તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
૨ વર્ષની બાળકીનો જીવ બચાવવા ઓડિશાના ૫૮ વર્ષીય પોસ્ટમાસ્ટરે ૧૫૦ કિમી સ્કૂટર ચલાવી આખો માસિક પગાર દાન કર્યો
નિવૃત્તિના આરે ઊભેલા વરિષ્ઠ કર્મચારીએ સ્માર્ટફોન કે ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મના અભાવ વચ્ચે જાતે પહોંચીને માનવતા અને નિઃસ્વાર્થ સેવા ઉદાહરણ પૂરું પાડ્યું

ભુવનેશ્વર : ઓડિશાના ધેનકાનાલ જિલ્લાના પિંગુઆ સબ-પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા ૫૮ વર્ષીય પોસ્ટમાસ્ટર બિમલ કુમાર સાહુએ માનવતાનું એક અજોડ ઉદાહરણ પૂરું પાડતાં 'સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી' (SMA) ટાઇપ-૨ નામની દુર્લભ અને જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહેલી બે વર્ષની બાળકી ત્રિશિકાની સારવાર માટે પોતાનો સમગ્ર માસિક પગાર દાનમાં આપી દીધો છે. સ્માર્ટફોન કે ઓનલાઈન પેમેન્ટ એપ્સનો ઉપયોગ ન કરતા આ સરકારી કર્મચારીએ નિવૃત્તિને ગણતરીના દિવસો બાકી હોવા છતાં, ટેલિવિઝન પર બાળકીની કહાની જોયા બાદ ૧૫૦ કિલોમીટર સ્કૂટર ચલાવીને રૂ. ૨૬,૩૦૪ની રકમ જાતે જઈને બાળકીના પરિવારને સોંપી હતી.
આ કરુણ ઘટનાની વિગત એવી છે કે જાજપુર જિલ્લાની બે વર્ષની બાળકી ત્રિશિકા એક અત્યંત જટિલ આનુવંશિક ન્યુરોમસ્ક્યુલર બીમારીથી પીડાઈ રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેના સારા સ્વાસ્થ્ય અને જીવનરક્ષા માટે 'ઝોલજેન્સમા' (Zolgensma) નામની સિંગલ-ડોઝ જીન થેરાપી જ એકમાત્ર ઉપાય છે, જેની સારવારનો કુલ ખર્ચ આશરે રૂ. ૧૬ કરોડ જેટલો માતબર થાય છે.
બાળકીના પિતા અને પરિવારે આટલી મોટી રકમ એકત્ર કરવા માટે ક્રાઉડફંડિંગનો આશરો લીધો છે, જેના માધ્યમથી અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૬ કરોડ જેટલું ભંડોળ એકત્ર થઈ શક્યું છે. જોકે, હજુ પણ સારવાર પૂર્ણ કરવા માટે રૂ. ૧૦ કરોડની મોટી રકમની તાતી જરૂરિયાત છે. ટેલિવિઝન પર આ અહેવાલ જોઈને દ્રવિત થયેલા બિમલ કુમાર સાહુએ ડિજિટલ ટ્રાન્સફરની ભાંજગડમાં પડવાને બદલે તાત્કાલિક પોતાના સ્કૂટરમાં પેટ્રોલ પુરાવી ભુવનેશ્વર તરફ પ્રયાણ કર્યું હતું.
ભુવનેશ્વર પહોંચીને તેમણે બાળકીના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરીને પોતાના ગયા મહિનાનો પૂરો પગાર - રૂ. ૨૬,૩૦૪ – પરિવારના હાથમાં સોંપ્યો હતો. ૧૬ કરોડના આંકડા સામે આ રકમ કદાચ નાની હોઈ શકે, પરંતુ સાહુએ ભાવુક બનીને જણાવ્યું હતું કે, "રામાયણમાં જેમ નાની ખિસકોલીએ સેતુ નિર્માણમાં પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપ્યું હતું, તેમ મેં પણ આ માસુમ બાળકીના જીવનરક્ષાના મહાયજ્ઞમાં મારી નાની આહુતિ આપી છે."
સરકારી સેવાના અંતિમ તબક્કે પહોંચેલા આ વરિષ્ઠ કર્મચારીની આ ઉમદા કામગીરીએ સમગ્ર દેશમાં વ્યક્તિગત યોગદાન અને સહાનુભૂતિની શક્તિ તરફ સૌનું ધ્યાન દોર્યું છે. એક સામાન્ય આવક ધરાવતા વ્યક્તિ દ્વારા બતાવાયેલી આ અસાધારણ ઉદારતાની ચોમેર પ્રશંસા થઈ રહી છે અને આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ અન્ય લોકોને મદદ કરવા માટે પ્રેરણા મળી રહી છે.
હાલમાં ત્રિશિકાના ઇલાજ માટે જરૂરી બાકીની રકમ ભેગી કરવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. બાળકીના પરિવારે સાહુના આ નિઃસ્વાર્થ પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો છે અને દેશભરના દાતાઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓને મદદ માટે આગળ આવવા નમ્ર અપીલ કરી છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
