંહિતા
મોદી સરકાર કરશે મોટી જાહેરાત ઉત્તરાખંડના યુનિફોર્મ સિવિલ કોડને હજુ સુધી કોઈએ કોઈ કોર્ટમાં કાનૂની પડકાર ફેંકયો નથી

નવી દિલ્હી, તા.૧૬: દેશમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ (સેકયુલર સિવિલ કોડ) લાગુ કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડ માટે પાંચ રાજ્યોએ કમિટીની રચના કરી છે, આ તમામ ૫ રાજ્યોની કમિટીઓનો રિપોર્ટ ટૂંક સમયમાં આવી રહ્યો છે, આ તમામ ૫ રાજ્યોમાં સમાન નાગરિક સંહિતાનો કાયદો બનશે.
સૂત્રોનું કહેવું છે કે ૫ રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ આખરે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે પગલાં લેશે.
આ ક્રમમાં, ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા પર કાયદો બનાવવામાં આવ્યો છે, ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતાને હજી સુધી કોઈએ કાનૂની પડકાર આપ્યો નથી.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન સમાન નાગરિક સંહિતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડ પર વારંવાર ચર્ચા કરી છે અને તેના સંબંધમાં ઘણી વખત સૂચનાઓ આપી છે અને હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે પગલાં લઈ શકે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા સ્થાપિત થાય તે જરૂરી છે, તો જ તે ધર્મના આધારે ભેદભાવને ખતમ કરી શકે છે.
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લગ્ન, છૂટાછેડા, વારસો, ઉત્તરાધિકાર અને દત્તક લેવા જેવી બાબતો સહિત, તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના, તમામ નાગરિકો માટે સમાન કાયદાની દરખાસ્ત કરે છે. તેનો ઉદ્દેશ્ય ધાર્મિક કાયદાઓને બાયપાસ કરીને આ વિસ્તારોમાં બિનસાંપ્રદાયિક કાયદાઓ બનાવવાનો છે.
ઉત્તરાખંડમાં પણ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા અંગેનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ સાથે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ જાહેરાત કરી છે કે આસામમાં ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકાર સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની યોજના બનાવી રહી છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
