<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

સેવા અને સંઘર્ષથી જીવનમાં હર્ષ લાવનાર દંપતી કાંતિલાલભાઇ અને દક્ષાબેન ભૂત

પ્‍લાસ્‍ટીકના ઝબલા બંધ કરવા સ્‍વખર્ચે કપડાની થેલી બનાવી ભેટ આપનાર અનોખા પર્યાવરણ પ્રેમી : અમને માત્ર સમાજ સેવા કરવાનો શોખ છે : કામ કરતા રહીએ તો શરીર સારૂં રહે છે :૭૨ વર્ષની ઉંમરે પણ પ્‍લાસ્‍ટિક સહિતના કચરા સામે મોહીમ છેડનાર કાંતિકાકા રાજકોટની વિવિધ બજારોમાં જાય છે અને ગળામાં લટકાવેલા બોર્ડ અને હાથમાં બેનરથી લોકોમાં પ્‍લાસ્‍ટિકના ઉપયોગ ન કરવા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે : એક વર્ષમાં આ વડીલ દંપતિએ ૧૨૦૦ થી વધુ થેલીઓ લોકોને ભેટ આપી છે : આ દંપતિએ જીવનભર સંઘર્ષ કર્યો : ઘરના છેડા ભેગા કરવા પાપડ વણ્‍યા, ઘોડિયા ઘર ચલાવ્‍યું, સિલાઈ કામ કર્યું અને મેસ ચલાવી : કાંતિભાઇએ રાજકોટમાં ઉદ્યોગ નગરમાં જિલ્લા સહકારી પ્રિન્‍ટિંગ પ્રેસમાં કમ્‍પોઝ, બાઈન્‍ડીંગ, પગનું ટ્રેડર ચલાવવું વગેરે કામ કરી ૩૩ વર્ષ નોકરી કરી: સમાજે આપણને ખૂબ આપ્‍યું છે એટલે આપણે સમાજને પણ સામે કંઈક આપવું જ જોઈએ

રાજકોટ, તા.૯ : રાજકોટના જીવરાજ પાર્ક વિસ્‍તાર નજીક એક વર્ષ પહેલાં એક યુવાન બાઈક પર જતો હતો અને બાઈકનું આગલું વીલ રસ્‍તા પર પડેલી પ્‍લાસ્‍ટિકની એક બોટલમાં આવ્‍યું અને તે યુવાન પડ્‍યો. આ નજારો અહીં રહેતા એક વડીલે જોયો ત્‍યારે તેમને થયું કે જો રસ્‍તા પર આ પ્‍લાસ્‍ટિકની બોટલ પડી ન હોત તો આ યુવાનનો અકસ્‍માત ન થાત. એ વડીલે એ પ્‍લાસ્‍ટિકની બોટલ લઈ અને તેમના સ્‍કૂટરની ડીકીમાં રાખી દીધી. આ કિસ્‍સા પછી વડીલ દંપતી નજીકમાં આવેલી શાક માર્કેટ ગયું ત્‍યાં જોયું તો પ્‍લાસ્‍ટિકના ઝબલા નો અનહદ ઉપયોગ થતો હતો. પર્યાવરણ પ્રેમી આ વડીલને વિચાર આવ્‍યો કે આના વિશે કંઈક કરવું જ જોઈએ. વૃદ્ધ દંપતી શનિવારી બજારમાં ગયું અને ત્‍યાંથી સારી ગુણવત્તાનું કાપડ લઈ ઘરે આવી અને તેમાંથી કટીંગ કરી કપડાની થેલી બનાવી. શરૂમાં કાપડની થેલીની કિંમત ૨૦ રૂપિયા રાખી પણ કોઈ એ ખરીદી નહીં. એ પછી ભાવ ઘટાડી દસ રૂપિયા કર્યા તેમ છતાં કોઈએ ખરીદી નહીં. અંતે આ પર્યાવરણ પ્રેમી દંપત્તિએ એવો નિર્ધાર કર્યો કે આપણાથી પહોંચાય એટલી કપડાની થેલી લોકોને વિનામૂલ્‍યે આપો પણ પ્‍લાસ્‍ટિકના ઝબલા થી પર્યાવરણને બચાવો. ધીમે ધીમે આ કન્‍સેપ્‍ટ લોકોને ગળે ઊતર્યો અને એક વર્ષમાં આ વડીલ દંપતિએ ૧૨૦૦ થી વધુ થેલીઓ લોકોને ભેટ આપી છે. સેવા અને સંઘર્ષથી જીવનમાં હર્ષ લાવનાર આ વડીલ દંપતી એટલે રાજકોટના ૭૨ વર્ષના કાંતિલાલભાઈ ભુત અને દક્ષાબેન ભુત.

