તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Friday, 13th September 2024
બાપ્પાની મૂર્તિને સોનું પહેરાવ્યું: વિસર્જન સમયે કાઢવાનું ભૂલી ગયા
ભૂલથી ગણેશની મૂર્તિ સાથે ૪ લાખના સોનાનો દોરો પણ વિસર્જિત કરી દીધોઃ ૧૦ કલાક સુધી શોધખોળ કર્યા બાદ ૧૦,૦૦૦ લીટર પાણી ટેન્કરથી કાઢયા બાદ દોરો મળી ગયો

બેંગ્લોર,તા. ૧૩: સમગ્ર દેશમાં હાલમાં ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. હર્ષોલ્લાસ સાથે આ પર્વમાં બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દંપતીએ ભૂલથી ગણેશની મૂર્તિ સાથે ૪ લાખના સોનાનો દોરો પણ વિસર્જિત કરી દીધો હતો. ભગવાન સાથે સોનાનો દોરો પણ દરિયામાં જતો રહ્યો તો દંપતી ટેન્શનમાં આવી ગયું. જો કે, ૧૦ કલાક સુધી શોધખોળ કર્યા બાદ ૧૦,૦૦૦ લીટર પાણી ટેન્કરથી કાઢ્યા બાદ દોરો મળી ગયો હતો.
આ કિસ્સો પヘમિ બેંગલુરુમાં વિજયનગરના દશરહલ્લી સર્કલનો છે. અહીંના ગોવિંદરાજનગરની નજીક મચોહલ્લી ક્રોસના રહેવાસી રામૈયા અને ઉમાદેવીએ જણાવ્યું કે, શ્નતેમણે ગણેશોત્સવને ધ્યાનમાં રાખી પોતાના ઘરમાં ગણેશની મૂર્તિ સ્થાપના કરી હતી.
તેમણે મૂર્તિને ફૂલો અને અન્ય સજાવટી વસ્તુઓથી સજાવી હતી. સાથે જ મૂર્તિ પર ૪ લાખ રૂપિયાનો સોનાનો દોરો ૬૦ ગ્રામનો ચેન પણ ચડાવ્યો હતો. શનિવાર ૭ સપ્ટેમ્બરે પૂજા બાદ તેઓ મૂર્તિને લઈને રાતના લગભગ ૯.૧૫ વાગ્યે એક મોબાઈલ ટેન્કમાં વિસર્જિત કરવા માટે ગયા હતા. પણ સોનાનો દોરો કાઢવાનું તેઓ ભૂલી ગયા. રાતના લગભગ ૧૦ વાગ્યે ઘરે પરત ફરતાં યાદ આવ્યું કે સોનાની ચેન તો મૂર્તિ સાથે વિસર્જિત થઈ ગઈ.
ત્યાર બાદ તાત્કાલિક શિક્ષક દંપતીએ રાતના ૧૦.૩૦ કલાકે મોબાઈલ ટેન્ક પાસે પાછા ગયા. ત્યાં તેમણે વિસર્જન માટે તૈનાત યુવકોને સોનાની ચેન વિશે પૂછપરછ કરી. આ દરમ્યાન યુવકોએ દંપતીને કહ્યું કે, તેમણે મૂર્તિ પર સોનાની ચેન જોઈ હતી. તેમને લાગ્યું કે, તે નકલી છે. એટલા માટે મૂર્તિ સાથે તેને પણ વિસર્જિત કરી દીધી.
આ દરમ્યાન દંપતીએ મગદી રોડ પોલીસને પણ સૂચના આપી અને ગોવિંદરાજનગર ધારાસભ્ય પ્રિય કૃષ્ણાને ઘટના વિશે જાણકારી આપી. તેમણે ધારાસભ્ય અને પોલીસને ચેન શોધવામાં મદદ કરવા માટે ભલામણ કરી. ત્યાર બાદ ધારાસભ્યએ મોબાઈલ ટેન્કના કોન્ટ્રાક્ટર લંકેશ ડી. સાથે વાત કરી અને તેમણે ચેન શોધવામાં મદદ કરી.
રાતના સમયે ટેન્ક પર રહેલા યુવકોએ થોડી વાર સુધી શોધખોળ કરી. બાદમાં આ દંપતીને સવારે આવવા માટે કહ્યું. જો કે દંપતીના પરિવારના સભ્યોએ ચેનની શોધખોળ કરવા માટે પરવાનગી માગી અને સવાર ૫ વાગ્યા સુધી પાણી પંપ કરીને ખુદ શોધતા રહ્યા. જોકે બધું શોધતા તેમને હાથમાં કંઈ આવ્યું નહીં અને ઘરે પાછા જતા રહ્યા.
ત્યાર બાદ સવારે મોબાઈલ ટેન્કના કોન્ટ્રાક્ટર લંકેશે દોરો શોધવા માટે ૧૦ લોકોને બોલાવ્યા. તેમણે કહ્યું કે, અમે તળાવમાં લગભગ ૩૦૦ મૂર્તિઓ વિસર્જિત કરી હતી અને મૂર્તિઓના વિસર્જન બાદ તળાવમાં ભારે માટી જમા થઈ ગઈ હતી. ઠેર ઠેર કીચડ જામી ગયો હતો. અમારા બે મિત્રોએ રવિવાર સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧૨.૩૦ સુધી શોધખોળ કરી અને ચેન શોધી કાઢી. બાદમાં અમે ઉમાદેવી અને રામૈયાને કોલ કરીને બોલાવ્યા અને તેમને દોરો પાછો આપી દીધો. અમે પોલીસ અને ધારાસભ્યને પણ જાણ કરી દીધી.
આવી રીતે લગભગ ૧૦ કલાક સુધી શોધખોળ કર્યા બાદ આખરે ચેન મળી ગઈ. આ શોધખોળ કરવામાં લગભગ ૧૦,૦૦૦ લીટર પાણી પંપ કરીને બહાર કાઢવું પડ્યું અને માટીના કીચડમાં ચેન શોધવામાં ભારે મુશ્કેલી આવી. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાયરલ થયો છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
