<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

અગ્નિકાંડના મૃતકોને ન્‍યાય અપાવવા મેદાને પડેલી કોંગ્રેસ આક્રમકઃ પોલીસ કમિશનર કચેરી બહાર ચક્કાજામ-હલ્લાબોલ

ઘટના બની ત્‍યારથી જવાબદારો સામે કડક રાહે પગલા અને ભોગ બનનારના પરિવારજનોને મોટુ વળતર અને ન્‍યાયની શાંતિપુર્ણ માંગણી કરતી આવેલી કોંગ્રેસના આંદોલનનો અલગ વળાંકઃ પત્રિકા વિતરણ, ઉપવાસ આંદોલન, ધરણા, પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ, કચેરીમાં રામધૂન બોલાવાઇઃ સિટની તપાસ સામે વધુ એકવાર શંકા દર્શાવાઇ : સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણી, ધારાસભ્‍ય લલીતભાઇ કગથરા, સેવાદળના લાલજીભાઇ દેસાઇ, પ્રદેશ અગ્રણી અમિતભાઇ ચાવડા, પુર્વ ધારાસભ્‍ય પીરજાદા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ પુંજાભાઇ વંશ, શહેર પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જેનીબેન ઠુમ્‍મર, જસવંતસિંહ ભટ્ટી, એનએસયુઆઇના બ્રિજરાજસિંહ રાણા સહિતના પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ, સ્‍થાનિક આગેવાનો-કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉમટયાઃ પોલીસ કમિશનર બ્રજેશ ઝાને રૂબરૂ મળી આવેદન પાઠવાયું : પોલીસ ભાજપની એજન્‍ટ બની ગઇ છેઃ અસામાજીકોને છાવરવા જેટલી મહેનત કરે છે એટલી અગ્નિકાંડના આરોપીઓની સામે પગલા લેવા મહેનત કરે તે જરૂરીઃ સાંસદ ગેનીબેન ઠાકોર ધગી ગયા : ભાજપના નેતાઓ, અધિકારીઓની મીલીભગતથી અગ્નિકાંડ સર્જાયો છતાં ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથીઃ જીજ્ઞેશ મેવાણી : રાજકોટનો ગમખ્‍વાર બનાવ પહેલો અને છેલ્લો બની રહે, સરકાર સર્જીત આ હત્‍યાકાંડના જવાબદાર કોઇપણ નેતા, કર્મચારીને નહિ છોડવા માંગણીઃ પ્રદેશ કોંગ્રેસ પુર્વ પ્રમુખ અમિત ચાવડા: હતભાગી મૃતકોની પ્રથમ માસિક પુણ્‍યતિથી નિમીતે ૨૫મીએ રાજકોટ બંધનું એલાન

 હલ્લાબોલ: સવારે અગિયાર કલાકે કોંગ્રેસની પુર્વ નિર્ધારીત ઘોષણા મુજબ આજે જીલ્લા પંચાયત ચોક અને પોલીસ કમિશનર કચેરી નજીક ચક્કાજામ અને હલ્લાબોલનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસદ સભ્‍ય ગેનીબેન ઠાકોર, ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણી, પ્રદેશ અગ્રણી અમિતભાઇ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના કાર્યકારી અધ્‍યક્ષ પુંજાભાઇ વંશ, સેવાદળના લાલજીભાઇ દેસાઇ, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જેનીબેન ઠુમ્‍મર, લલીતભાઇ કગથરા, શહેર પ્રમુખ અતુલ રાજાણી સહિતના કોંગી આગેવાનો અને સ્‍થાનિક આગેવાનો અને બહોળી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતાં. આ દરમિયાન થોડી મિનીટો માટે ટ્રાફિક અવરોધાયો હતો. જુદા જુદા સુત્રોના બેનરો સાથે મૃતકોને ન્‍યાયની માંગણી કરવામાં આવી હતી જે તસ્‍વીરમાં દેખાય. ગેમ ઝોનની દૂર્ઘટનામાં દાઝી ગયેલા એક કર્મચારી મનીષભાઇ રમેશભાઇ ખીમસુરીયા (રહે. જામનગર)ને એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સ્‍ટ્રેચર મારફતે કાર્યક્રમ સ્‍થળે લાવી કોંગ્રેસે પોતાની માંગણીને સજ્જડતા પુર્વક રજૂ કરી હતી. આ ઉપરાંત અન્‍ય એક મહિલા કર્મચારી ભોગ બન્‍યા હોઇ તેમના પરિવારજનો પણ રજૂઆતમાં સામેલ થયા હતાં. આ તકે રેલી, રજૂઆત, રામધૂન, ધરણા સહિતના કાર્યક્રમો અપાયા તે નજરે પડે છે. પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પર મોટી સંખ્‍યામાં સુરક્ષા કર્મીઓ ખડકી દેવાયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૯)