 આર્થિક સંકડામણ છતા શરૂઆતમાં પોતાના ખર્ચે કાપડ લાવી થેલી બનાવી લોકોને વિનામૂલ્‍યે આપનાર કાંતિલાલભાઈ અને દક્ષાબેન દરરોજની ૧૫ થી ૨૦ કાપડની થેલી લોકોને ભેટ આપી પ્‍લાસ્‍ટિકના ઝબલા ન વાપરવા બે હાથ જોડી લોકોને વિનંતી કરે છે. કાંતિલાલભાઈ ભૂત રાજકોટના વિવિધ વિસ્‍તારમાં આવેલ બજારમાં જાય, ગળામાં લખાણ લટકાવેલા બોર્ડ અને હાથમાં બેનરથી લોકોમાં પ્‍લાસ્‍ટિકના ઉપયોગ ન કરવા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે અને પોતે કાપડ માંથી બનાવેલી થેલી લોકોને ભેટ આપે છે. જો કોઈ સ્‍વેચ્‍છાએ ખર્ચ આપે તો ના નથી પાડતા પણ સામેથી કોઈ પાસેથી એક રૂપિયો પણ લેતા નથી. એક વર્ષમાં એમણે ૧૨૦૦ -૧૫૦૦ થી વધુ કપડાની થેલીઓ લોકોને ભેટ સ્‍વરૂપે આપી છે. કાંતિભાઈ કહે છે, ઘણા લોકોના મદદ માટે ફોન પણ આવે છે. જેના ભાગરૂપે અત્‍યારે લોકોએ મદદ કરી હોય તેમાંથી ૧૬૦૦૦ રૂપિયા અત્‍યારે બેલેન્‍સ છે અને ૧૦૦ કાપડની થેલી પણ અત્‍યારે બેલેન્‍સ છે. તેમના આ કાર્યથી પ્રભાવિત થઈ કોઈ કંપનીએ પણ પોતાની જાહેરાતવાળી કાપડની થેલી લોકોને આપવા માટે કાંતિભાઈ ને આપી છે. કાંતિભાઈ અઠવાડિયામાં ત્રણ વાર માર્કેટમાં જઈ લોકોને પ્‍લાસ્‍ટિકના ઝબલા ન વાપરવા સમજાવે છે અને કપડાની થેલી ભેટમાં આપે છે. દક્ષાબેન સીવણ કામમાં માહેર છે. તેઓ કલાકમાં આઠથી દસ થેલી સીવી લે છે. જયારે કાંતિભાઈ પણ સીવણમાં દક્ષાબેન ની મદદ કરે છે. આ બંને જણા મળી દરરોજની ૩૦ થી ૩૫ કપડાની થેલીઓ સીવે છે. વધુમાં વધુ લોકો કપડાની થેલી વાપરતા થાય તેવો તેમનો પ્રયત્‍ન છે. તેમણે અનેક લોકોને વાત પણ કરી છે અને તેમના વિસ્‍તારમાં ઝબલા બંધ કરાવો અમે કપડાની થેલી ભેટ આપશું તેમ કહી આનો વધુમાં વધુ વિસ્‍તાર થાય તેવું આયોજન કરી રહ્યા છે.

