<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

માત્ર ૩૦૦ રૂ.ના નકલી ઘરેણા ૬ કરોડમાં વેચ્‍યા

જયપુરના જવેલરની અમેરિકાની મહિલા સાથે છેતરપીંડી : વિક્રેતાએ મહિલાને ખરીદી કરતી વખતે હોલમાર્ક સર્ટિફિકેટ પણ આપ્‍યું, જે જવેલરીની શુદ્ધતા સાબિત કરે છે

જયપુર તા. ૧રઃ રાજસ્‍થાનની રાજધાની જયપુરમાં એક જ્‍વેલર પિતા-પુત્રએ અમેરિકન મહિલાને ૩૦૦ રૂપિયાની આર્ટિફિશિયલ જ્‍વેલરી ૬ કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર, અમેરિકન નાગરિક ચેરિશે લગભગ બે વર્ષ પહેલા શહેરના ગોપાલજી કા રસ્‍તા પર આવેલી દુકાનમાંથી ખરીદેલી જ્‍વેલરી પાછળ ૬ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ખરીદતી વખતે, વિક્રેતાએ મહિલાને હોલમાર્ક સર્ટિફિકેટ પણ આપ્‍યું હતું, જે જ્‍વેલરીની શુદ્ધતા સાબિત કરે છે. જયપુર પોલીસે જ્‍વેલરી વેચનાર પિતા-પુત્ર વિરુદ્ધ કેસ નોંધ્‍યો છે. એક અમેરિકન મહિલાએ તેની સામે ફરિયાદ કરી છે કે, તેમણે ૩૦૦ રૂપિયાના નકલી ઘરેણાં ૬ કરોડ રૂપિયામાં વેચીને તેની સાથે છેતરપિંડી કરી છે.

ચેરીશ ફરી અમેરિકા ગઈ અને એક પ્રદર્શનમાં જ્‍વેલરી પ્રદર્શિત કરી, જ્‍યાં તેણીને ખબર પડી કે તે નકલી છે. આ પછી તે જયપુર પરત આવી અને જ્‍વેલર્સની દુકાન રામા રેડિયમ પર ગઈ અને દુકાનના માલિક ગૌરવ સોનીને નકલી જ્‍વેલરી અંગે ફરિયાદ કરી હતી. તેણે જ્‍વેલરીને તેની શુદ્ધતા ચકાસવા માટે અન્‍ય દુકાનોમાં પણ મોકલી હતી, જ્‍યાં પરીક્ષણ બાદ તેની પુષ્ટિ થઈ હતી. આ પછી ચેરિશે અમેરિકન એમ્‍બેસીને આ ઘટના વિશે જાણ કરી હતી.

પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

૧૮ મેના રોજ, જ્‍વેલર રાજેન્‍દ્ર સોની અને તેમના પુત્ર ગૌરવ સોની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કેટલીક કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી. આ કેસ વિશે મીડિયા સાથે વાત કરતા જયપુર પોલીસના ડીસીપી બજરંગ સિંહ શેખાવતે જણાવ્‍યું હતું કે, ‘‘પોલીસે દાગીનાને પરીક્ષણ માટે મોકલ્‍યા હતા, જેમાં જાણવા મળ્‍યું હતું કે, જ્‍વેલરીમાં હીરા ચંદ્રમણિના હતા. જ્‍વેલરીમાં સોનાનો જથ્‍થો ૧૪ કેરેટ હોવો જોઈએ.'' ‘‘પરંતુ તે પણ બે કેરેટનો હતો. આરોપી જ્‍વેલર્સે એવી ફરિયાદ પણ નોંધાવી હતી કે મહિલા તેમની દુકાનમાંથી દાગીના લઈને ભાગી ગઈ હતી, પરંતુ જ્‍યારે અમે સીસીટીવી ફૂટેજ તપાસ્‍યા તો તે જૂઠું નીકળ્‍યું.''

(3:07 PM IST)