News of Friday, 6th September 2024
મહિલાને દુખાવો થયો ત્યારે ખબર પડી કે પેટમાં ૨૪ અઠવાડિયાંનું ‘સ્ટોન બેબી'છે

વિશાખાપટ્ટનમ,તા. ૬: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મહિલાને જવલ્લે જ કરાવવું પડે એવું ઓપરેશન કરાવવું પડ્યું. અનાકાપલ્લે જિલ્લાની ૨૭ વર્ષની બે સંતાનની માતાને ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો એટલે તે કિંગ જયોર્જ હોસ્પિટલ પહોંચી. ડોક્ટરોએ સ્કેન કરતાં ખબર પડી કે મહિલાના પેટમાં ‘સ્ટોન બેબી'છે, એ પણ ૨૪ અઠવાડિયાં (છથી સાડાછ મહિના)નું. ડોક્ટરોએ ૩૧ ઓગસ્ટે એ મહિલાનું ઓપરેશન કર્યું અને સફળતાપૂર્વક ‘સ્ટોન બેબી' પેટમાંથી કાઢી નાખ્યું. ગર્ભાવસ્થામાં ભ્રૂણનું મૃત્યુ થઈ જાય ત્યારે આવી દુર્લભ ઘટના બને છે. ભ્રૂણના કેલ્શિફાઇડ અવશેષોને ‘સ્ટોન બેબી'કે ‘લિથોપીડિયન'કહેવાય છે. લિથોપીડિયા જેવી સ્થિતિ ૧૪ અઠવાડિયાંથી પૂરેપૂરા મહિના સુધીના ગર્ભ માટે પણ થઈ શકે છે. ઘણી વાર દાયકાઓ સુધી નિદાન ન થવાને કારણે ‘સ્ટોન બેબી'થઈ શકે છે. અલ્જિરિયામાં ૭૩ વર્ષની મહિલાના પેટમાંથી ૩૫ વર્ષ જૂનું આવું ‘સ્ટોન બેબી'કાઢવામાં આવ્યું હતું.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
