તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર બન્યું: આગજની-હિંસાઃ ૪૦૦ શૈક્ષણિક સંસ્થાઓ બંધની સ્થિતિ
૬૨૫ લોકોની ધરપકડઃ ૮૩ સુરક્ષાકર્મી ઘાયલઃ શિક્ષકોની અછત અને શાળાઓની કથળેલી સુવિધાઓ સામે વિદ્યાર્થીઓનો વિરોધ વિસ્તર્યો

પેરિસ, તા.૨: ફ્રાન્સમાં શિક્ષકોની અછત અને શાળાઓની ખરાબ સ્થિતિ સામે શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન કેટલીક જગ્યાએ હિંસક બનતાં શિક્ષણવ્યવસ્થા પ્રભાવિત થઈ છે. શિક્ષણમંત્રી એદુઆર જેફ્રેએ ગુરુવારે જણાવ્યું હતું કે શુક્રવારે આશરે ૪૦૦થી વધુ શાળાઓ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધની સ્થિતિ છે. પેરિસ વિસ્તારથી શરૂ થયેલો વિરોધ દેશના અન્ય શહેરોમાં પણ ફેલાયો છે.
ગળહમંત્રી લોરાં નુનેઝે જાહેર કરેલી વિગતો અનુસાર, બુધવાર, ૩૦ સપ્ટેમ્બરે શાળાઓના પ્રવેશ અવરોધવાના વિરોધ કાર્યક્રમો દરમિયાન ૬૨૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૮૩ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. તે દિવસે કુલ ૩૫૬ શૈક્ષણિક સંસ્થાઓ વિરોધથી પ્રભાવિત થઈ હતી.
વિદ્યાર્થીઓની ફરિયાદોમાં વર્ગખંડોમાં વધુ સંખ્યા, શિક્ષકોની અછત, લાંબાં અને ભારરૂપ સમયપત્રકો તથા ગરમી દરમિયાન વર્ગખંડોની અસુવિધાનો સમાવેશ થાય છે. શિક્ષણમંત્રીએ આંદોલનની શરૂઆતથી વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક કર્મચારીઓ મળીને ૧૧૯ લોકો ઘાયલ થયાનું જણાવ્યું હતું.ગુરુવારે નાન્ત શહેરની નેલ્સન મંડેલા શાળાના પ્રવેશ હોલને આગથી નુકસાન પહોંચ્યું હતું. શાળાનાં ઉપપ્રમુખના જણાવ્યા અનુસાર, આગ ઇરાદાપૂર્વક લગાડવામાં આવી હતી અને તે મકાનના આગળના ભાગ સુધી પ્રસરી હતી. અગ્નિશામક દળે આગ કાબૂમાં લીધી હતી. આ ઘટનાથી કેટલીક જગ્યાએ ગંભીર નુકસાન થયાનું સ્પષ્ટ થાય છે.વણસતી સ્થિતિને પગલે વડાપ્રધાન સેબાસ્તિયાં લેકોર્નુએ ગુરુવારે કટોકટી બેઠક બોલાવી હતી. વહીવટીતંત્ર અને પોલીસ વિરોધની પરિસ્થિતિ પર ધ્યાન આપી શકે તે માટે મંત્રીઓને આગામી દિવસોના સત્તાવાર પ્રવાસ રદ કરવા જણાવાયું હતું. વિદ્યાર્થીઓની સલામતી જોખમાય તેવી શાળાઓમાં દૂરશિક્ષણથી વર્ગો ચલાવવાની સૂચના પણ આપવામાં આવી છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
