<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

સંયુક્‍ત બેંક ખાતા અને ATM સુધી ગૃહિણીઓની પહોંચ જરૂરી

મહિલાઓના અધિકારો અંગે પુરૂષોને સુપ્રીમ કોર્ટની સલાહ : ભારતીય પુરૂષોએ તેમની પત્‍નીઓને આર્થિક રીતે સશક્‍ત બનાવવાની જરૂર છે : કોર્ટે કહ્યું કે મહિલાઓ તેમના પરિવારની સંભાળ રાખવા માટે આખો દિવસ કામ કરે છે તે આ નિઃસ્‍વાર્થપણે કરે છે અને બદલામાં કોઇપણ પ્રકારની ઉપકારની અપેક્ષા રાખતી નથી

નવી દિલ્‍હી તા. ૧૧ : સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લીધેલી મુસ્‍લિમ મહિલાઓ સાથે સંબંધિત એક કેસ પર પોતાનો ચુકાદો આપતી વખતે મહિલાઓના અધિકારોની પણ વાત કરી હતી. કોર્ટે કહ્યું કે ભારતીય પુરૂષોએ તેમની પત્‍નીઓને આર્થિક રીતે સશક્‍ત બનાવવાની જરૂર છે.

કોર્ટે કહ્યું કે મહિલાઓ તેમના પરિવારની સંભાળ રાખવા માટે આખો દિવસ કામ કરે છે. તે આ નિઃસ્‍વાર્થપણે કરે છે અને બદલામાં કોઈપણ પ્રકારની ઉપકારની અપેક્ષા રાખતી નથી. આવી સ્‍થિતિમાં તેમને આર્થિક રીતે સુરક્ષિત અનુભવવાની જરૂર છે.

કોર્ટે કહ્યું કે અમને લાગે છે કે ભારતીય પુરુષોએ તેમની આર્થિક રીતે અસમર્થ પત્‍નીઓને આર્થિક રીતે મદદ કરવાની જરૂર છે, તેમને સશક્‍ત બનાવવાની જરૂર છે.

બેન્‍ચે કહ્યું કે આવા આર્થિક સશક્‍તિકરણથી ગૃહિણીઓ પરિવારમાં વધુ સુરક્ષિત અનુભવે છે. ભારતીય પુરુષોએ તેમની પત્‍નીના અંગત ખર્ચની સાથે સાથે તેમના ઘરના ખર્ચાઓનું પણ ધ્‍યાન રાખવું જરૂરી છે. આ માટે, ગૃહિણીઓ માટે સંયુક્‍ત બેંક ખાતા અને એટીએમની એક્‍સેસ હોવી ખૂબ જ મહત્‍વપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટે એક મહત્‍વપૂર્ણ નિર્ણયમાં કહ્યું હતું કે કોઈપણ મુસ્‍લિમ છૂટાછેડા લીધેલી મહિલા CrPCની કલમ ૧૨૫ હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. આ કારણોસર તે ભરણપોષણ માટે અરજી કરી શકે છે.

જસ્‍ટિસ બીવી નાગરથના અને જસ્‍ટિસ ઓગસ્‍ટિન જયોર્જ મસીહે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે મુસ્‍લિમ મહિલાઓ ભરણપોષણ માટે તેમના કાયદાકીય અધિકારોનો ઉપયોગ કરી શકે છે. તે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૨૫ હેઠળ આને લગતી અરજી દાખલ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કલમ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે, પછી ભલે તે કોઈપણ ધર્મની હોય. મુસ્‍લિમ મહિલાઓ પણ આ જોગવાઈની મદદ લઈ શકે છે. કોર્ટે ફરી એકવાર કહ્યું છે કે મુસ્‍લિમ મહિલા તેના પતિ વિરૂદ્ધ કલમ ૧૨૫ CrPC હેઠળ ભરણપોષણ માટે અરજી કરી શકે છે.

(10:20 AM IST)