News of Thursday, 13th June 2024
પાકિસ્તાનમાં GDPમાં તો વૃદ્ધિ નથી થતી પણ ગધેડાઓમાં વધારો નોંધાયો
પાકિસ્તાનના ઇકોનોમિક સર્વેમાં ખુલાસો થયો છે કે દેશમાં ગધેડાની વસતી વધીને ૬૦ લાખ થઈ

ઇસ્લામાબાદ,તા.૧૩: પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે દેશનો આર્થિક સર્વે રજૂ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા તેના આર્થિક લક્ષ્યને ચૂકી ગઈ છે. પરંતુ ગધેડાની વસ્તીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પાકિસ્તાનના ઇકોનોમિક સર્વેમાં ખુલાસો થયો છે કે દેશમાં ગધેડાની વસતી વધીને ૬૦ લાખ થઈ ગઈ છે. પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા એક વર્ષમાં અહીં ગધેડાની સંખ્યામાં ૧ લાખનો વધારો થયો છે. આ પછી ગધેડાની સંખ્યા ૫૭ લાખથી વધીને ૫૮ લાખ થઈ ગઈ છે.
પાકિસ્તાનના નાણા પ્રધાન મુહમ્મદ ઔરંગઝેબે દેશનો આર્થિક સર્વે ૨૦૨૩-૨૪ રજૂ કર્યો છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાનની સામાજિક-આર્થિક સિદ્ધિઓની વિસ્તૃત વિગતો આપવામાં આવી છે. આર્થિક સર્વેક્ષણમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે વિકાસ લક્ષ્યાંકને ચૂકી ગયું અને ૩.૫ ટકાના લક્ષ્યાંક સામે ૨.૩૮ ટકા જીડીપી વૃદ્ધિ હાંસલ કરી. આ મુખ્યત્વે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોના નબળા પ્રદર્શનને કારણે હતું, પરંતુ કૃષિએ દરેક અન્ય ક્ષેત્રને પાછળ રાખી દીધું હતું અને ૬.૨૫ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. દરમિયાન ગધેડાની વસ્તી અંગે એકત્ર કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૯-૨૦૨૦ માં ‘ગધેડા'ની સંખ્યા ૫૫માં હતી આ સંખ્યા ૨૦૨૦-૨૧માં ૫૬ લાખ, ૨૦૨૧-૨૨માં ૫૭ લાખ અને ૨૦૨૨-૨૩માં ૫૮ લાખ હતી, જયારે ૨૦૨૩-૨૪માં તે વધીને ૫૯ લાખ થઈ ગઈ છે.
જોકે, ગધેડાઓની વધતી વસ્તી પાછળનું મુખ્ય કારણ ચીન હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે અગાઉ ચીને પાકિસ્તાનને ગધેડા સપ્લાય કરવા કહ્યું હતું. ચીનમાં ગધેડાની ખૂબ માંગ છે, જેના કારણે ચીને ઘણી વખત પાકિસ્તાનને ગધેડાની સપ્લાય વધારવા માટે કહ્યું છે.
ગધેડાની ચામડીમાંથી જિલેટીન નીકળે છે. આ જિલેટીનનો ઉપયોગ પરંપરાગત ચાઇનીઝ દવા બનાવવામાં થાય છે. જિલેટીન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ માટે ગધેડાને મારીને પછી તેમની ચામડી ઉકાળવામાં આવે છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