 આમ તો આ ભૂત દંપતીની જીવનયાત્રા ખૂબ જ સંઘર્ષમય રહી છે. મૂળ પડધરી તાલુકાના સરપદડ ગામના રહેવાસી કાંતિલાલભાઈ ભૂત ૫૬ વર્ષથી રાજકોટમાં સ્‍થાયી થયા છે. આ બંનેના દાંપત્‍ય જીવનને ૪૮ વર્ષ થયા. કાંતિભાઈ એ ધોરણ ૮ માં બે વર્ષ કર્યા અને નાપાસ થયા. જયારે ધોરણ નવમાં છ મહિના કરી રાજકોટ આવી ગયા. રાજકોટમાં ઉદ્યોગ નગરમાં જિલ્લા સહકારી પ્રિન્‍ટિંગ પ્રેસમાં કમ્‍પોઝ, બાઈન્‍ડીંગ, પગનું ટ્રેડર ચલાવવું વગેરે કામ કરી ૩૩ વર્ષ નોકરી કરી. કાંતિભાઈ ને ટેકો આપવા માટે દક્ષાબેને ઘરે થેલા, પર્સ વગેરેનું સિલાઈ કામ શરૂ કર્યું. આ ઉપરાંત આર્થિક સંકડામણ ને દૂર કરવા આ દંપતીએ ઘરમાં મેસ પણ ચલાવી, બાયડીંગ કામ પણ કર્યું. પ્રેસમાંથી નિવૃત્તિ પછી કાંતિભાઈ ૨૨ બેંકના સ્‍ટેશનરીના બાયડીંગ ના કામ કરતા. ઘરે કટીંગ મશીન અને પિન મશીન લાવી જીઈબીના બિલ અને બેંકના બાયડીંગના કામ કરતા. ઘરના છેડા ભેગા કરવા લિજ્જતના ૩૫ કિલો પાપડ વણતા, ઘોડિયા ઘર ચલાવતા, સિલાઈ કામ કરતા અને મેસ ચલાવી રોજના ૩૫ લોકોને જમાડતા એ મહેનતનો ફળ આજે મળ્‍યું છે. આજે પણ તેઓ કરકસરથી જીવે છે. તેમના ઘરનું વિજબીલ માત્ર ૧૬૦ થી લઇ ૨૫૦ રૂપિયા સુધી જ આવે છે. જરૂર પડે ત્‍યાંજ તેઓ વિજ વપરાશ કરે છે. આજે આ દંપતી ની ત્રણ દીકરીઓ રાજકોટમાં સાસરે ખૂબ જ સુખી છે. મોટા દીકરી ધર્મિષ્ઠા સમીરભાઈ માકડીયા જે રસોઈ શોમાં આવી ચૂક્‍યા છે, વચેટ દીકરી નેહા નવીનકુમાર પટેલ ભરત કામ અને ટ્‍યુશન કરે છે જયારે નાના દીકરી રતના અમિત કુમાર માકડીયા સિલાઈ કામમાં માસ્‍ટર છે. આ ત્રણેય દીકરીઓના સંતાનો પણ ખૂબ જ હોશિયાર છે. મોટી દીકરીની દીકરી પણ ફિઝિયોથેરાપિસ્‍ટ બની ચૂકી છે. જીવનમાં આવડત હોય તો કંઈક કરી શકે એટલે આ દંપત્તિએ દીકરીઓને પણ પગભર બનાવી છે. હાલ કાંતિભાઈ અને દક્ષાબેન એકલા રહે છે તેમ છતાં નિવૃત્ત નહીં સતત પ્રવૃત રહે છે.

 કાંતિભાઈ ભૂત જયારે રાજકોટ આવ્‍યા ત્‍યારે રાજકોટના સૂચક દવાખાનામાં તેમના કાકા બેચરભાઈ ભૂત સાથે રહેતા. તેમણે જિલ્લા પંચાયતમાં રૂમ અપાવ્‍યો. સહકારી પ્રેસ પેલા જિલ્લા પંચાયતમાં હતું. ત્‍યાંજ કામ કરતા અને લોજનું જમતા. તેઓ કહે છે, મારા બેનને આગળ અભ્‍યાસ કરવો હોય તેવો મારા બા રાધાબેન સાથે ગામડેથી રાજકોટ આવ્‍યા. એટલે હું તેમની સાથે સોની બજારમાં રહેવા ગયો. મારા બા સોની લોકોનું ઘર કામ કરતા. ધીમે ધીમે આખો પરિવાર રાજકોટ આવી ગયો. જયારે પિતા છગનભાઈ ગામડામાં કરિયાણાની દુકાન ચલાવતા.

