તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
પીએમ મોદીના મંત્રીએ ઈન્દિરા ગાંધીને 'મધર ઓફ ઈન્ડિયા' કહ્યા- કોંગ્રેસ નેતાને રાજકીય ગુરુ ગણાવ્યા
સુરેશ ગોપીએ પુન્કુન્નામ સ્થિત કરુણાકરણના સ્મારક ‘મુરલી મંદિરમ’ની મુલાકાત દરમિયાન આ વાત કહી

નવી દિલ્હી : કેરળથી ભાજપના એકમાત્ર સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ‘મધર ઓફ ઈન્ડિયા’ અને કોંગ્રેસના નેતા અને કેરળના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કે. કરુણાકરણને ‘હિંમતવાન પ્રશાસક’ તરીકે ગણાવ્યા છે. બીજેપી નેતા સુરેશ ગોપીએ કરુણાકરણ અને માર્ક્સવાદી દિગ્ગજ ઈ.કે. નાયનારને તેમના ‘રાજકીય ગુરુ’ ગણાવ્યા છે. સુરેશ ગોપીએ પુન્કુન્નામ સ્થિત કરુણાકરણના સ્મારક ‘મુરલી મંદિરમ’ની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
સુરેશ ગોપી કે. કરુણાકરણના પુત્ર અને કોંગ્રેસના નેતા કે. મુરલીધરનની આશાઓ પર પાણી ફેરવતાં થ્રિસુર લોકસભા મતવિસ્તારથી જીત્યા હતા. થ્રિસુર સીટ પર ત્રિકોણીય હરીફાઈમાં મુરલીધરન ત્રીજા ક્રમે રહ્યા હતા. તેમણે મીડિયાકર્મીઓને વિનંતી કરી કે, તેઓ કરુણાકરણના સ્મારકની મુલાકાતને રાજકારણ સાથે ન જોડે. ભાજપ નેતાએ કહ્યું કે, તેઓ અહીં તેમના ‘ગુરુ’ને માન આપવા આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ કહ્યું કે, “નાયનાર અને તેમના પત્ની શારદા એ શિક્ષકો જેવા છે. કરુણાકરણ અને તેમના પત્ની કલ્યાણીકુટ્ટી અમ્મા સાથે પણ તેમના ગાઢ સંબંધો છે. ” સુરેશ ગોપી 12 જૂને કન્નુરમાં ઇ.કે. નાયનારના ઘરે ગયા હતા અને તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. સુરેશ ગોપીએ કહ્યું હતું કે, તેઓ ઈન્દિરા ગાંધીને ‘ભારતથિંતે મથાવુ’ (ભારતની માતા) તરીકે જુએ છે અને કે. કરુણાકરણને ‘કેરળમાં કોંગ્રેસ પાર્ટીના પિતામહ’ માને છે.
સુરેશ ગોપીએ તે પણ સ્પષ્ટ કર્યું કે, “કે. કરુણાકરણને કેરળમાં કોંગ્રેસના પિતામહ કહીને તેઓ આ દક્ષિણી રાજ્યમાં પાર્ટીના સ્થાપકો કે સહ-સ્થાપકોનો અનાદર નથી કરી રહ્યા.” સુરેશ ગોપીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાની વહીવટી ક્ષમતાઓની પણ પ્રશંસા કરી અને તેમને તેમની પેઢીના ‘હિંમતવાન વહીવટકર્તા’ ગણાવ્યા. તેમણે વધુમાં કહ્યું કે, ‘હું 2019માં પણ મુરલી મંદિરમ જવા માંગતો હતો. પરંતુ કે. કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલે રાજકીય કારણોસર તેમને આમ કરતા અટકાવ્યા હતા. પદ્મજા તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
