<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

નેપાળમાં તબાહી પર તબાહીઃ ભયંકર પૂર બાદ હવે ભૂકંપ .

૫.૦ની તીવ્રતા જોઈ લોકો ધ્રુજવા લાગ્‍યા : મોડી રાતે લગભગ ૯ વાગ્‍યાને ૩૮ મિનિટ પર નેપાળની ધરતી અચાનક ધ્રુજવા લાગી

કાઠમંડુ તા.૯: નેપાળમાં ફરી એક વાર ભૂકંપના ઝટકાએ લોકોને હચમચાવી નાખ્‍યા છે. ૮ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ની મોડી રાતે લગભગ ૯ વાગ્‍યાને ૩૮ મિનિટ પર નેપાળની ધરતી અચાનક ધ્રુજવા લાગી. નેશનલ સેન્‍ટર ફોર સીસ્‍મોલોજીના જણાવ્‍યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ પર ૫.૦ની માપવામાં આવી છે. જ્‍યારે લોકો પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા, સૂવાની તૈયારી કરી રહ્યા હતા, ત્‍યારે અચાનક જમીન હલવા લાગી. જો કે, રાહતની વાત એ છે કે આ ભૂકંપનું કેન્‍દ્ર જમીનની ખૂબ જ નીચે એટલે કે ૧૪૩ કિમી ઊંડું હતું. ઊંડાઈ વધારે હોવાના કારણે અત્‍યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનમાલના ખતરાના કોઈ સમાચાર સામે આવ્‍યા નથી.

રાતના ૯ કલાકને ૩૮ મિનિટનો સમય હતો, જ્‍યારે અચાનક નેપાળના કેટલાય વિસ્‍તારમાં લોકોને ઝટકા અનુભવાયા. અચાનક ઘરોમાં પંખા, બારીઓ અને દરવાજા હલવાનો અવાજ આવવા લાગ્‍યો. જે લોકો ટીવી જોