તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ગેમ ઝોન અગ્નિકાંડ : મનસુખ સાગઠીયાની ઓફિસમાંથી ૧૪ કરોડનું સોનુ, ૧ાા કિલો ચાંદી અને ૩ કરોડ રોકડા મળતાં ખળભળાટ
મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ સામે સાપરાધ મનુષ્ય વધ, બોગસ મિનીટ્સ બૂકના ગુના નોંધાયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કર્યો હતોઃ ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાસે ‘ટ્વીન ટાવર'ના ૯મા માળે રાતના અગીયારથી સવાર સુધી કાર્યવાહી : સાગઠીયાને સાથે રાખી અગાઉ ઓફિસનું સીલ ખોલાયું: રાજકોટ શહેર, ગ્રામ્ય, સુરેન્દ્રનગર એસીબીના ૨૦ અધિકારીઓ, કર્મચારીઓની ટીમો ત્રાટકીઃ ચાર મોટા બોક્સ ભરીને ફાઇલો પણ લઇ જવામાં આવીઃ દરોડાની કાર્યવાહી બાદ નીચે ઉતરતાં એક અધિકારી કાચના દરવાજામાં અથડાતાં ઇજા પહોંચી : ગુનો નોંધાયો ત્યારે આવક કરતાં ૪૦૦ ટકા વધુ મિલ્કત થતી હવે ૭૦૦ ટકા થઇઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૨: શહેરના નાના મવા રોડ ટીઆરપી ગેમ ઝોનમાં ભભૂકેલી આગ બાળકો સહિત ૨૭ જણાનો ભોગ લઇ ગઇ હતી. આ ગોઝારા અગ્નિકાંડ અંગે તાલુકા પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ ગુનો નોંધી ગેમ ઝોનના સંચાલકો, ભાગીદારો, મનપાના અધિકારીઓ મળી પંદરની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતાં. બીજી તરફ આ ગુનામાં પકડાયેલા મોટુ માથા ગણાતા મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયા સામે એસીબીનો એક મળી ત્રણ ત્રણ ગુના નોંધાઇ નોંધાયા હતાં. અપ્રમાણસર મિલ્કતના ગુનામાં મનસુખ સાગઠીયાનો એસીબીએ જેલમાંથી કબ્જો મેળવી તેને સાથે રાખી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે ટ્વીન ટાવરમાં નવમા માળે આવેલી તેની ઓફિસના રાતે સીલ ખોલી સર્ચ ચાલુ કર્યુ હતું. સવાર સુધી આ કામગીરી ચાલી હતી. જેમાં ત્રણ કરોડ રોકડા અને ૨૦ કિલો સોનુ તથા દોઢથી બે કિલો ચાંદી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જે સોનુ મળ્યું છે તેની બજાર કિંમત અંદાજીત ૧૪ કરોડ આસપાસ થઇ શકે છે.
એન્ટી કરપ્શન બ્યુરોના રાજકોટ અને સુરેન્દ્રનગરની ટીમોના ૨૦ અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો રાતે અગિયારેક વાગ્યે મનસુખ ડી. સાગઠીયાને સાથે રાખી તેની ટ્વીન ટાવરના નવમા માળે આવેલી ૯૦૧ નંબરની ઓફિસે પહોંચ્યો હતો. એસીબીએ અગાઉ તપાસ શરૂ કરી એ પહેલા જ
આ ઓફિસને સીલ લગાવી દેવાયુ હતું. આ સીલ ખોલીને એસીબીની ટીમો અંદર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સર્ચ દરમિયાન ઓફિસમાં આવેલી મસમોટી તિજોરી તપાસતાં તેમાંથી રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતાં. એસીબી સુત્રોના જણાવ્યા મુજબ ત્રણ કરોડની રોકડ અને સાતથી આઠ કિલો સોનાના દાગીના મળી આવ્યા છે. એસીબીમાં અગાઉ અપ્રમાણસર મિલ્કતનો ગુનો સાગઠીયા વિરૂધ્ધ દાખલ થયો હતો ત્યારે ૪૦૦ ગણી વધુ મિલ્કત આવક કરતાં સામે આવી હતી, હવે ઓફિસની તિજોરીમાંથી કરોડોની રોકડ અને સોનુ મળી આવતાં આ આવક ૭૦૦ ગણી વધુ થઇ ગઇ છે. સાગઠીયાની એસીબીના ગુનામાં ધરપકડ થઇ ચુકી હોઇ આજે રિમાન્ડ માંગણી સાથે રજૂ કરાશે.
અગાઉની વિગતો જોઇએ તો સાગઠીયા વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધ અને બોગસ મિનીટ્સ બૂકના ગુના દાખલ થયા પછી એન્ટી કરપ્શન બ્યુરોએ પણ તેને સાણસામાં લઇ કાર્યવાહી કરી હતી. સાગઠીયાએ પોતાના ફરજ કાળ દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને વસાવેલી ૧૦.૫૫ કરોડની અપ્રમાણસર મિલ્કતો એસીબીએ શોધી કાઢી હતી અને ગુનો દાખલ કર્યો હતો. છેલ્લા દસેક કરતા વધુ વર્ષોથી મનપાની ટીપી શાખામાં ફરજ બજાવતા વર્ગ-૧ના અધિકારી મનસુખ ધનાભાઇ સાગઠીયાની અગ્નિકાંડમાં ધરપકડ થયા બાદ તેણે ભ્રષ્ટાચાર આચરી કરોડોની મિલ્કતો વસાવ્યાની ચર્ચાઓ શરૂ થઈ હતી.