કાંતિભાઈ કહે છે, અમને બીજો કોઈ શોખ નથી માત્ર સમાજ સેવા કરવાનો શોખ છે. કામ કરતા રહીએ તો શરીર સારું રહે છે. બે વર્ષ પહેલા કાંતિભાઈને ન્‍યુમોનિયા થયો હતો એ સિવાય કોઈ ગંભીર બીમારી માં આજ સુધી બંને સપડાયા નથી. તાજેતરમાં જોરદાર પડેલા વરસાદથી પ્‍લાસ્‍ટિકના જથ્‍થાથી ગટર બ્‍લોક થઈ ગઈ હતી. કાંતિભાઈ ત્‍યાં પહોંચ્‍યા અને એકલા હાથે પ્‍લાસ્‍ટિક હટાવી પાણીનો નિકાલ કર્યો. કાંતિભાઈ સમાજને સંદેશો આપવા માંગે છે કે પ્‍લાસ્‍ટિક કેટલું ખતરનાક છે અને નડતરરૂપ છે. રસ્‍તા પર કોઈ મૃત પ્રાણી પડ્‍યું હોય તો તેને ઉપાડી તેનો યોગ્‍ય નિકાલ પણ કાંતિભાઈ કરી દે છે. આ બંને દંપતી બહારનું ખાતા પિતા નથી માત્ર ઘરનો ખોરાક જ લે છે.

સમાજસેવા અને સંઘર્ષ ની પ્રેરણા આપને ક્‍યાંથી મળે છે? કાંતિભાઈ કહે છે મારા બા એટલે કે રાધાબહેનને સેવા કરવાની ખૂબ જ આદત. જે કોઈ કંઈ પણ આપે બા એનું કામ કરતા. મારા બા નો આ સ્‍વભાવ અને સેવા કરવાની વૃત્તિ ને હું નાનપણથી જોતો આવ્‍યો છું. સીઝનમાં મરચા ખાંડવાના હોય, લગ્નમાં રસોઈ કરવાની હોય કાંઈ પણ નાનું મોટું કામ હોય મારા બા અચૂક કરતા અને સામે કોઈ જ અપેક્ષા રાખતા નહીં. જે કોઈ પ્રેમથી આપે તે સ્‍વીકારતા. એ ઉપરથી કાંતિભાઈએ શીખ લીધી કે સમાજે આપણને ખૂબ આપ્‍યું છે એટલે આપણે સમાજને પણ સામે કંઈક આપવું જ જોઈએ.

કાંતિલાલભાઈ ભૂત અને દક્ષાબેન ભૂત આ બંને સમાજ સેવા સાથે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરી લોકોને ખોટું કરતા રોકવાના પ્રયાસ પણ કર્યા છે. કાંતિભાઈ એ જણાવ્‍યું કે, જયારે અન્ના હજારેએ આંદોલન કરેલું એ પહેલા અમે રાજકોટના ત્રિકોણબાગ ખાતે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન નાટક રૂપે કર્યું હતું. જેમાં તેઓએ દર્શાવ્‍યું હતું કે ભ્રષ્ટાચાર કેટલો ખતરનાક છે અને એક કોને કોને હેરાન કરે છે. જેમાં તેમની એક દીકરી વિદ્યાર્થી બની હતી. જયારે તેમના બા એ ભિખારીનો રોલ કર્યો હતો. જયારે પત્‍ની દક્ષાબેન ભારત માતા બન્‍યા હતા અને લોકોને સંદેશ આપ્‍યો હતો કે સમાજનું કોઈપણ વ્‍યક્‍તિ હોય તે દરેકને ભ્રષ્ટાચાર નડે છે. ભ્રષ્ટાચાર ખતમ કરી ભારતનું ભલું કરી તેઓ સંદેશ લોકોને આપ્‍યો હતો. જેની અનેક લોકોએ નોંધ લીધી હતી.

પર્યાવરણ પ્રેમી કાંતિભાઈ એ અનેક પ્રકૃતિના કાર્યો પણ કર્યા છે અને હજુ કરી પણ રહ્યા છે. જીવરાજપાર્કના ઓક્‍સિજન પાર્ક વિસ્‍તારમાં રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેચર એન્‍ડ એડવેન્‍ચર ક્‍લબને અપાયેલી જગ્‍યામાં તેઓ વૃક્ષો વાવવા, ઉનાળાના ટેન્‍કર મારફત પાણી પીવડાવવા વગેરે કામ છેલ્લા સાત વર્ષથી નિઃસ્‍વાર્થભાવ સાથે કરે છે.

