<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

કાળઝાળ ગરમીને કારણે ખાવા-પીવાની ચીજો મોંઘી

શાકભાજી - લીલોતરી - કઠોળ - ફ્રુટના ભાવ આસમાને : મે મહિનામાં રીટેલ મોંઘવારી પાંચ માસના શિખરે પહોંચે તેવી શક્‍યતા : નવી સરકાર મોંઘવારી ઘટાડવા પગલા લ્‍યે તેવી માંગ

નવી દિલ્‍હી તા. ૧૧ : દેશભરમાં પડી રહેલી કાળઝાળ ગરમીએ લોકોને આકુળ-વ્‍યાકુળ કરી દીધા છે. દેશના અનેક ભાગોમાં પારો ૪૫ ડીગ્રી પહોંચી જતાં લોકો ત્રાસી ગયા છે. ગરમીને કારણે તાજેતરમાં દૂધના ભાવમાં વધારો થયા બાદ હવે શાકભાજી - કઠોળ - ફ્રુટ વગેરેના ભાવો વધી જતાં મધ્‍યમ વર્ગની હાલત કફોડી બની ગઇ છે જે રીતે મોંઘવારી વધી રહી છે. તે જોતા તેને નાથવા સરકાર પગલા ભરે એ જરૂરી છે. મોંઘવારીને કારણે મે મહિનામાં ફુગાવો પણ ફુલીને ચિંતા ઉપજાવે તે સ્‍તરે પહોંચે તો નવાઇ નહિ.

ખાદ્ય ચીજવસ્‍તુઓ અને ખાસ કરીને ફળો અને શાકભાજીના ભાવમાં વધારાને કારણે મે ૨૦૨૪માં છૂટક ફુગાવો ફરી એકવાર વધીને ૫.૧૪ ટકા થઈ શકે છે. જો આવું થાય છે, તો તે ડિસેમ્‍બર ૨૦૨૩ પછી તેની પાંચ મહિનાની ઊંચી સપાટી હશે. તે સમયે રિટેલ ફુગાવો ૫.૬૯ ટકા હતો. એપ્રિલમાં તે ઘટીને ૪.૮૩ ટકાના ૧૧ મહિનાના નીચા સ્‍તરે આવી ગયો હતો.

સેન્‍ટર ફોર મોનિટરિંગ ઈન્‍ડિયન ઈકોનોમી અનુસાર, દેશના ઘણા ભાગોમાં વધતા તાપમાને શાકભાજી અને ફળોના પાકને અસર કરી છે. આના કારણે મે મહિનામાં ખાદ્ય ફુગાવો વધીને ૯.૧ ટકાના સ્‍તરે પહોંચી શકે છે, જે એપ્રિલમાં ૮.૭ ટકા હતો. તેની અસર એકંદર ફુગાવા પર જોવા મળી શકે છે. સરકાર બુધવારે રિટેલ ફુગાવાના આંકડા જાહેર કરી શકે છે. કોર ફુગાવો (ખાદ્ય અને ઊર્જા સિવાય) પણ મે મહિનામાં ૩.૩ ટકાથી વધીને ૩.૫ ટકા થઈ શકે છે.

CMIE અનુસાર, ફળો અને શાકભાજીના ફુગાવાના દરમાં લગભગ બે ટકાનો વધારો થયો છે. આના કારણે ફળોનો મોંઘવારી એપ્રિલમાં ૩.૫ ટકાથી વધીને મે મહિનામાં ૫.૫ ટકા થઈ શકે છે. ક્રમશઃ ગયા મહિને ફળોના ભાવમાં ૨.૫ ટકાનો વધારો થયો છે.

શાકભાજીનો મોંઘવારી દર પણ મે મહિનામાં વધીને ૩૦ ટકા થઈ શકે છે, જે એપ્રિલમાં ૨૭.૭ ટકા હતો. ગયા મહિને શાકભાજીના ભાવમાં માસિક ધોરણે ૫.૨ ટકાનો વધારો થયો હતો.

બટાકા, કોબીજ અને કોબીજના ભાવમાં પણ માસિક ધોરણે જોરદાર વધારો જોવા મળ્‍યો છે.

(10:40 AM IST)