તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
મુંદ્રા અદાણી પોર્ટનો એક સાથે ૬૫૪૮ કાર એક્સ્પોર્ટનો રેકોર્ડ
ગુજરાતના દરિયા કિનારેથી વિદેશમાં ચીલી, મેક્સિકો, બોલિવિયા, કોલમ્બિયા, ગ્વાટેમાલા, દક્ષિણ અમેરિકા અને યુરુગ્વેમાં મેડ ઇન ઇન્ડિયા કાર પહોંચશે મુંદ્રા પોર્ટ ભારતને ઓટોમોબાઇલ એક્સપોર્ટ હબ બનાવવાના વિઝનને મજબૂત આધાર આપે છેઃ અદાણી પોર્ટ્સ મુંદ્રાના અત્યાધુનિક રો-રો ટર્મિનલ પરથી ‘મોર્નિંગ પોસ્ટ' નામના ઑટોમોબાઇલ કેરિયર જહાજમાં એક જ વખતમાં ૬૫૪૮ કાર લોડ કરીને રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩: ભારતના નિકાસ ઇતિહાસમાં આજે મુંદ્રા પોર્ટના નામે એક ગૌરવશાળી અધ્યાય ઉમેરાયો છે. અદાણી પોર્ટ્સ મુંદ્રાના અત્યાધુનિક રો-રો ટર્મિનલ પરથી ‘મોર્નિગ પોસ્ટ' નામના ઑટોમોબાઇલ કેરિયર જહાજમાં એક જ વખતમાં ૬૫૪૮ કાર લોડ કરીને રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે મુંદ્રા પોર્ટ દેશનું પહેલું અને એકમાત્ર એવું બંદર બન્યું છે, જેણે એકસાથે આટલી વિશાળ સંખ્યામાં કારનું સફળતાપૂર્વક લોડિગ કર્યું છે. આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ ભારતની વધતી ઔદ્યોગિક શક્તિ, વિશ્વસનીય લોજાિસ્ટિક્સ ક્ષમતા અને વૈશ્વિક નિકાસ સામર્થ્યનું જીવંત પ્રતિબિબ છે.
આ વાહનો મુખ્યત્વે ચીલી, મેક્સિકો, બોલિવિયા, કોલમ્બિયા, ગ્વાટેમાલા, દક્ષિણ અમેરિકા અને યુરુગ્વે જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે, જે વૈશ્વિક ઑટોમોબાઇલ વેપારમાં ભારતની હાજરીને વધુ મજબૂત બનાવે છે.
દેશના કુલ કાર્ગો હેન્ડલિગમાં મોટાભાગનું કાર્ગો હેન્ડલિગ આપતું મુંદ્રા પોર્ટ આજે ભારતનું સૌથી મોટું કોમર્શિયલ બંદર છે. દર વર્ષે ૨૦૦ મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરતી આ સુવિધા માત્ર બંદર નથી, પરંતુ દેશની આયાત-નિકાસ વ્યવસ્થાનું ધબકતું હૃદય છે. કોલસો, ક્રૂડ ઓઇલ, કન્ટેનર, ખાતર, સ્ટીલ અને ઑટોમોબાઇલ જેવા વિવિધ ક્ષેત્રોમાં મુંદ્રા પોર્ટ સપ્લાય ચેઇનને નવી ગતિ આપે છે. ખાસ કરીને ‘મેક ઇન ઇન્ડિયા' હેઠળ બનેલા ભારતીય વાહનોને વિશ્વના બજારો સુધી ઝડપી, સુરક્ષિત અને અસરકારક રીતે પહોંચાડવામાં મુંદ્રા પોર્ટ એક મજબૂત કડી તરીકે ઉભરી આવ્યું છે.
આ ટર્મિનલ દર વર્ષે લાખો વાહનો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે અને ભારતને વૈશ્વિક ઑટોમોબાઇલ એક્સપોર્ટ હબ બનાવવાના વિઝનને મજબૂત આધાર આપે છે. મુંદ્રા પોર્ટની આ સિદ્ધિ ‘મેક ઇન ઇન્ડિયા' અને ‘મેરિટાઇમ ઇન્ડિયા વિઝન ૨૦૩૦'ને નવી ઊર્જા પૂરું પાડે છે. આ રેકોર્ડ સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત હવે માત્ર ઉત્પાદનનું કેન્દ્ર નથી, પરંતુ વિશ્વસ્તરીય લોજાિસ્ટિક્સ ક્ષમતા ધરાવતું આત્મવિશ્વાસપૂર્ણ નિકાસ શક્તિ કેન્દ્ર પણ છે. અદાણી પોર્ટ્સ મુંદ્રા નવીનતા, ગતિ અને કાર્યક્ષમતાના બળ પર ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈએ પહોંચાડવા સતત પ્રતિબદ્ધ છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