કાંતિભાઈ રાજકોટના એક સવારના દૈનિકમાં છાપા બાંધવાનું કામ કરતા ત્‍યારે ખૂબ નિષ્ઠાથી કામ કરતા. તેઓ જરા પણ ખોટું ચલાવી લેતા નહીં. જે અન્‍ય લોકોને કઠતું. એ વખતે નંબર લખવાની જર્મની ડબ્‍બી આવતી તેની કિંમત ત્‍યારે ૭,૦૦૦ રૂપિયા હતી. એ ડબ્‍બી કોઈએ કાંતિભાઈ ને ફરજ પરથી દુર કરવા ટિફિનમાં છુપાવી દીધી. આ વાત અન્‍ય નિષ્ઠાવાન વ્‍યક્‍તિએ કાંતિભાઈ ને જણાવી. કાંતિભાઈએ એ જ વખતે અધિકારી પાસે જઇ અને સ્‍પષ્ટતા કરી જાતે જ ફરજ મુક્‍ત થયા. ટૂંકમાં સંઘર્ષ સેવા અને ઈમાનદારી સમગ્ર ભૂત પરિવાર ના લોહીમાં સમાયેલી હોય આજે તેઓ તેનું સુખદ પરિણામ ભોગવી રહ્યા છે.

કાંતિભાઈ ભૂત ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો છે. કાંતિભાઈના મોટાભાઈ પ્રભુલાલભાઈ ભૂત શિક્ષક હતા. જયારે નાનાભાઈ નગીનભાઈ પટેલ ટેલીફોન એક્‍સચેન્‍જમાં કામ કરતા. કાંતિભાઈ અને દક્ષાબેનનું આ સમગ્ર જીવન અન્‍ય લોકો માટે પ્રેરણાદાઈ રૂપ છે.

૩૦ વર્ષ પહેલા અકિલાનું પ્રિન્‍ટિંગ પ્રેસનું રીપેરીંગ કામ કાંતિલાલભાઈએ કરેલું છે

કાંતિલાલભાઈ ભૂત ૩૩ વર્ષ પહેલાં રાજકોટના ઉદ્યોગ નગરમાં જિલ્લા સહકારી પ્રેસમાં નોકરી કરતા અને પ્રેસને લગતું તમામ કામ પણ કરતા. તેઓ કહે છે, એ જમાનામાં અકિલા નું જે જૂનું પ્રિન્‍ટિંગ પ્રેસ નું મશીન જે હાલ અકિલા કાર્યાલય ખાતે રાખેલું છે તેનું રીપેરીંગ કામ રાહુલ બચુભાઈ જોષી સાથે મળીને મેં ઘણી વખત કરેલું છે. આ વાતને લગભગ ૩૦ વર્ષનો સમય વીતી ગયો. આ ઉપરાંત હું લાઈટનું, નળનું, ગેસ રીપેરીંગનું કામ તેમજ દરવાજા નું કામ પણ કરી જાણું છું. તેમાંય ટપકતા નળ ને બંધ કરવામાં મારી માસ્‍ટરી. જે કોઈ જગ્‍યાએ પાણીના નળ ટપકતા હોય ત્‍યાં જઈ હું રીપેરીંગ કરી આપું પણ એક રૂપિયો સામેથી માગતો નહિં. લોકો જે આપે એ પ્રેમથી સ્‍વીકારતો. મારું માનવું છે કે પાણીનો બગાડ થાય એના કરતાં આપણાથી જે શક્‍ય બને તે કરી આપવું જોઈએ. હવે જોકે ખભાની તકલીફ થતા રીપેરીંગ કામ મૂકી દીધું છે.

