તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th September 2024
જીવિત છે ખુંખાર આતંકવાદી લાદેનનો દીકરો હમઝા : ફરી અલકાયદાની જાળ પાથરવા કરી રહ્યો છે પ્રયાસ
હમઝાની સાથે તેનો ભાઈ અબ્દુલ્લા બિન લાદેન પણ સક્રિય:હમઝા પોતાના સાથીઓની સાથે અફઘાનિસ્તાનમાં કેમ્પ કરી રહ્યો છે

નવી દિલ્હી : ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેને 11 સપ્ટેમ્બર, 2001નાં રોજ આતંકી હુમલો કરીને અમેરિકાને હચમચાવી મુક્યું હતું. વર્લ્ડ ટ્રેડ સેન્ટર સહિત અમેરિકાની બે સૌથી ઊંચી ઈમારતો પર હુમલો કર્યો હતો, જેમાં 3000 લોકો માર્યા ગયા હતા. આ અમેરિકા અને દુનિયા પર સૌથી મોટો આતંકી હુમલો હતો.
આ હુમલાના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને 2011માં અમેરિકાના સીલ કમાન્ડોઝે પાકિસ્તાનના એબોટાબાદમાં ઘૂસીને ઠાર કર્યો હતો. તેનો પુત્ર હમઝા બિન લાદેન પણ 2019માં માર્યો ગયો હોવાના સમાચાર આવ્યા હતા પરંતુ હવે જાણકારી મળી રહી છે કે તે જીવતો છે અને ફરી એકવખત દુનિયામાં આતંકવાદની લહેર ઊભી કરવા માટે એક્ટિવ થઈ ગયો છે.
ધ મિરરના રિપોર્ટ મુજબ ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા જીવતો છે અને આતંકી સંગઠન અલકાયદાની જાળ ફરી પાથરવાના પ્રયાસ કરી રહ્યો છે. રિપોર્ટ મુજબ હમઝાની સાથે તેનો ભાઈ અબ્દુલ્લા બિન લાદેન પણ સક્રિય છે. આ અંગે નેશન મોબિલાઈઝેશન ફ્રંટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે એન્ટી તાલિબાન મિલિટ્રી સંગઠન છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હમઝા પોતાના સાથીઓની સાથે અફઘાનિસ્તાનમાં કેમ્પ કરી રહ્યો છે. રિપોર્ટમાં લાદેનના પુત્રને ક્રાઉન પ્રિન્સ ઓફ ટેરર કહેવામાં આવે છે. સમાચાર એવા છે કે તે ઉત્તરી અફઘાનિસ્તાનના કોઈ ઠેકાણે છુપાયેલો છે અને 450 જેટલા સ્નાઈપર્સ સતત તેની સુરક્ષા કરી રહ્યાં છે.
રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસી બાદથી સ્થિતિ બગડી રહી છે. હવે તાલિબાનના સંરક્ષણમાં અફઘાનિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યાં છે.
સમાચાર એવા છે કે હમઝા બિન લાદેન પંજશીરના દારા અબ્દુલ્લા ખેલ જિલ્લા તરફ આગળ વધ્યો છે. ત્યાં લગભગ 450 આરબ અને પાકિસ્તાની તેની સુરક્ષામાં તૈનાત છે. એટલું જ નહીં તેના કમાન્ડમાં અલકાયદાને ફરીથી ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે અલકાયદાના આતંકી પશ્ચિમી દેશોને ટાર્ગેટ બનાવવાના પ્રયાસ કરી શકે છે.
આ રિપોર્ટ તે દાવાથી વિપરીત છે જેમાં 2019માં હમઝા માર્યો ગયો હોવાની વાત કરાઈ હતી. ત્યારે કહેવાયું હતું કે અમેરિકી એરસ્ટ્રાઈકમાં હમઝાનો ખાતમો થયો છે. માનવામાં આવે છે કે હમઝાએ અયમાન-અલ-ઝવાહિરીના નેતૃત્વમાં જ આતંકવાદની ટ્રેનિંગ લીધી જેને ઓસામા બિન લાદેનના મોત બાદ અલકાયદાની કમાન સંભાળી હતી. હમઝા બિન લાદેન 2019માં માર્યો ગયો હોવાના સમાચાર પહેલા તે અમેરિકા સહિત અનેક દેશોને હુમલાની ધમકી આપી ચુક્યો હતો. જો કે ત્યારે હમઝા માર્યો ગયો છે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ તે જણાવાયું ન હતું કે તે ક્યારે અને કયાં ઠાર થયો. આ અંગે અમેરિકાના રક્ષા મંત્રાલયે કંઈ જણાવ્યું ન હતું.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
