<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ડોપિંગમાં ફસાયો શ્રીલંકાનો ક્રિકેટર નિરોશન ડિકવેલા: તમામ ફોર્મેટમાંથી પ્રતિબંધ મુકાયો

શ્રીલંકાના એક ખેલાડી પર એન્ટી ડોપિંગ ઉલ્લંઘનનો આરોપ:તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ ખેલાડી કોઈપણ ક્રિકેટ ફોર્મેટમાં રમી શકશે નહીં

મુંબઈ :ક્રિકેટ જગત સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક સ્ટાર ક્રિકેટર પર એન્ટી ડોપિંગ ઉલ્લંઘનને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ખેલાડીનું નામ છે નિરોશન ડિકવેલા.શ્રીલંકા પ્રીમિયર લીગ 2024 (LPL) દરમિયાન કથિત ડોપિંગ વિરોધી ઉલ્લંઘનને કારણે નિરોશન ડિકવેલાને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

 શ્રીલંકાના ક્રિકેટ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ ચાલુ રહે ત્યાં સુધી વિકેટકીપર-બેટ્સમેન પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. તેની સજાની મર્યાદા અંગે ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે.

 

અહેવાલો અનુસાર, નિરોશન ડિકવેલા ડોમેસ્ટિક T20 લીગ દરમિયાન એન્ટી ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. ડિકવેલા ટુર્નામેન્ટમાં ગાલે માર્વેલ્સના કેપ્ટન હતા. તેણે આ લીગની 10 ઇનિંગ્સમાં 153.33ના સ્ટ્રાઇક રેટથી માત્ર 184 રન બનાવ્યા હતા. તેની ટીમ પણ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી.

 

પરંતુ તેને જાફના કિંગ્સ તરફથી ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. ડિકવેલાએ ફાઇનલમાં આઠ બોલમાં માત્ર પાંચ રન બનાવ્યા હતા. આ પહેલીવાર નથી, નિરોશન ડિકવેલા આ પહેલા પણ વિવાદોમાં ફસાયા છે. 2021 માં, ઇંગ્લેન્ડમાં બાયો-બબલ ભંગને કારણે તેના પર દાનુષ્કા ગુનાથિલાકા અને કુસલ મેન્ડિસ સાથે એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ પછી તે લાંબા સમય સુધી ટીમની બહાર હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ 2023ની શરૂઆતમાં અને 2022માં તેની છેલ્લી સફેદ બોલની આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

 

નિરોશન ડિકવેલાએ શ્રીલંકા માટે અત્યાર સુધીમાં 54 ટેસ્ટ, 55 વનડે અને 28 ટી20 મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 30.97ની એવરેજથી 2757 રન બનાવ્યા છે, જેમાં 22 અડધી સદી સામેલ છે. તે જ સમયે, ODIમાં તેણે 31.45ની એવરેજથી 1604 રન બનાવ્યા છે. ટી20માં પણ તેના નામે 480 રન છે.  છેલ્લા કેટલાક દિવસો શ્રીલંકન ક્રિકેટ માટે કંઈ ખાસ રહ્યા નથી

   આ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શ્રીલંકાના ખેલાડી પ્રવીણ જયવિક્રમા પર ICC એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનના ત્રણ આરોપો લગાવ્યા હતા. શ્રી જયવિક્રમા પાસે આરોપોનો જવાબ આપવા માટે 6 ઓગસ્ટ, 2024 થી 14 દિવસનો સમય છે .

(11:02 PM IST)