<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

જયપુરમાં અમેરિકાની મહિલા સાથે છેતરપિંડી : હીરા બતાવીને 6 કરોડમાં વેચ્યાં 300 રુપિયાના પથ્થર !

મહિલાએ એપ્રિલમાં અમેરિકાની એક પ્રદર્શનીમાં જ્યારે આ ઘરેણાં દેખાડ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ ઘરેણાં તો નકલી

જયપુરમાં એક અમેરિકી મહિલા સાથે 6 કરોડ રુપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઠગે મહિલાને 6 કરોડના નકલી ઘરેણાં વેચી દીધા છે. સાથે જ ઘરેણાં સાચા હોવાનું ફેક સર્ટિફિકેટ પણ આપ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે મહિલા જ્યાં સુધી ભારતમાં રહી તેણે છેતરપિંડીનો ખ્યાલ જ ન આવ્યો. મહિલા જ્યારે અમેરિકા પહોંચી ત્યારે તેણે ખબર પડી કે તેણે જે ઘરેણાં જયપુરમાંથી ખરીદ્યા હતા તે બધાં જ નકલી છે. જે બાદ તે મહિલા ફરી જયપુર આવી અને પોલીસ ફરિયાદ કરી.

આ ઘટના એટલી લાઈમલાઈટમાં આવી કે અમેરિકી એમ્બેસીએ તેમાં મધ્યસ્થી કરવી પડી. નકલી સર્ટિફિકેટ આપનારની ધરપકડ કરાઈ છે. જયપુર પોલીસે આ અંગે તપાસ કરી રહી છે. પીડિત મહિલાનું નામ ચેરિશ છે. તેણે જયપુરના મનાક ચોક પોલીસ સ્ટેશનમાં સોની બજાર સ્થિત એક દુકાનમાંથી નકલી ઘરેણાં ખરીદ્યા હતાં. દુકાનદાર અને તેનો પુત્ર ભાગી ગયા છે. મળતી માહિતી મુજબ મહિલાએ એપ્રિલમાં અમેરિકાની એક પ્રદર્શનીમાં જ્યારે આ ઘરેણાં દેખાડ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ ઘરેણાં તો નકલી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પીડિતા જ્યારે અમેરિકાથી પરત ફરી તો સૌથી પહેલાં દુકાન માલિક રજેન્દ્ર સોની અને તેના પુત્ર ગૌરવને ફરિયાદ કરી. જેના પર આરોપી ભડકી ગયા. તેમણે નકલી ઘરેણાં વેચવાની વાત સ્વીકારી જ નહીં. જે બાદ પીડિતા પોલીસ પાસે પહોંચી અને 18 મેનાં રોજ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરી. જે બાદ આરોપી દુકાનદાર તરફથી પણ એક કેસ કરાયો. અંતે મહિલાએ અમેરિકી એમ્બેસીની મદદ માગી ત્યારે તેમણે દરમિયાનગીરી કરી હતી. આ મામલે અમેરિકી એમ્બસી મધ્યસ્થી કરતા જયપુર પોલીસ એક્ટિવ થઈ અને તપાસ શરુ કરી. અંતે પોલીસ આ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીએ 300 રુપિયાના સોનાની પોલિશવાળા નકલી ઘરેણાં 6 કરોડમાં વેચ્યા હતા. આરોપીએ જ્વેલરીમાં જડાયેલાં પથ્થરને હીરાના જણાવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ છેતરપિંડીમાંથી મળેલી રકમમાં એક ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટની કિંમત પણ 3 કરોડ રુપિયા છે.

(12:51 AM IST)