તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
જમ્મુ-કાશ્મીરનાં ડોડામાં એન્કાઉન્ટર : આર્મીનાં કેપ્ટન શહીદ : ચાર ત્રાસવાદીઓ ઠાર : રાજયમાં હાઇ એલર્ટ
કઠુઆમાં ૮ ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ : ત્રાસવાદીઓને મદદ કરતા હતા : બપોરે પણ સામસામા ગોળીબાર ચાલુ : ત્રાસવાદીઓ ઘેરાયા

શ્રીનગર, તા.૧૪: જમ્મુ-કાશ્મીરના ડોડામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આર્મીનો એક કેપ્ટન શહીદ થયો હતો. એન્કાઉન્ટરમાં ૪ આતંકીઓ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
સેના અનુસાર, શહીદ કેપ્ટન દીપક સિંહ ૪૮ રાષ્ટ્રીય રાઈફલ્સના છે. ડોડામાં અસાર ફોરેસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં તે ટીમનું નેતળત્વ કરી રહ્યો હતો. ૧૬ જુલાઈના રોજ પણ ડોડાના દેસા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન કેપ્ટન સહિત ૫ જવાનો શહીદ થયા હતા.
સેનાના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. આતંકવાદીઓ જંગલમાં એક નદી પાસે છુપાયેલા છે અને ફાયરિંગ કરી રહ્યા છે. સવારે તેઓ ગોળીબાર દરમિયાન પાછા ભાગ્યા હતા. ત્યાંથી સૈનિકોને એક અમેરિકન એમ-૪ રાઈફલ અને ત્રણ બેગમાં વિસ્ફોટક મળી આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓને લઈને રક્ષા મંત્રીએ દિલ્હીમાં બેઠક બોલાવી હતી. NSA અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને અન્ય સુરક્ષા એજન્સીઓના વડાઓએ તેમાં ભાગ લીધો હતો. મીટિંગ અંગેની માહિતી બહાર આવી નથી.
સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે
સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જમ્મુમાં સેનાના ૩૦૦૦થી વધુ જવાનો અને ૨૦૦૦ BSFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તે જ સમયે, આસામ રાઇફલ્સના લગભગ ૧૫૦૦-૨૦૦૦ સૈનિકોને પણ આતંકવાદનો સામનો કરવા માટે તૈનાત કરવામાં આવી રહ્યા છે.
કઠુઆમાં ૮ ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ, આતંકવાદીઓને મદદ કરી રહ્યા હતા
કઠુઆમાં પોલીસે ૧૨ ઓગસ્ટે ૮ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી હતી. જૈશ આતંકવાદી મોડ્યુલના આ કાર્યકરોએ ૨૬ જૂને ડોડામાં માર્યા ગયેલા ૩ જૈશ આતંકવાદીઓને મદદ કરી હતી. આ ઓવર ગ્રાઉન્ડ વર્કરોએ સરહદ પાર કરીને આતંકવાદીઓને ડોડાના જંગલો અને પહાડીઓ સુધી પહોંચવામાં મદદ કરી હતી. તેમને ભોજન પણ આપવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે આ આતંકી મોડ્યુલનો લીડર મોહમ્મદ લતીફ હતો. તે કઠુઆના અંબે નલ વિસ્તારમાં રહેતો હતો. લતીફ જૈશ આતંકવાદીઓના હેન્ડલર્સ સાથે મુખ્ય સંપર્ક હતો. નેટવર્કમાં કોને સામેલ કરવા અને કોને નહીં તે લતીફે જ નક્કી કર્યું. અખ્તર અલી, સદ્દામ કુશાલ, નૂરાની, મકબૂલ, લિયાકત અને કાસિમની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ કઠુઆના છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