કાંતિલાલભાઈ ભૂતે બે વખત

આત્‍મહત્‍યાની કોશિશ પણ કરી હતી

પર્યાવરણ પ્રેમી અને સમાજસેવી એવા કાંતિલાલભાઈ ભૂત કહે છે, મેં ભૂતકાળમાં આર્થિક મુશ્‍કેલીને લીધે કંટાળીને બે વખત આત્‍મહત્‍યાની કોશિશ કરી હતી. મારા લગ્ન થયા એ વખતે ૨૨૫ રૂપિયા મારો પગાર હતો. મકાન પણ ઘરનું ન હતું. અડધો લીટર ચા માં હું મારા પત્‍ની અને મારી ત્રણ દીકરીઓ ગુજરાન ચલાવતા. માત્ર ૭ ×૧૦ ની રૂમમાં અમે રહેતા. મારા પરિવારની ચિંતા મને ખૂબ કોરી ખાતી. આ ચિંતામાં એક દિવસ ગોંડલ રોડ પર હું સાયકલ લઈને જતો હતો ત્‍યારે ટ્રેનના પાટા જોયા અને સાયકલ લઇ ત્‍યાં જઈ ચડ્‍યો. સામે ટ્રેન આવતી જ હતી. મોત મારી નજર સામે હતું. એ વખતે ગોંડલ રોડ પર આવેલી એક નામી હોટલવાળા માલિક ત્‍યાંથી રાજદૂત લઈને જતા હતા. તેઓ મને જોઈ ગયા અને મને પકડી બહાર લઇ ગયા અને બેસાડીને પૂછ્‍યું શા માટે આત્‍મહત્‍યા કરવા જતા હતા? મેં મારી આપવિતી જણાવી. તેમણે મને મદદ કરવા પણ જણાવ્‍યું. એ પછી અમે સીવણ કામ માટે સંચો લીધો. જેમાંથી મારા પત્‍નીએ સિલાઈ કામ શરૂ કર્યું અને મેં સવારના એક દૈનિકમાં છાપા બાંધવાનું કામ શરૂ કર્યું.

આર્થિક સંકળામણ હજી સતાવતી હતી. એ વખતે અગાસીમાં હું સુવા ગયો અને મારી સાથે ઊંઘની ગોળીઓ લઈ ગયો. પત્‍નીને ખ્‍યાલ આવી જતા તેઓએ મને રોક્‍યો અને સાથે મહેનત કરી ભગવાન પર ભરોસો રાખવા જણાવ્‍યું. અમે ખૂબ જ સંઘર્ષ કર્યો. આગળ જતા અમે બાઈન્‍ડિંગનું કામ અને બીજા અન્‍ય કામ શરૂ કર્યા. જેમાં પત્‍ની દક્ષાબેનનો ખુબ સહકાર મળ્‍યો. દીકરીઓને સરકારી શાળામાં ભણાવી. ધીમે ધીમે આર્થિક સંકળામણ ઘટતી ગઈ.

ઝુંપડપટ્ટીથી શરૂ કરેલ સ્‍કૂલ આજે અનમોલ બની રહી...

કાંતિભાઈ ભૂત કહે છે, પર્યાવરણ ઉપરાંત સમાજસેવા જ મારે કરવી છે અને હું વર્ષોથી કરતો પણ આવ્‍યો છું. અમે લગભગ ૨૦ વર્ષ પહેલા યુનિવર્સિટી ગેટ પાસે આવેલ શાંતિનગરના ખુલ્લા વિસ્‍તારમાં અમે એટલે કે કાંતિભાઈ ભૂત, જીતુભાઈ ચૌહાણ અને વીણાબેન લાડવા એ મળીને ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. ત્‍યાં સરકારે ઝુપડપટ્ટીનું ડિમોલેશન કરી તે લોકોને જામનગર રોડ પર ઘંટેશ્વર સામે ક્‍વાર્ટર આપ્‍યા. અમે ત્‍યાં જઈ બાળકોને ખુલ્લામાં ભણાવવાનું શરૂ કર્યું. આગળ જતા સંજયભાઈ ધમશાણીયાએ બાળકોને ભણાવવા માટે કોમન પ્‍લોટમાં એક રૂમ બાંધી આપ્‍યો. એ પછી ઘંટેશ્વર ગામના મંત્રી એક બહેન હતા તેમણે અમને માર્ગદર્શન આપ્‍યું અને પંચાયતમાં શાળા માટે અરજી કરવા જણાવ્‍યું. પછી આ વિસ્‍તાર કોર્પોરેશનમાં આવતા મામલતદાર, કોર્પોરેશન, કમિશનર ઓફિસ બધે જ જઈ ‘અનમોલ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ' નામ રજીસ્‍ટર કર્યું. આજે આ સંસ્‍થા બાર રૂમ, મોટો હોલ અને તમામ બહેનોના સ્‍ટાફ સાથે ચાલી રહી છે. સ્‍કૂલ વાન પણ બહેન ચલાવે છે. પહેલા ભીખ માગતા બાળકો આજે રાજી ખુશીથી આ સ્‍કૂલમાં ભણી રહ્યા છે. ૪૦૦ બાળકો હાલ અભ્‍યાસ કરે છે. અહીં બાળકોને સિલાઈ, મહેંદી, બ્‍યુટી પાર્લર, કોમ્‍પ્‍યુટર, સ્‍પોકન ઇંગલિશ સહિત નું જ્ઞાન આપવામાં આવે છે. રણછોડદાસજી આશ્રમ દ્વારા આ બાળકોને મધ્‍યાહન ભોજન પણ અપાય છે. ઉલ્લેખનીય છે કે, જીતુભાઈ ચૌહાણ વીણાબેન લાડવા અને કાંતિલાલભાઈ ભૂત આ અનમોલ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના સ્‍થાપક ટ્રસ્‍ટીઓ છે.