 રાજકોટ તા. ૧૫: ગત ૨૫મી મેના રોજ રાજકોટ શહેરના નાના મવામાં આવેલા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાડમાં ૨૭ જિંદગી હોમાઇ ગઇ હતી, પહેલા દિવસથી જ મૃતકોના પરિવાજનોને ન્‍યાય મળે અને તેમને મોટુ વળતર મળે તેવી માંગણી કરતી આવેલી કોંગ્રેસના આંદોલને આજે થોડી ઉગ્રતા સાથે વળાંક લીધો હતો. સવારે અગિયાર કલાકે પોલીસ કમિશનર કચેરી નજીક ચક્કાજામ અને હલ્લાબોલ મચાવ્‍યા બાદ પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ કરી, ધરણા, રામધૂન સહિતના કાર્યક્રમો આપવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ નવનિયુકત પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝાને રૂબરૂ મળી પીડિતોને ન્‍યાય મળે તે માટે અને ભાજપની તાનાશાહીને બાજુએ મુકી કડક રાહે પગલા લેવા માંગણી કરવામ)ં આવી હતી.

 રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં મૃત્‍યુ પામેલા પરિવારજનો માટે ન્‍યાયની લડત રાજકોટ શહેર કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લડત ચલાવવામાં રાજકોટમાં આવી રહી છે. ત્‍યારે અગાઉ જે કોઇ કાંડ બન્‍યા છે તેમાં એસઆઇટી (સિટ) કશું ઉકાળી શકી નથી અને જે પગલે અગ્નિકાંડના પીડિતોને ન્‍યાય મળશે કે કેમ તે એક શંકાનો વિષય હોવાને કારણે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં આંદોલનની ચિનગારી ઊભી થઈ છે તે જવાળામુખી બની ફાટી નીકળે એ પહેલા તંત્ર દ્વારા મૃતકના પરિવારજનો અને કોંગ્રેસની વ્‍યાજબી રજૂઆતો નજર અંદાજ ન કરે અને તાત્‍કાલિક આ બાબતે યોગ્‍ય રજૂઆત સરકાર હકારાત્‍મક વલણ અપનાવી યોગ્‍ય કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

    રાજકોટમાં કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્‍યક્ષ લાલજીભાઈ દેસાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્‍યક્ષ વડગામના ધારાસભ્‍ય જીગ્નેશભાઈ મેવાણી દ્વારા રાજકોટમાં રહીને પીડીતોને ન્‍યાય અપાવવા માટે ચાલી રહેલી લડત માં જનજાગૃતિ અર્થે પત્રિકા વિતરણ ગત તારીખ  ૭, ૮, ૯ના રોજ રાજકોટના ત્રિકોણબાગ ખાતે ઉપવાસ આંદોલન અને ધરણાના કાર્યક્રમમાં રાજકોટના પ્રબુધ્‍ધ નાગરિકો જોડાયા હતાં. ત્રણ દિવસ સુધી સતત કાર્યક્રમમાં આપવા છતાં સરકારના પેટનું પાણી ન હાલતા અને શાંત આંદોલનની ભાષા ન સમજાતા પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને ઘેરાવનો કાર્યક્રમ આપવાની જાહેરાત ઉપવાસી છાવણી ખાતેથી કરવામાં આવી હતી.  હવે પછી તારીખ ૨૫/૬/૨૪ના  રોજ અગ્નિકાંડમાં હોમાયેલા હતભાગી મૃતકોની પ્રથમ માસિક પુણ્‍યતિથિએ રાજકોટ બંધનું એલાન અપાયું છે.

