<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

ઉત્તરાખંડના ચોપતામાં મોટો અકસ્માત : નોઈડાના પ્રવાસીઓનું વાહન અલકનંદા નદીમાં ખાબક્યું : 13 લોકોના મોત : રેસક્યું ઓપરેશન ચાલુ

ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

ઋષિકેશ : ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં એક નોઈડાના પ્રવાસીઓનું વાહન ખાડીમાં ખાબકતા રેંટોલી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાત શ્રદ્ધાળુઓને એઈમ્સ ઋષિકેશમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય સાત જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

આ અકસ્માત રૂદ્રપ્રયાગથી લગભગ છ કિલોમીટર પહેલા શ્રીનગર તરફના મુખ્ય માર્ગ પર થયો હતો. પ્રવાસીઓ ટેમ્પો ટ્રાવેલરમાં ચોપટા ફરવા જતા હતા. કેટલાકને ઈજાઓ થઈ છે, ગંભીર રીતે ઘાયલ છ પ્રવાસીઓને હેલીકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને બચાવી લેવામાં આવ્યા છે અને એઈમ્સ ઋષિકેશ મોકલવામાં આવ્યા છે.

પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માતનું કારણ વધુ ઝડપ હોવાનું કહેવાય છે. વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા કેટલાક મુસાફરો દિલ્હી એનસીઆરના હોવાનું પણ કહેવાય છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રુદ્રપ્રયાગમાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના અત્યંત દર્દનાક સમાચાર મળ્યા છે.

સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં માર્ગ અકસ્માતના દુઃખદ સમાચાર મળ્યા છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે મારી સંવેદના છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે અને ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.

 

(8:06 PM IST)