તેની મિલ્કતોના ફોટાઓ પણ સોશિયલ મીડીયા ઉપર વાયરલ થતા હતા. તે અંતર્ગત આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોએ પણ તપાસમાં ઝુકાવ્યું હતું. તપાસના અંતે ગત સાંજે એસીબી રાજકોટના ફિલ્ડ ઓફિસર પીઆઇ જે. એમ. આલની ફરિયાદ પરથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમો હેઠળ ગુનો સાગઠીયા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો. એસીબીએ સાગઠીયાની ૨૦૧૨ની સાલથી લઈ ૨૦૨૪ની સાલ સુધીની કાયદેસરની આવકની તપાસ કરતા તે ૨.૫૭ કરોડ હોવાનું બહાર આવ્યું હતું.
જો કે આ આવક સામે સાગઠીયા અને તેના પરિવારના નામે ૧૩.૨૩ કરોડની મિલ્કતો અને ખર્ચ હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે સાગઠીયાની કાયદેસરની આવક કરતાં રૂા. ૧૦.૫૫ કરોડની વધુ એટલે અપ્રમાણસર મિલ્કતો મળી આવી હતી. જે તેની કાયદેસરની આવક કરતા ૪૧૦.૩૭ ટકા વધુ હતી. બોગસ મીનીટસ બુકના ગુનામાં રિમાન્ડ પુરા થયે જેલહવાલે થયા બાદ સાગઠીયાનો ગત સાંજે એસીબી અપ્રમાણસર મિલ્કતના ગુનામાં કબજો મેળવી ધરપકડ કરી હતી. રાતે જ રાજકોટ શહેર, ગ્રામ્ય અને સુરેન્દ્રનગર એસીબીની ટીમોએ મનસુખ સાગઠીયાને સાથે રાખી તેની ટ્વીન ટાવરમાં નવમા માળે આવેલી ઓફિસમાં સીલ ખોલી સર્ચ ઓપરેશન ચાલુ કર્યુ હતું. જેમાં ત્રણેક કરોડની રોકડ અને સાતથી આઠ કિલો સોનુ મળી આવ્યું છે.
એસીબીએ એમ. ડી. સાગઠીયાની વિવિધ મિલ્કતોનું લિસ્ટ પણ અગાઉ જાહેર કર્યુ હતું. તે મુજબ રાજકોટના સોખડામાં તેને જય પાબારી પેટ્રોલ પંપ, સોખડામાં ૦૩ ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન, ગોંડલના ગોમટામાં જય પાબારી પેટ્રોલ પંપ, ગોમટામાં હોટેલ અન્ડર કન્સ્ટ્રક્શન, ગોમટામાં ફાર્મ હાઉસ, ગોમટામાં ખેતીની જમીન, ચોરડીમાં ખેતીની જમીન, શાપરમાંઉર્જા ઇન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન, પડધરીના મોવૈયામાં બાલાજી ગ્રીન પાર્કમાં પ્લોટ, યુનિવર્સિટી રોડ પર અનામીકા સોસાયટીમાં અન્ડર કન્સ્ટ્રક્શન બંગલો, માધાપરમાં આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ, અમદાવાદ અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં સી-૧૭૦૧ એસ્ટર ફલેટ, અહિ જ બી-૭, ૮૦૨, લા મરીના ફલેટ, બે હોન્ડા સીટી સહિત છ વાહનો તેની પાસે હોવાનું જાહેર થયું હતું.
આ ઉપરાંત સાગઠીયાએ દુબઇ, યુરો, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, મલેશીયા, માલદિવ અને શ્રીલંકા મળી આઠ વિદેશ પ્રવાસ પણ કર્યા હોવાનું ખુલ્યું હતું. એસીબીના ઇન્ચાર્જ ડીવાયએસપીશ્રી આશિષ પરમારની આગેવાનીમાં રાજકોટ શહેર, ગ્રામ્ય, સુરેન્દ્રનગર એસીબીની ટીમોના પીઆઇ એમ. જે. આલ, પીઆઇ લાલીવાલા, પીઆઇ ડેકાવાડીયા સહિતના ૨૦ અધિકારીઓ, કર્મચારીઓના કાફલાએ દરોડો પાડી સાગઠીયાની ઓફિસમાંથી ત્રણ કરોડ રોકડા અને ૨૦ કિલો સોનુ તથા દોઢથી બે કિલો ચાંદી મળી કરોડોનો રોકડ-સોના-ચાંદીનો દલ્લો શોધી કાઢયો છે. હવે સાગઠીયાને આજે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરી વિશેષ કાર્યવાહી થશે. બેંક લોકરો અંગે પણ તપાસ કરવામાં આવશે.
વધુ માહિતી મુજબ રાતે અગિયાર વાગ્યાથી એસીબીએ ટ્વીન ટાવરના નવમા માળે સર્ચ કામગીરી શરૂ કરી હતી. રોકડ, સોનુ ઉપરાંત ચારેક મોટા બોક્સ ભરી ફાઇલો પણ કબ્જે કરવામાં આવી છે. સવારે કાર્યવાહી કરીને બહાર નીકળતી વખતે એક અધિકારીને કાચનો દરવાજો ન દેખાતાં તેમાં અથડાતાં નાક-કાનમાંથી લોહી નીકળવા માંડતાં સારવાર માટે ખસેડવા પડયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