    વધુ માહિતી મુજબ આજે સવારે બહુમાળી ભવન ખાતે સરદાર પટેલના સ્‍ટેચ્‍યુ પાસે સૌપ્રથમ કોંગ્રેસના આગેવાનો અને પીડિત પરિવારો દ્વારા ધારણાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ રેલી સ્‍વરૂપે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત માટે જતા પોલીસ કમિશનર કચેરી ખાતે ચુસ્‍ત અને જડબેસલાક બંદોબસ્‍ત વચ્‍ચે કચેરીના બંને ગેઇટ બંધ કરી દેવામાં આવતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ કારણે પોલીસ કમિશનર કચેરી પાસેના તમામ રસ્‍તાઓ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા ચકકાજામ કરવામાં આવ્‍યા હતા. જો કે બાદમાં કચેરીના ગેઇટ ખોલવામાં આવ્‍યા હતાં.

આ પહેલા જિલ્લા પંચાયત ચોક ખાતે એનએસયુઆઇના અને યુવા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્‍ચે ચકકાજામ ખોલવા બાબતે ભારે ઝપાઝપી થતા અંતે પોલીસ કુમક વધુ આવી જતા ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી સહિતના વિદ્યાર્થી આગેવાનોની અટકાયત થતાં ‘શરમ કરો ભાઈ શરમ કરો, શરમ નહીં તો ડૂબ મરો, ભાજપની ચમચાગીરી બંધ કરો', ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતે હૈ, પીડીતોને ન્‍યાય આપો ન્‍યાય આપો, ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી જેવા સુત્રોચ્‍ચારો કરાયા હતાં. પોલીસ કમિશનરને લેખિત આવેદનપત્ર સાથે કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્‍ય સહિત કોંગ્રેસના આગેવાનોને તટસ્‍થ અને ન્‍યાયિક તપાસની ખાતરી આપવામાં આવી હતી.

     ગેમ ઝોન અગ્નિકાંડના મુદ્દે કોંગ્રેસ આક્રમક બનતા આજના આ કાર્યક્રમમાં ગુજરાતના બનાસકાંઠા સંસદસભ્‍ય ગેનીબેન ઠાકોર, ખેડુત આંદોલન સમિતનીના પાલભાઈ આંબલીયા, પૂર્વ ધારાસભ્‍ય જાવેદ પીરજાદા,  એનએસયુઆઈ શહેર પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા,  વિધાનસભા વિરોધ પક્ષના નેતા ધારાસભ્‍ય અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્‍યક્ષ પુંજાભાઈ વંશ, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જૈનીબેન ઠુંમર, જીગ્નેશભાઈ મેવાણી, સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ,  મહેશભાઈ  રાજપુત, પૂર્વ ધારાસભ્‍ય લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્‍ય હીરાભાઈ જોટવા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, અશોકસિંહ વાઘેલા, આર્યનભાઈ કનેરિયા,  સમીરભાઈ ચૌહાણ, ધવલ રાઠોડ, જુમિલભાઈ રાઠોડ, વશરામભાઈ સાગઠીયા, રાજદીપ સિંહ જાડેજા, ગોપાલ મોરવાડિયા, દીપુબેન રવૈયા, મેઘજીભાઈ રાઠોડ, રણજીતભાઈ મુંધવા, દીપ્‍તિબેન સોલંકી, નયના બા જાડેજા, મનીષાબા વાળા,  હિરલબેન રાઠોડ, દિનેશભાઈ જુણેજા, બીજલભાઇ ચાવડીયા, પ્રભાતભાઈ ડાંગર, મુકુંદભાઈ ટાંક, જગદીશ સાગઠીયા, નરેશ સાગઠીયા, સુનિલ ચાવડીયા, વિજયસિંહ જાડેજા, પ્રવીણભાઈ  મૈયડ, સંજય લાખાણી, કૃષ્‍ણદતભાઇ રાવલ, જગદીશભાઈ મોરી, પ્રવીણભાઈ સોરાણી, ભાનુબેન સોરાણી, પ્રતિમાબેન વ્‍યાસ, જીતુભાઈ ઠાકર, મેરૂનબેન કુરેશી, કિંજલબેન જોષી, ગીરીશભાઈ પટેલ, ડીપી મકવાણા, ગજેન્‍દ્રસિંહ ઝાલા, ડી બી ગોહિલ, ભાર્ગવીબા ગોહિલ, જયાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન વરાણીયા, પ્રફુલાબા ચૌહાણ કોંગ્રેસના તમામ સેલના ચેરમેનો, વોર્ડ પ્રમુખો કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(3:18 PM IST)