<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

POCSO એક્‍ટમાં ‘વ્‍યક્‍તિ'એટલે માત્ર પુરૂષ નહીં,સ્ત્રી સામે પણ ગુનો નોંધાય

આરોપી મહિલા હોવાથી કેસ ન ચાલી શકે એવી દલીલ દિલ્‍હી હાઈ કોર્ટે ફગાવી

નવી દિલ્‍હી,તા. ૧૬: બાળકોનું જાતીય શોષણ અટકાવવા માટે ઘડાયેલા પ્રોટેક્‍શન ઓફ ચિલ્‍ડ્રન ફ્રોમ સેક્‍સ્‍યુઅલ ઓફેન્‍સિસ એક્‍ટ (POCSO)ની કલમ-૩માં પેનિટ્રેટિવ સેક્‍સ્‍યુઅલ અસોલ્‍ટમાં આરોપી માટે ‘વ્‍યક્‍તિ'તરીકેનો ઉલ્લેખ કરાયો છે. દિલ્‍હી હાઈ કોર્ટે એક કેસમાં સ્‍પષ્ટતા કરી હતી કે ‘વ્‍યક્‍તિ' એટલે માત્ર પુરુષ જ નહીં સમજી લેવાનું. POCSO હેઠળસ્ત્રી સામે પણ કેસ ચાલી શકે છે.

દિલ્‍હી હાઈ કોર્ટમાં ગયા અઠવાડિયે POCSO એક્‍ટ હેઠળનો એક કેસ આવ્‍યો હતો. એમાં આરોપી તરીકે મહિલા છે. મહિલાના વકીલે દલીલ કરી હતી કે આરોપી એક મહિલા છે અને એટલે તેની વિરુદ્ધ પેનિટ્રેટિવ સેક્‍સ્‍યુઅલ અસોલ્‍ટના ગુના હેઠળ કેસ ન ચલાવી શકાય. આરોપીએ પોતાની સામે ઘડાયેલા આરોપો સામે પણ વાંધો ઉઠાવ્‍યો હતો. એવી પણ દલીલ કરી હતી કે કાયદાની જોગવાઈમાં ‘વ્‍યક્‍તિ'પુરુષને સંબોધતું સર્વનામ છે. આ કાયદાનો હેતુ માત્ર પુરુષ ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે છે.

આ દલીલોને દિલ્‍હી હાઈ કોર્ટના ન્‍યાયમૂર્તિ અનુપ જયરામ ભંભાણીએ ફગાવી દીધી અને કહ્યું કે POCSO એક્‍ટની કલમ-૩માં ઉલ્લેખાયેલા ‘વ્‍યક્‍તિ' શબ્‍દનો અર્થ માત્ર પુરુષ માટે જ કરાયો છે એવું માની લેવાનું કોઈ કારણ નથી. POCSO અધિનિયમની કલમ-૩ અને ૫ (ગંભીર પેનિટ્રેટિવ સેક્‍સ્‍યુઅલ અસોલ્‍ટ)માં ઉલ્લેખ કરાયેલાં કૃત્‍યોમાં આરોપીની જાતીય સ્‍થિતિ ધ્‍યાનમાં નથી લેવાઈ. જો મહિલાએ બાળકો સાથે ગુનો આચર્યો હોય તો મહિલા સામે પણ કેસ ચાલી શકે.

(10:02 AM IST)