તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
વડાપ્રધાન મોદીને અભિનંદન સંદેશ આપવો એ પ્રેમ નહિ મજબૂરી હતી
પાકિસ્તાનના રક્ષા મંત્રીએ શહેબાઝ શરીફે આપેલા સંદેશને વાહયાત ગણાવ્યો

નવી દિલ્હી તા. ૧૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશની બાગડોર સંભાળી છે. આવું કરનાર તેઓ દેશના પ્રથમ બિન-કોંગ્રેસી રાજકારણી બન્યા છે. પીએમ મોદીના શપથ ગ્રહણ પર વિશ્વભરના દેશોમાંથી અભિનંદન સંદેશાઓ આવ્યા હતા. તેમાં ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું નામ પણ હતું. શાહબાઝે ટૂંકા સંદેશમાં પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને પીએમ મોદીએ તેમનો આભાર માન્યો હતો. હવે આ મામલે પાકિસ્તાન તરફથી એક નવું નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાની ચેનલ જિયો ટીવી સાથે વાત કરતા રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે શાહબાઝ પીએમ મોદીને અભિનંદન આપવા એ પ્રેમ નહિ પરંતુ અમારા પીએમને મજબૂરીમાં આમ કરવું પડ્યું.
વડાપ્રધાન શહેબાઝ શરીફે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા બાદ પાકિસ્તાન તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી છે. પાડોશી દેશના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે આ પીએમ મોદી માટે શહેબાઝનો પ્રેમ નથી પરંતુ મજબૂરી છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધોનો લાંબો ઈતિહાસ છે.
જિયો ન્યૂઝના કાર્યક્રમ કેપિટલ ટોકમાં બોલતા આસિફે કહ્યું, ‘ભારતીય પીએમ બનવા પર મોદીને અભિનંદન આપવી એ અમારી રાજદ્વારી મજબૂરી છે.' તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા મોદીને કોઈ ‘પ્રેમનો સંદેશ' મોકલ્યો નથી. આસિફે કહ્યું કે, પાકિસ્તાન ક્યારેય ભૂલી શકશે નહીં કે મોદી ભારતમાં મુસ્લિમોના હત્યારા છે, તે જ સમયે, પાકિસ્તાનની સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પણ પીએમ મોદીને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા છે. નવાઝ શરીફે લખ્યું, ત્રીજી વખત સત્તા સંભાળવા માટે મોદીજીને મારા હૃદયપૂર્વકના અભિનંદન. તાજેતરની ચૂંટણીઓમાં તમારા પક્ષની સફળતા દર્શાવે છે કે જનતાને તમારા નેતૃત્વમાં વિશ્વાસ છે. ચાલો આપણે નફરતને આશામાં ફેરવીએ અને દક્ષિણ એશિયાના બે અબજ લોકોના ભાગ્યને આકાર આપવાની તકનો લાભ લઈએ.
નવાઝ શરીફના આ ટ્વિટના જવાબમાં પીએમ મોદીએ લખ્યું, ‘તમારા સંદેશ માટે આભાર. ભારતના લોકો હંમેશા શાંતિ, સુરક્ષા અને પ્રગતિશીલ વિચારો માટે ઉભા રહ્યા છે. અમારા લોકોની સુખાકારી અને સુરક્ષાને વધારવી એ હંમેશા અમારી પ્રાથમિકતા રહેશે.'
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
