તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Thursday, 11th July 2024
GST વસૂલાતની કાર્યવાહી કરતા પહેલા એએસએમટી ૧૦ નોટિસ આપવી પડશે
નોટિસની સાથે જવાબ રજૂ કરવા ૩૦ દિવસનો સમય આપવો પડશે : નોટિસ વિના ટેક્સ વસૂલાતની કાર્યવાહી નહીં થાય તેવો હાઇકોર્ટનો ચુકાદો

નવી દિલ્હી,તા. ૧૧: જીએસટી કરદાતાઓને ટેક્સ વસૂલાત માટેની નોટિસ આપતા પહેલા એએસએમટી ૧૦ હેઠળ નોટિસ આપવાની હોય છે. જો તે નોટિસ આપ્યા વિના ટેક્સ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવે તો તે યોગ્ય નહીં હોવાનો ચુકાદો કલકત્તા હાઇકોર્ટે આપ્યો છે. તેના કારણે જીએસટીના અધિકારીઓ દ્વારા જીએસટીના નિયમોની ઉપરવટ જઈને કરદાતાની સામે જે આડેધડ કાર્યવાહી કરવામાં આવે છે તે અટકવાની શક્યતા રહેલી છે.
હાલમાં જીએસટી અધિકારીઓ દ્વારા સીધી ટેકસ વસૂલાત માટેની નોટિસ આપીને કાર્યવાહી જ કરી દેવામાં આવતી હોય છે. કરદાતા દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં નહીં આવે તેવા કિસ્સામાં બેંક એકાઉન્ટ સીઝ કરવા ઉપરાંત મિલકત ટાંચમાં લેવાની પણ તજવીજ હાથ ધરી દેવામાં આવતી હોય છે. જયારે કરદાતાને કયા કારણોસર ટેક્સ ભરવા માટે નોટિસ આપવામાં આવી તેની જાણ સુધ્ધાં કરવામાં આવતી નથી. સીધી ટેકસ વસૂલાત માટેની જ કાર્યવાહી કરવામાં આવતી હોવાથી કલકત્તા હાઇકોર્ટમાં તે અંગે રિટ પિટિશન કરવામાં આવી હતી. તેમાં જીએસટીના અધિકારીઓને એએસએમટી ૧૦ હેઠળ નોટિસ આપ્યા બાદ જ કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જોકે સેન્ટ્રલ જીએસટી દ્વારા એએસએમટી ૧૦ની નોટિસ આપ્યા પછી જ કરદાતા પાસે ટેક્સ વસૂલાત કરવામાં આવી રહ્યો હોવાની વિગતો જાણવા મળી છે. જયારે સ્ટેટ જીએસટીના અધિકારીઓ આવા કોઈ પણ નિયમોનું પાલન કરવાની વાત તો દૂર રહી એએસએમટી ૧૦ની નોટિસ આપવાની પણ દરકાર સુધ્ધાં લેતા નથી. (૨૨.૪)
એએસએમટી ૧૦ એટલે શું?
જીએસટીના અધિકારીઓ દ્વારા કરદાતાએ ટેક્સની ચોરી કરી હોય અથવા તો ટેક્સ ઓછો ભરપાઈ કર્યો હોય તેવા કિસ્સામાં ટેક્સ વસૂલાત માટેની નોટિસ આપવામાં આવે છે. જોકે નિયમ પ્રમાણે કરદાતાને ટેક્સ વસુલાત માટેની નોટિસ આપતા પહેલા કયા કારણોસર નોટિસ આપવામાં આવી છે તેના માટે એએસએમટી ૧૦ની નોટિસ આપીને કારણો જણાવવાના હોય છે. ત્યારબાદ તેનો જવાબ રજૂ કરવા ૩૦ દિવસનો સમય આપવાનો હોય છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
