<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

અમેરિકામાં બેફામ ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત: અન્ય ઘટનામાં સેંકડો રાઉન્ડ ફાયરિંગ: એકથી વધુ સ્થળોએ ફાયરિંગની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા

યુએસએ ના અરકન્સાસમાં એક ગ્રોસરી સ્ટોરને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવતા ૧૪ લોકોને ગોળી વાગી હતી જેમાં ૧૧ જેટલાં સ્થાનિક નાગરિકો હતા.

આ ઘટનામાં આંધ્રના રહેવાસી  દસારી ગોપી ક્રિશ્ના નામના ભારતીય યુવકનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં ૪ લોકો ના મોત થયા છે.  

બીજી બાજુ અમેરિકન રાજ્ય અલબામાની રાજધાની મોન્ટગોમેરીમાં પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબારમાં ૯ લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. અહીં ૬૦૦થી વધુ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ પછી ભાગદોડ અને અરાજકતામાં ૪ ઘવાયા હતા.

આ સિવાય ઓહાયો રાજ્યની રાજધાની કોલંબસમાં એક શકમંદે અંધાધૂંધ ગોળીબાર કરીને ૧૦ લોકોને ઘાયલ કર્યા હતા. 

ન્યૂયોર્કના રોચેસ્ટર વિસ્તારના એક પાર્કમાં ગોળીબારની ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે. જ્યારે અરકન્સાસની ઘટનામાં ભારતીય ગોપી ક્રિશ્ના સહિત શર્લી ટેલર, રોય સ્ટરગિસ, એલન શેરમ, કેલી વીમ્સનું મોત નીપજ્યું હતું. અહીં ટ્રેવિસ યુજેન નામના શકમંદે હુમલો કર્યાનો પોલીસે દાવો કર્યો છે. 

મોન્ટગોમેરીના મેયર સ્ટીવન એલ. રીડે ફાયરિંગની ઘટના વિશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ અને પેરામેડિક્સે રવિવારે સવારે ૧.૩૦ વાગ્યાની આસપાસ ગોળીબારની માહિતી મળતાં કાર્યવાહી કરી હતી. રવિવારની મધ્યરાત્રિની આસપાસ લોકોની ભારે ભીડ ધરાવતી પાર્ટી પર ૬૦૦ થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.

(12:39 PM IST)