તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
માઇનસમાં જીએસટી ૩બી રિટર્ન ભરવાના પરિપત્રનો અમલ ચાર વર્ષે પણ કાગળ પર
વેચેલો માલ પરત આવે ત્યારે તેની વિગતો પોર્ટલ પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો : સપ્ટેમ્બર ૨૦૨૦માં જાહેર કરવામાં આવેલા પરિપત્રના અમલ માટે જીએસટી વિભાગના ઠાગાઠૈયા

મુંબઇ,તા. ૧૮: વેપારી દ્વારા વેચાણ કરવામાં આવેલો માલ પરત આવે તેવા સંજોગોમાં વેપારી માઈનસમાં રિટર્ન ભરવાની સુવિધા આપવાની જાહેરાત સપ્ટેમ્બર ૨૦૨૦માં કરી હતી. તેમજ થોડા સમયમાં જ જીએસટી પોર્ટલ પર વેપારીઓને સુવિધા મળી જશે તેવો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો. જોકે તે વાતને ચાર વર્ષનો સમય થવા આવ્યો હોવા છતાં હજુ પણ વેપારીઓ ૩બી રિટર્નમાં માઈનસ ફીગર ભરવાની સુવિધા આપવામાં આવી નથી. તેના કારણે વેપારીએ વેચાણ કરેલો માલ પરત આવે ત્યારે રિટર્ન ભરવામાં ભારે માથાકૂટ થતી હોય છે.
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં સૌથી વધુ સમસ્યા ગુડ્ઝ રિટર્નની છે. કારણ કે વેપારી દ્વારા જે પણ માલનું વેચાણ કરવામાં આવ્યું હોય તે માલ ૬૦ કે ૯૦ દિવસ પછી પરત આવવાની શક્યતા રહેલી છે. જોકે એમએસએમઇમાં ૪૫ દિવસની અંદર ખરીદ કરેલા માલની ચુકવણી ૪૫ દિવસમાં કરી દેવાનો નિયમ લાગુ કરવામાં આવતા રિટર્ન ગુડ્ઝ આવવાના ઓછા ચોકકસ થયા છે. જયારે બંધ તો થયા જ નથી. તેના લીધે ગુડ્ઝ વેચાણ કરતી વખતે વેપારીએ જીએસટી રિટર્નમાં તેનો ઉલ્લેખ કરવાની સાથે ટેક્સ પણ ભરપાઇ કરી દીધો હોય છે. હવે તે માલ પરત આવે ત્યારે જીએસટી પોર્ટલ પર રિટર્ન માલ દર્શાવવા માટેની સુવિધા આપવાની જાહેરાત સપ્ટેમ્બર ૨૦૨૦માં કરી હતી. તે વાતને ચાર વર્ષનો સમય થવા આવ્યો હોવા છતાં હજુ પણ જીએસટી પોર્ટલ પર તેની સુવિધા આપવામાં આવી નથી. તેના લીધે વેપારીઓએ રિટર્ન આવેલા ગુડ્ઝની વિગતો જીએસટી પોર્ટલ પર રજૂ કરવામાં ભારે મથામણ કરવાની સ્થિતિ સર્જાતી હોય છે. (૨૨.૪)
પોર્ટલ પર એક સિસ્ટમ કાર્યરત કરવામાં અખાડા
જાણકારોના કહેવા પ્રમાણે જીએસટી વિભાગ દ્વારા માઇનસમાં વિગતો પોર્ટલ પર અપલોડ કરવામાં આવે તે માટે સિસ્ટમમાં જ નાનો સરખો સુધારો કરવાનો હોય છે. જો તે સુધારો કરવામાં આવે તો વેપારીઓ સરળતાથી ગુડ્ઝ રિટર્ન દર્શાવી શકતા હોય છે. તેમજ એક જ વસ્તુના વેચાણ માટે બે વખત ટેક્સ ભરવાની અને ત્યારબાદ રિફંડ માટેની કાર્યવાહી કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે તેમ છે. પરંતુ આ સુવિધા આપવા માટે સિસ્ટમમાં નાનો સરખો સુધારો કરવાની પણ દરકાર સુધ્ધાં લેવામાં આવી નથી.
સુવિધા શરૂ થાય તો વેપારીઓને રાહત થશે
જીએસટી પોર્ટલ પર રિટર્ન ગુડ્ઝની વિગતો માઈનસમાં ભરી શકાય તેવી સુવિધા શરૂ કરવામાં આવે તો વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે. કારણ કે કેટલીક વખત પરત આવેલો માલના બદલે ચાલુ મહિનાના વેચાણમાં ઘટાડો બતાવવાનો હોય છે. તેમાં વેપારી દ્વારા નાની સરખી પણ ભુલ કરવામાં આવે તો નોટિસ મળવાની પણ શક્યતા રહેલી છે. તેના બદલે સુધારો કરવામાં આવે તો વેપારીઓને થતી તકલીફ દુર થઇ શકે તેમ છે.
-પાવન શાહ (ટેક્સ કન્સલ્ટન્ટ)
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
