<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

ગ્રે માર્કેટમાં હલચલ મચાવી રહ્યો છે ડી ડેવલપમેન્‍ટનો IPO : ૧૫૦૦૦ના થશે સીધા ૨૧૦૦૦

પ્રથમ દિવસે જ પૂરો ભરાઇ ગયો : હાલ ૨૫% પ્રીમીયમ બોલાય છે

મુંબઇ, તા.૨૦: શેરબજારની રેકોર્ડ રેલી વચ્‍ચે બજારમાં ઝડપથી IPO લોન્‍ચ કરવામાં આવી રહ્યા છે અને તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ડી ડેવલપમેન્‍ટ એન્‍જીનીયર્સ આઈપીઓ, જે બુધવારના એક દિવસ પહેલા બજારમાં ખુલ્‍યો હતો, તેને પણ રોકાણકારોનો ઉત્તમ પ્રતિસાદ મળ્‍યો છે. IPO એક જ દિવસમાં ઘણી વખત સબસ્‍ક્રાઇબ કરવામાં આવ્‍યો છે.

બજારમાં ઉપલબ્‍ધ ડેટા અનુસાર, આ IPO પ્રથમ દિવસે જ એકંદરે ૨.૬૬ ગણો સબસ્‍ક્રાઇબ થયો હતો. તેને લગભગ તમામ કેટેગરીમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ દિવસે, આ IPO ને સૌથી ઓછી QIB કેટેગરીમાં માત્ર ૦.૦૩ ટકા સબસ્‍ક્રિપ્‍શન મળ્‍યું હતું. તે સિવાય, આ IPO તમામ કેટેગરીમાં ઓવરસબસ્‍ક્રાઇબ કરવામાં આવ્‍યો છે.

થોડા કલાકોમાં ૧૦૦% સબ્‍સ્‍ક્રિપ્‍શન : બુધવારે બજાર બંધ થયા બાદ, આ IPO NII કેટેગરીમાં ૫.૫૪ વખત સબસ્‍ક્રાઇબ થયો હતો. જ્‍યારે રિટેલ કેટેગરીમાં આ IPO ૨.૮૭ ગણો સબસ્‍ક્રાઇબ થયો હતો. બુધવારે સબ્‍સ્‍ક્રિપ્‍શન માટે ખુલ્‍યાના કલાકોમાં, આ IPO ૧૦૦ ટકાથી વધુ સબસ્‍ક્રાઇબ થઈ ગયો હતો, એટલે કે તે સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો.

આ IPOને મળેલા ઉત્તમ પ્રતિસાદની અસર ગ્રે માર્કેટમાં પણ જોવા મળી રહી છે. આઈપીઓ ખુલ્‍યા બાદ ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ. ૪૯ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા. કંપનીએ IPO માટે શેર દીઠ રૂ. ૧૯૩ થી રૂ. ૨૦૩ની પ્રાઇસ બેન્‍ડ નક્કી કરી છે. આનો અર્થ એ થયો કે IPO ખુલ્‍યા બાદ ડી ડેવલપમેન્‍ટ એન્‍જિનિયર્સના શેરોએ ગ્રે માર્કેટમાં લગભગ ૨૫ ટકા પ્રીમિયમ મેળવ્‍યું છે.

બુધવારે ખુલ્‍યા પછી, આ IPO સબસ્‍ક્રિપ્‍શન માટે શુક્રવાર ૨૧ જૂન સુધી ઉપલબ્‍ધ છે. કંપનીએ આ IPO દ્વારા રૂ. ૪૧૮.૦૧ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્‍યું છે. આ IPOમાં રૂ. ૩૨૫ કરોડના નવા શેરના ઇશ્‍યુનો સમાવેશ થાય છે. આ સિવાય IPOમાં ૯૩.૦૧ કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ પણ સામેલ છે.

શેર ૨૬ જૂને મેઈનબોર્ડ પર લિસ્‍ટ થશે : આ IPOના એક લોટમાં ૭૩ શેરનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે આ IPOમાં સબ્‍સ્‍ક્રાઇબ કરવા માટે રોકાણકારોને ઓછામાં ઓછા રૂ. ૧૪,૮૧૯ની જરૂર પડશે. મેઇનબોર્ડ પર IPO બંધ થયા પછી ૨૪ જૂને શેરની ફાળવણી કરવામાં આવશે. તે પછી, તેના શેર ૨૬મી જૂને BSE અને NSE પર લિસ્‍ટ થશે.

(10:45 AM IST)