<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

માંડ માંડ બચ્‍યા ટ્રમ્‍પઃ ફરી થયો હુમલોઃ AK-47 મળી

ફલોરિડામાં તેમના ગોલ્‍ફ કોર્સમાં ફાયરિંગ થયા ખળભળાટઃ પૂર્વ રાષ્‍ટ્રપતિ બચી ગયા ગોલ્‍ડ રમતા'તા ત્‍યારે ફાયરિંગ થયું: સીક્રેટ સર્વિસે તપાસ શરૂ કરી

વોશીંગ્‍ટન,તા. ૧૬: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પર ફરી એકવાર જીવલેણ હુમલો થયો છે, ફલોરિડામાં તેમના ગોલ્‍ફ કોર્સમાં ફાયરિંગ કરવામાં આવ્‍યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ આ હુમલામાં બચી ગયા હતા, પરંતુ સ્‍થળ પરથી એક AK 47 મળી આવી હતી. આ હુમલાને લઈને જારી નિવેદનમાં એફબીઆઈએ કહ્યું છે કે ગોળી મારતી વખતે ટ્રમ્‍પ ત્‍યાંથી માત્ર ૨૭૫-૪૫૫ મીટર દૂર હતા. એક પ્રત્‍યક્ષદર્શીએ તો એમ પણ કહ્યું કે તેણે એક માણસને ઝાડીઓમાંથી દોડતો જોયો હતો જે પછી કાળી નિસાન કારમાં ગયો હતો.

ટ્રમ્‍પની સુરક્ષા માટે તૈનાત અધિકારીઓએ પણ શંકાસ્‍પદ વ્‍યક્‍તિ પર ગોળીબાર કર્યો હતો, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. હાલ તો આ હુમલા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કહ્યું છે કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ કિંમતે ઝૂકવાના નથી. તેણે પોતાના સમર્થકોને ઈમેલ દ્વારા લખ્‍યું કે હું સુરક્ષિત છું. હવે કોઈ અવરોધ મને રોકી શકશે નહીં, યાદ રાખો કે હું ક્‍યારેય આત્‍મસમર્પણ નહીં કરું. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે પણ આ હુમલા અંગે ચિંતા વ્‍યક્‍ત કરી છે અને ભારપૂર્વક જણાવ્‍યું છે કે અમેરિકામાં હિંસા માટે કોઈ સ્‍થાન નથી.

સ્‍થાનિક પોલીસ અધિકારી બ્રેડશોએ બીબીસીને આ હુમલા વિશે વિગતવાર જણાવ્‍યું છે. તેઓ કહે છે કે તે સમયે સ્‍થળ પર રહેલા સિક્રેટ સર્વિસ એજન્‍ટે ઘણું સારું કામ કર્યું હતું. તેમના કહેવા પ્રમાણે, અધિકારીએ પહેલાથી જ જોયું હતું કે વાડની બહાર એક રાઈફલ દેખાઈ રહી છે. તે પછી તરત જ શંકાસ્‍પદને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો, પરંતુ તે નાસી છૂટ્‍યો હતો. હાલમાં એવા અહેવાલો છે કે એક શંકાસ્‍પદની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ વ્‍હાઇટ હાઉસે પણ આ મામલાની નોંધ લીધી છે અને દરેક અપડેટ પર નજર રાખી રહ્યું છે.

હવે આ હુમલો મહત્‍વનો છે કારણ કે ફલોરિડામાં ટ્રમ્‍પ પર પહેલા પણ જીવલેણ હુમલો થઈ ચૂક્‍યો છે. વાસ્‍તવમાં, ટ્રમ્‍પ એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, ત્‍યારે અચાનક ગોળીબારનો અવાજ આવ્‍યો અને એક ગોળી ટ્રમ્‍પના કાનને સ્‍પર્શી ગઈ. હુમલા પછી તરત જ સિક્રેટ સર્વિસ એજન્‍ટો સક્રિય થઈ ગયા અને હુમલાખોર સ્‍થળ પર જ માર્યો ગયો. આરોપીની ઓળખ ૨૦ વર્ષીય થોમસ મેથ્‍યુ ક્રૂક્‍સ તરીકે થઈ હતી.

ટ્રમ્‍પની ચૂંટણી પ્રચાર ટીમે રવિવારે કહ્યું કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગોળીબારનો અવાજ સંભળાતાની સાથે જ આ વિસ્‍તારને સીલ કરી દેવામાં આવ્‍યો હતો, યુએસ સિક્રેટ સર્વિસે જણાવ્‍યું હતું કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. વ્‍હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે. વ્‍હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું, ‘રાષ્‍ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને ટ્રમ્‍પના ઇન્‍ટરનેશનલ ગોલ્‍ફ કોર્સમાં સુરક્ષા અંગે જાણકારી આપવામાં આવી હતી. ટ્રમ્‍પ સુરક્ષિત હોવાનું જાણીને તેમને રાહત થઈ છે. ટ્રમ્‍પ કેમ્‍પેઈનના પ્રવક્‍તા સ્‍ટીવન ચ્‍યુંગે કહ્યું કે ગોળીબાર બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્‍પ સુરક્ષિત છે. હાલમાં વધુ માહિતી નથી.

(12:05 PM IST)