<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ટીમ પાકિસ્‍તાન નહિ જાય !!

ભારતના મેચ દુબઇ કે શ્રીલંકામાં યોજવા માંગણી કરશે બોર્ડ

નવી દિલ્‍હી તા. ૧૧ : પાકિસ્‍તાને ભલે લાહોરમાં ભારત સાથે ક્રિકેટ મેચ રમવાની તૈયારી કરી હોય, પરંતુ તે શક્‍ય જણાતું નથી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્‍તાનના પ્રવાસે નહીં જાય. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેની આ મેચ ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં પ્રસ્‍તાવિત છે. પાકિસ્‍તાને ICC ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની યજમાની કરવાની છે. તેની સ્‍પર્ધાઓ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે. ભારત આ ટૂર્નામેન્‍ટ હાઇબ્રિડ મોડલમાં યોજવાની માંગ કરી રહ્યું છે.

પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડએ સોમવારે ICCને ICC ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫નું શેડ્‍યૂલ સુપરત કર્યું છે. આ શેડ્‍યૂલ ત્‍યારે જ અંતિમ ગણાશે જયારે તેને ICC દ્વારા મંજૂરી આપવામાં આવશે. આ પહેલા પણ ભારતીય ટીમ પાકિસ્‍તાન નહીં જવાના સમાચાર સામે આવ્‍યા છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર સુરક્ષાના કારણોસર ભારતીય ટીમ પાકિસ્‍તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ICC પાસે તેની મેચો UAE અથવા શ્રીલંકામાં હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવાની માંગ કરશે.

આ વખતે ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫માં ભારત-પાકિસ્‍તાનની ૮ ટીમો ભાગ લેવાની છે. આ ૮ ટીમો વચ્‍ચે કુલ ૧૫ મેચ રમાશે. PCB દ્વારા ICCને સુપરત કરાયેલા શેડ્‍યૂલમાં, સુરક્ષા અને ‘લોજિસ્‍ટિકલ' કારણોસર ભારતની મેચો માત્ર લાહોરમાં રાખવામાં આવી છે. ભારતીય ટીમે છેલ્લે ૨૦૦૮માં પાકિસ્‍તાનનો પ્રવાસ કર્યો હતો. ત્‍યારે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્‍તાનમાં આયોજિત એશિયા કપ રમવા ગઈ હતી.

ગયા વર્ષે, પાકિસ્‍તાને માત્ર હાઇબ્રિડ મોડલમાં એશિયા કપનું આયોજન કર્યું હતું. આ અંતર્ગત ભારત સિવાય તમામ ટીમોની મેચ પાકિસ્‍તાનમાં રમાઈ હતી. ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્‍તાન જવાની ના પાડી દીધી હતી. આ કારણોસર ભારતની તમામ મેચો શ્રીલંકામાં રમાઈ હતી.

(2:51 PM IST)