તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
બીલીમોરામાં ખુલ્લી ગટરમાં છ વર્ષની બાળકી પડી ગઈઃ ૨૨ કલાક બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો
માસુમ બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ

નવસારી , તા.૩૦,
ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે ચોમાસામાં ખુલ્લી ગટરથી લોકોને જીવનું જોખમ રહે છે.
અગાઉ ખુલ્લી ગટરમાં પડી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આવી જ વધુ એક ઘટના નવસારી જિલ્લામાં બની છે. જેમાં બીલીમોરામાં છ વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. બાળકીને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, ૨૨ કલાક બાદ અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો.
નવસારી જિલ્લાના બીલીમોરામાં ૨૮મી જૂનના રોજ એક છ વર્ષની બાળકી બપોરના સમયે રમતા રમતા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જેને શોધવા માટે નગરપાલીકાની અને ફાયર વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે ૨૨ કલાક બાદ અંબિકા નદીમાંથી મૃતદેહ મળ્યો છે. પોતાની વહાલસોયી દીકરી ગુમાવવાથી પિરવારજનો પર શોકની લાગણી છવાઈ ગઈ હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર, બીલીમોરામાં શુક્રવારે બાળકી ઘરે મોડે સુધી ન આવતા માતા-પિતા તેને શોધવા નીકળ્યો હતા. બાળકી ન મળતા સીસીટીવીની મદદ લેવામાં આવી હતી. ત્યારે સામે આવ્યું કે, બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ છે. જેમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બાળકી ગરકાવ થતી પણ નજરે ચડે છે
જો કે, આ ઘટના બાદ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
અંતે ૨૨ કલાક બાદ અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. બાળકીનું નામ શાહીન શેખ જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે ચોમાસામાં ખુલ્લી ગટર જો બંધ હોત તો બાળકી ગટરમાં ખાબકી ન હોત અને ઘટના ન બની હોત.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
