<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

કંગાળ પાકિસ્તાને સંરક્ષણ બજેટમાં વધારો કર્યો :રક્ષા બજેટ 15 ટકા વધારીને 2,122 અબજ કર્યું

બજેટમાં કર્મચારીઓને લગતા ખર્ચમાં રૂ. 815 અબજ, ઓપરેશનલ ખર્ચમાં રૂ. 513 અબજ, શસ્ત્રો, દારૂગોળો અને સાધનોની પ્રાપ્તિમાં રૂ. 548 અબજ, નાગરિક કાર્યોમાં રૂ. 244 અબજનો સમાવેશ

ઈસ્લામાબાદ: પાકિસ્તાન લોન માટે દુનિયાભરમાં ઘૂમી રહ્યું છે તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે ઈએમએફ પાસેથી આશા રાખી રહ્યું છે કે તેને કંઈક મળશે તો કોઈક રીતે કામ થઈ શકશે. કારણ કે આર્થિક સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે અમે ઘરનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી.

  પરંતુ આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ગરીબ પાકિસ્તાને તેના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે. તે ગયા વર્ષની સરખામણીએ સેના પર વધુ પૈસા ખર્ચવા જઈ રહ્યો છે. જો કે તે હજુ ભારતથી દૂર છે.

  પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દેવું, ગરીબી અને મોંઘવારી સાથે વિદેશી મૂડી રોકાણના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. તેને પોતાના લોકો માટે લોટ અને ચોખા મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. નવી સરકારની રચના પછી થોડો સુધારો થવાની અપેક્ષા હતી, પરંતુ પાકિસ્તાનની હાલત ખરાબ થતી રહી. હવે પાકિસ્તાનની નવી સરકારે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે. જેમાં સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં કર્મચારીઓને લગતા ખર્ચમાં રૂ. 815 અબજ, ઓપરેશન ખર્ચમાં રૂ. 513 અબજ, શસ્ત્રો, દારૂગોળો અને સાધનોની ખરીદીમાં રૂ. 548 અબજ, નાગરિક કાર્યોમાં રૂ. 244 અબજનો સમાવેશ થાય છે.

  અગાઉ પાકિસ્તાન સંરક્ષણ પાછળ 1,804 અબજ રૂપિયા ખર્ચી રહ્યું હતું. પરંતુ આ વખતે પાકિસ્તાન સરકારે સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો કરીને 2,122 અબજ રૂપિયા કરી દીધા છે. નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે નેશનલ એસેમ્બલીમાં આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું. પાકિસ્તાન કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તે પણ જણાવવામાં આવ્યું હતું. આમ છતાં સંરક્ષણ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે.

 સરકારનો અંદાજ છે કે પાકિસ્તાનનો જીડીપી 3.6 ટકાના દરે વૃદ્ધિ પામશે, પરંતુ ગયા વર્ષે આ વૃદ્ધિ દર માત્ર 2.38 ટકા હતો. તમને જાણીને નવાઈ લાગશે કે સરકાર પણ માને છે કે મોંઘવારી 12 ટકાથી વધુ રહેવાની શક્યતા છે. બીજી તરફ ભારતની વાત કરીએ તો વર્ષ 2023-24માં સંરક્ષણ બજેટ 5.94 લાખ કરોડ રૂપિયા હતું.

 સરકારે ગયા વર્ષની સરખામણીમાં તેમાં 13 ટકાનો વધારો કર્યો છે. તેમાંથી 1.62 લાખ કરોડ રૂપિયા માત્ર સેનાના આધુનિકીકરણ પર ખર્ચવામાં આવ્યા હતા. સંરક્ષણ પેન્શન માટે 1.38 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. 2019-20 થી સંરક્ષણ બજેટમાં 57 ટકાનો વધારો થયો છે. જુલાઈમાં રજૂ થનારા બજેટમાં આમાં વધુ વધારો થવાની શક્યતા છે.

(11:08 PM IST)