News of Tuesday, 21st July 2026
ગાઝિયાબાદ પાસે કોલસાથી ભરેલી માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરતા ટ્રેન વ્યવસ્થા ખોરવાઈ: 53 ટ્રેનો પ્રભાવિત
દિલ્હી-એનસીઆરમાં ગાઝિયાબાદ-નવી દિલ્હી રેલવે રૂટ પર કોલસાથી ભરેલી માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરતા ટ્રેન વ્યવસ્થા ખોરવાઈ:અનેક ટ્રેનો રદ અથવા ડાયવર્ટ:હજારો દૈનિક મુસાફરોને ભારે હાલાકી: રેલવે તંત્ર યુદ્ધના ધોરણે ટ્રેક પુનઃસ્થાપિત કરવાની કામગીરીમાં વ્યસ્ત

નવી દિલ્હી :દિલ્હી-એનસીઆર વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે બનેલી એક મોટી રેલવે ઘટનાએ હજારો મુસાફરોના દૈનિક જીવનને અસર કરી છે. ગાઝિયાબાદ-નવી દિલ્હી રેલવે સેક્શન પર કોલસાથી ભરેલી માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ટ્રેન વ્યવસ્થા ગંભીર રીતે ખોરવાઈ ગઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ રેલવે ટ્રાફિક પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ઘટના બાદ રેલવે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને ટ્રેકને ફરી કાર્યરત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, ભારે વજનવાળા કોલસાના ડબ્બા હટાવવાનું કામ પડકારજનક બન્યું હોવાથી સામાન્ય ટ્રેન વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં સમય લાગી રહ્યો છે.
આ અકસ્માત મંગળવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે થયો હતો. પાટા પરથી ખસી ગયેલા માલગાડીના ડબ્બાઓમાં કોલસો ભરેલો હતો. ભારે વજન અને કોલસાના જથ્થાને કારણે રાહત અને સમારકામ કામગીરીમાં ટેકનિકલ ટીમને ભારે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રેલવેની ટેકનિકલ ટીમ અને ક્રેનની મદદથી ડબ્બાઓને હટાવીને રેલવે ટ્રેકને શક્ય તેટલી વહેલી તકે કાર્યરત કરવાના સતત પ્રયાસો ચાલુ છે.
સાહિબાબાદ પાસે થયેલા માલગાડી અકસ્માતના લીધે રેલવે પ્રશાસનને ટ્રેનોના સમયપત્રક અને રૂટમાં તાત્કાલિક મોટો ફેરફાર કરવાની ફરજ પડી છે, જેના કારણે કુલ 53 ટ્રેનોની અવરજવર પર સીધી વિપરીત અસર પડી છે. વાહનવ્યવહાર સુચારૂ રાખવાના આશયથી રેલવે વિભાગ દ્વારા 24 ટ્રેનોના માર્ગ બદલીને તેમને દિલ્હી-નવી દિલ્હી રૂટ પરથી ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે સામાન્ય નાગરિકો માટેની 16 પેસેન્જર ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરી દેવાઈ છે. આ ઉપરાંત, 5 ટ્રેનોને તેમના નિર્ધારિત આખરી સ્ટેશન સુધી પહોંચાડવાને બદલે રસ્તામાં જ અંશતઃ રદ કરવામાં આવી છે, તેમજ આણંદ વિહાર આવતી ટ્રેનો સહિત અન્ય 8 ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર રોકીને નિયંત્રિત કરવામાં આવી છે.
દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ વચ્ચે હજારો લોકો દરરોજ ઈએમયુ અને અન્ય લોકલ ટ્રેનો દ્વારા પોતપોતાના નોકરી-વ્યવસાયના સ્થળે પહોંચે છે. ટ્રેન વ્યવહાર ઠપ થઈ જતાં મંગળવારે સવારે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ટ્રેનો રદ થવા અને મોડી પડવાના કારણે લોકોને બસ, મેટ્રો અને ખાનગી વાહનોનો આશરો લેવો પડ્યો હતો. સમયસર ઓફિસ ન પહોંચવાને કારણે પગાર કાપ અને આર્થિક નુકસાન ભોગવવાનો ભય પણ મુસાફરો વ્યક્ત કરી રહ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. એન્જિનિયરિંગ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે ટ્રેક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનનું વર્તમાન સ્ટેટસ અવશ્ય તપાસી લે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
