<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd June 2024

ટી20 વર્લ્ડકપ 2024માં ઈતિહાસ રચાયો:પેટ કમિન્સ બાદ ક્રિસ જોર્ડને કરી કમાલ,એક જ દિવસમાં 2 હેટ્રિક

ટી20 વર્લ્ડકપમાં હેટ્રિક લેનાર પહેલો ઈંગ્લિશ બોલર બન્યો :જોર્ડને ઓવરની ત્રીજી, ચોથી અને પાંચમા બોલે ત્રણ વિકેટ લીધી

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપ 2024માં રવિવારે ઈતિહાસ રચાઈ ગયો. આજના એક જ દિવસમાં 2 હેટ્રિક જોવા મળી. પહેલી હેટ્રિક ઓસ્ટ્રેલિયાના પેસર પેટ કમિન્સે અફઘાનિસ્તાન સામેની મેચમાં લીધી. તો હવે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડને અમેરિકા સામેની મેચમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચી દીધો છે.

જોર્ડને આ ઉપલબ્ધિ અમેરિકા સામેની મેચમાં મેળવી. મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા અમેરિકાની ટીમ 18.5 ઓવરમાં 115 રન જ બનાવી શકી. ટીમ તરફથી નીતિશ કુમારે 30 અને કોરી એન્ડરસને 29 રન બનાવ્યા.
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોર્ડનની સામે અમેરિકાના બેટર લાચાર જોવા મળ્યા. જોર્ડને 2.5 ઓવરમાં 10 રન આપીને 4 વિકેટ લીધી. આ દરમિયાન તેણે હેટ્રિક પણ લીધી. જોર્ડને આ સિદ્ધિ ઈનિંગની 19મી ઓવરમાં મેળવી. તેણે અલી ખાન, નોસ્થુશ કેંજિગે અને સૌરભ નેત્રવલકરને આઉટ કરીને હેટ્રિક લીધી.

જોર્ડને ઓવરની ત્રીજી, ચોથી અને પાંચમા બોલે ત્રણ વિકેટ લીધી. તેનો શિકાર થનાર ત્રણેય પ્લેયર્સ શૂન્ય પર આઉટ થયા. જોર્ડન ટી20 વર્લ્ડકપમાં હેટ્રિક લેનાર ઈંગ્લેન્ડનો પહેલો બોલર બન્યો છે. આ ટી20 વર્લ્ડકપમાં ઓવરઓલ 9મી હેટ્રિક છે.
ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલી વખત આવું થયું છે કે એક જ દિવસમાં હેટ્રિક જોવા મળી હોય. સાથે જ આ પહેલા એક ટી20 વર્લ્ડકપ સીઝનમાં સૌથી વધુ 3 હેટ્રિક નોંધાઈ હતી. આ 2021ની સીઝનમાં થયું હતું. આ વખતે પેટ કમિન્સે 2 અને જોર્ડને એક હેટ્રિક લઈને આ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. ત્યારે હવે જો વધુ એક હેટ્રિક નોંધાશે તો આ એક ટી20 વર્લ્ડકપની સીઝનમાં સૌથી વધુ 3 હેટ્રિકનો રેકોર્ડ તૂટી જશે.

(11:49 PM IST)