News of Saturday, 7th September 2024
હરિયાણામાં કોંગ્રેસની પ્રથમ યાદીમાં પાંચ મહિલાઓને ટિકિટ : વિનેશ ફોગટ સહીતના મહિલા ચૂંટણી મેદાનમાં
નારાયણગઢથી શૈલી ચૌધરી, સધૌરાથી રેણુ બાલા, જુલાનાથી વિનેશ ફોગાટ, કલાનૌરથી શકુંતલા ખટક અને ઝજ્જરથી ગીતા ભુક્કલને ટિકિટ

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે શુક્રવારે 31 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં કોંગ્રેસે મહિલા રેસલર વિનેશ ફોગટ સહિત પાંચ મહિલાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસે જે પાંચ મહિલાઓને ટિકિટ આપી છે તેમાં નારાયણગઢથી શૈલી ચૌધરી, સધૌરાથી રેણુ બાલા, જુલાનાથી વિનેશ ફોગાટ, કલાનૌરથી શકુંતલા ખટક અને ઝજ્જરથી ગીતા ભુક્કલનો સમાવેશ થાય છે
આમાંથી વિનેશ ફોગટ નવો ચહેરો છે, જ્યારે બાકીના ચાર વર્તમાન ધારાસભ્યો છે. વિનેશ ફોગાટ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા કોંગ્રેસમાં સામેલ થયાના થોડા કલાકો બાદ આ યાદી જાહેર કરવામાં આવી છે.
પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા-કિલોલી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે કરનાલના પૂર્વ મેયર અને સધૌરા બેઠકના વર્તમાન ધારાસભ્ય રેણુ બાલાને તે જ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડવા માટે પાર્ટીની ટિકિટ આપવામાં આવી છે. છે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા 31 ઉમેદવારોમાં સિરસાના સાંસદ કુમારી સેલજાના નજીકના ત્રણ નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. કાલકાથી પ્રદીપ ચૌધરી, નારાયણગઢથી શૈલી ચૌધરી અને સધૌરાથી રેણુ બાલાને ટિકિટ આપવામાં આવી છે. આ ત્રણેય વર્તમાન ધારાસભ્ય છે
પ્રથમ યાદીમાં ત્રણ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં ત્રણ વર્તમાન ધારાસભ્યો મમન ખાન, મુહમ્મદ ઇલ્યાસ અને આફતાબ અહેમદનો સમાવેશ થાય છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 12 જાટ, 8 SC, 4 OBC, 2 બ્રાહ્મણ, 3 મુસ્લિમ, 1 પંજાબી અને 1 શીખ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. નૂહ રમખાણોના આરોપી મમન ખાનને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
