<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

પોલીસ રિપોર્ટમાં મૃતક જાહેર કરાયેલ મહિલા કોર્ટમાં થઇ હાજર

હાઇકોર્ટે લગાવી ફટકાર, એસપી પાસે માંગ્‍યુ સોગંદનામુ

ચંદીગઢ,તા.૧૧: પંજાબ હરિયાણ હાઇકોર્ટમાં અજબ કેસ સામે આવ્‍યો છે. જે મહિલાને પોલીસ રિપોર્ટમાં મરેલી દર્શાવાઇ હતી. તે કોર્ટમાં જીવતી ઉભી હતી. જસ્‍ટીસ કિર્તી સિંહે ખોટા રિપોર્ટ માટે હરિયાણા પોલીસને ફટકાર લગાવી અને મેવાતના નુહના પોલીસ સુપ્રીન્‍ટેન્‍ડન્‍ટને સોગંદનામુ રજુ કરવાની સાથે તપાસ પછી દોષીત અધિકારી વિરૂધ્‍ધ કાર્યવાહીનો આદેશ આપ્‍યો હતો.

એક સગીર છોકરીએ હાઇકોર્ટમાં સુરક્ષા માટેની અરજી કરી હતી. જે કેસ લાંબો સમય ચાલવા દરમ્‍યાન પુખ્‍તવયની બની ગઇ હતી. અરજીમાં કહેવાયું હતુ કે છોકરીને તેના માતા-પિતાએ તેની મરજી વિરૂધ્‍ધ લગ્ન માટે મજબુર કરી હતી. છોકરીએ પોતાના સગાઓ અનીશ અને અરસ્‍તુનની મદદથી ઘર છોડી દીધુ હતું. જસ્‍ટીસ કિર્તીસિંહે કહ્યુ કે અરજદાર પુખ્‍તવયની હોવાથી તે પોતાની પસંદગીની જગ્‍યાએ રહેવા માટે સ્‍વતંત્ર છે.

કેસ ફાઇલની સાથે સંલગ્ન પોલીસ રિપોર્ટમાં જણાવાયું હતુ કે અરસ્‍તુનનું બે વર્ષ પહેલા મોત થઇ ગયુ હતુ પણ તે કોર્ટમાં હાજર હતી અને તેણે પોતાની ઓળખ માટે આધારકાર્ડ રજુ કર્યું.

સરકારી વકીલે  જણાવ્‍યુ કે ઉપરોકત રિપોર્ટ નુહના રોજકા  મેવ પોલીસ સ્‍ટેશનના તત્‍કાલીન સબ ઇન્‍સ્‍પેકટરે રજુ કર્યો હતો. કોર્ટે આદેશ આપ્‍યા કે ચાર અઠવાડીયામાં એસપી સોગંદનામુ રજુ કરીને જણાવે કે આવો રિપોર્ટ કેમ રજુ કરાયો અને દોષિતો સામે શું કાર્યવાહી કરવામાં આવી.

(1:17 PM IST)