<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

જાણો છો ? બીડી વધારે નુકસાનકારક છે સિગારેટ ?

ગામમાં ઘણા વડીલોને હંમેશા બીડી પીતા જોઇ શકાય છે : જોકે શહેરોમાં બંધાણી સિગારેટ પીવે છે : બીડી અને સિગારેટ બંને ફેફસા માટે હાનિકારક છે : બીડીનો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા વધુ ઝેરી છે

નવી દિલ્‍હી તા. ૧૬ : બીડી અને સિગારેટ બંને ધૂમ્રપાન કરનાર સ્‍મોકિંગ પ્રોડક્‍ટ છે. એક સમય હતો જયારે બીડીનું ચલણ વધારે હતું અને પછી ધીમે-ધીમે લોકોએ સિગારેટ પીવાનું શરૂ કરી દીધું. ઘણાં લોકો તર્ક આપે છે કે,  બીડી  પીવાનું ઓછું નુકસાનકારક હોય છે, કારણકે તેમાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, ઘણાં લોકો સિગારેટને બીડીની તુલનામાં ઓછું ખતરનાક માને છે. હેલ્‍થ એક્‍સપર્ટ અનુસાર, સ્‍મોકિંગની કોઈપણ પ્રોડક્‍ટ શરીર માટે સુરક્ષિત નથી હોતું. જોકે, બીડી અને સિગારેટમાં અમુક અંતર જરૂર હોય છે. આ વિશે એક્‍સપર્ટે ખૂબ ચોંકાવનારી વાત જણાવી છે.

નવી દિલ્‍હીના પલ્‍મોનોલોજિસ્‍ટ ડો. ભગવાન મંત્રીએ જણાવ્‍યું કે બીડી પાંદડામાંથી બને છે અને તેમાં તમાકુ અને અન્‍ય કેટલાક પદાર્થો ભરેલા હોય છે. જયારે સિગારેટમાં તમાકુને કાગળના સ્‍તરમાં વીંટાળવામાં આવે છે. તમાકુ ઉપરાંત, સિગારેટમાં અન્‍ય ઘણાં રસાયણો અને પ્રિઝર્વેટિવ્‍સ પણ ઉમેરવામાં આવે છે. સિગારેટ મશીનથી બને છે, જયારે બીડીને હાથથી બનાવવામાં આવે છે. બંને વસ્‍તુઓમાં તમાકુ અને અન્‍ય હાનિકારક પદાર્થો હોય છે, જે સ્‍વાસ્‍થ્‍ય માટે ગંભીર ખતરો છે. બીડી અને સિગારેટ બંને ફેફસાં માટે હાનિકારક છે.

ડાઙ્ઘ. ભગવાન મંત્રીએ જણાવ્‍યું કે બીડીનો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા વધુ ઝેરી છે. તમાકુ સિવાય બીડીમાં અન્‍ય હાનિકારક તત્ત્વો હોય છે, જે બીડીના ધુમાડામાં ભળી જાય છે. બીડીના ધુમાડામાં કાર્સિનોજેનિક તત્‍વો વધુ માત્રામાં હોય છે, જે ફેફસાના કેન્‍સર, મોઢાનું કેન્‍સર અને ગળાના કેન્‍સર સહિત અનેક જીવલેણ રોગોનું જોખમ વધારે છે. સિગારેટ પણ સ્‍વાસ્‍થ્‍ય માટે અત્‍યંત હાનિકારક છે. સિગારેટના ધુમાડામાં હજારો રસાયણો હોય છે જે કેન્‍સરનું કારણ બની શકે છે. સિગારેટ પીવાથી હૃદયની બીમારીઓ, ફેફસાના રોગો સહિત અનેક સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓ થઈ શકે છે.

પલ્‍મોનોલોજિસ્‍ટના મતે સિગારેટના ધુમાડામાં નિકોટિન હોય છે, જે વ્‍યસનનું કારણ બને છે. તેમાં કાર્બન મોનોક્‍સાઇડ અને ટાર જેવા હાનિકારક તત્‍વો હોય છે, જે ફેફસાને ગંભીર નુકસાન પહોંચાડે છે. બીડી અને સિગારેટ બંનેમાં નોંધપાત્ર માત્રામાં નિકોટિન હોય છે. વધુ પડતી બીડી પીવાથી તેમાં રહેલા ખતરનાક તત્‍વો ઝડપથી આપણા ફેફસામાં જમા થઈ જાય છે. જેના કારણે શ્વસન નળીઓ સંકોચાય છે. તેનાથી ઓબ્‍સટ્રક્‍ટિવ ડિસિઝ સહિત કેન્‍સર જેવી સમસ્‍યા પણ થઈ શકે છે. જો કે, સિગારેટ પીવાથી પણ આ બધી સમસ્‍યાઓ થઈ શકે છે અને ફેફસાને નુકસાન થાય છે.

ઘણી રિસર્ચમાં બીડી અને સિગારેટ બંને બરાબર નુકસાનકારક માનવામાં આવે છે. લાંબા સમય સુધી બીડી અને સિગારેટ પીવાથી શ્વાસની નળીઓ સાંકડી થઈ જાય છે અને લાળની સમસ્‍યા થાય છે. બીડી અને સિગારેટ બંનેને છોડી દેવું જ સારૂ છે. માત્ર બીડી અને સિગારેટ જ નહીં, પરંતુ ધૂમ્રપાનની તમામ વસ્‍તુઓ આપણા ફેફસાં અને હૃદયના સ્‍વાસ્‍થ્‍યને ખરાબ રીતે અસર કરે છે. પલ્‍મોનોલોજિસ્‍ટ્‍સ કહે છે કે ઘણી વખત આવા દર્દીઓ પણ આવે છે જેઓ બીડી કે સિગારેટ પીધા વિના આવી સમસ્‍યાથી પીડાય છે. તેનું કારણ અતિશય વાયુ પ્રદૂષણ છે. ઝેરી હવામાં રહેવાથી ફેફસાના રોગો પણ થઈ શકે છે.

(9:59 AM IST)