 

સમાજ સેવા કરતા કાંતિભાઈ જેવા વ્‍યક્‍તિઓ જ

પદ્મશ્રીને લાયક.. મુખ્‍યમંત્રી કે વડાપ્રધાન નોંધ લેશે ?

પર્યાવરણ બચાવવાની વાત આવે એટલે મારા એકલા થી શું થશે? એવો પ્રશ્ન આપણા ઘણા લોકોના મનમાં ઊઠતો હોય છે. જોકે આ પ્રશ્ન ક્રાંતિકાકાને માફક આવ્‍યો નથી. તેમણે ૭૨ વર્ષની ઉંમરે પણ પ્‍લાસ્‍ટિક સહિતના કચરા સામે મોહીમ છેડી દીધી છે.

તેઓ રાજકોટની વિવિધ બજારોમાં જાય છે અને ગળામાં લટકાવેલા બોર્ડ અને હાથમાં બેનરથી લોકોમાં પ્‍લાસ્‍ટિકના ઉપયોગ ન કરવા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં પોતાના ખર્ચે કાપડ લાવી તેમાંથી થેલી સીવી અને લોકોને વિના મૂલ્‍ય એટલે કે ભેટ સ્‍વરૂપે આપે છે અને બે હાથ જોડી વિનંતી કરે છે કે પ્‍લાસ્‍ટિકના ઝભલા ન વાપરીએ અને કપડાની થેલી વાપરીએ. વૃક્ષો વાવવા હોય, તેનું જતન હોય, ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવાના હોય, પ્‍લાસ્‍ટિક થી બંધ થયેલ નાલું સાફ કરવાનું હોય, કોઈના નળ માંથી પાણીનું લીકેજ થતું હોય કે પછી સંઘર્ષ અને સેવાથી સમાજ ઉન્નતીના જે કંઈ કાર્યો હોય તેમાં કાંતિભાઈ અને દક્ષાબેન સદાય અગ્રેસર રહ્યા છે અને હાલ પણ કાર્ય કરી રહ્યા છે. સામે સમાજ પાસે કોઈ જ મૂલ્‍ય ની અપેક્ષા નથી. તેઓ માત્ર એટલું જ ઈચ્‍છે રહ્યા છે કે પર્યાવરણને શુદ્ધ કરવું અને સમાજ સેવા કરવી. હકીકતમાં કાંતિલાલભાઈ ભૂત જેવા મુક સેવક પદ્મશ્રીને લાયક છે. સમાજના કોઈ ખૂણે કામ કરતા આવા મહામૂલા માનવીઓની નોંધ મુખ્‍યમંત્રીશ્રી કે વડાપ્રધાનશ્રી એ લેવી ઘટે.

વધુ વિગત માટે સપર્ક
કાîતિલાલભાઈ ભૂત
રઘુલીલા ઍપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક મેઇન રોડ, રાજકોટ, ૯૮૯૮૫૧૭૭૧૮

(4:24 PM IST)