<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

સુખ એટલે તમારી પાસે જે કોઈ પણ ફૂલો છે એમાંથી ગજરો બનાવવાની કળા

જે માણસ વર્તમાનની ક્ષણોમાં જ જીવે છે તે આનંદ અને સુખનો સતત અનુભવ કરી શકે છે

નવી દિલ્‍હી,તા. ૧૨: માણસો પોતાની પાસે જે નથી હોતું એના વિચારો કરીને જ દુખી થાય છે. આપણી પાસે સુખી થવા માટે પૂરતાં સાધનો છે, પરંતુ એનો ઉપભોગ કરવાને બદલે આપણે બીજાઓ પાસે કેટલું વધારે છે એનો વિચાર કરીએ છીએ અને એ વિચારો જ આપણું સુખ હરી લે છે. કેટલાક ચિંતકો એવું માને છે કે જીવનની દરેક ક્ષણ સુખથી જ ભરેલી હોય છે, પરંતુ માનવી એનો અનુભવ કરવાને બદલે ભૂતકાળનાં સ્‍મરણોમાં અને ભવિષ્‍યની ચિંતાઓમાં અટવાઈને વર્તમાનની અમૂલ્‍ય ક્ષણોને વેડફી નાખે છે. જે માણસ વર્તમાનની ક્ષણોમાં જ જીવે છે તે આનંદ અને સુખનો સતત અનુભવ કરી શકે છે.

ભાવેશ ભટ્ટની પંક્‍તિઓ આ વિશે ખૂબ સચોટ છે. તેમણે કહ્યું કે સુખની ચાવી શોધી લાવો, પણ હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું? સુખ એ પ્રાપ્ત થઈ શકે એવી વસ્‍તુ છે, પરંતુ એ તૈયાર વસ્‍તુ નથી. તમારે એનું સર્જન કરવું પડે છે. તમારી પાસે જે ફૂલો હોય એમાંથી ગજરો બનાવવાની કળા એટલે સુખ. માણસને સમૃદ્ધિ મળે છે, પણ સુખ મળતું નથી.

ન્‍યાયદર્શનમાં લખ્‍યું છે કે અનુકૂળ સંવેદના એટલે સુખ અને પ્રતિકૂળ સંવેદના એટલે દુઃખ. દુઃખથી ભરેલા જીવનમાંથી સુખને પામવાની સમજણ ઈશ્વરે આપી છે એ આપણું સૌથી માટું સુખ છે. ઈશ્વર વિશે કહેવાય છે કે જે હોય ખપનું એ જ આપે છે. એ એટલી સંભાળ રાખે છે. દુઃખ સાથે સુખ આપીને એ જિંદગી સમતોલ રાખે છે.

હરિવંશરાય બચ્‍ચનના શબ્‍દોમાં કહીએ તો શ્નમન કા હો તો અચ્‍છા, મન કા ન હો તો ઔર ભી અચ્‍છા.ઙ્ખ કારણ જો તમારા મનનું ધાર્યું ન થાય તો ઈશ્વરના મનનું ધાર્યું થતું હોય છે અને ઈશ્વર આપણું ધ્‍યાન રાખતો જ હોય છે જેની આપણને ક્‍યારેક ખબર પણ નથી હોતી. એક વાક્‍ય મને ખૂબ ગમે છે કે જે સૌનું ધ્‍યાન રાખે છે તેનું ખુદ ખુદા પણ માન રાખે છે.

મરીઝે પણ લખ્‍યું છે કે શ્નબસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જયારે જયાં મળે ત્‍યાં બધાના વિચાર દે. સુખ શબ્‍દ જેટલો સાદો છે એટલો જ જટિલ છે. જિંદગી આપે એનો સ્‍વીકાર એ કદાચ સુખની ચાવી છે. મનોવિજ્ઞાન કહે છે કે પરિવારની હૂંફ, મજબૂત સંબંધો, સાચા મિત્રો, કુદરતનું સાંનિધ્‍ય, પ્રેમ અને ઉત્‍સાહથી છલકાતું મન એ બધું માણસને સુખી કરે છે. અંગ્રેજીમાં હેપીનેસનો અર્થ છે ‘ટુ બી ઇન એ સ્‍ટેટ ઓફ બીઇંગ હેપી.' એટલે સુખ એ ‘થવાની'નહીં ‘હોવાની'બાબત છે. તમે સુખી હો છતાં તમારા સુખનું સાચું કારણ તમને જ ખબર ન હોય તો માની લેવું કે તમે ખરેખર બહુ સુખી છો અને જો દુખી હો તો નક્કી કરી લો કે મારે દુખી રહેવું નથી.

(9:57 AM IST)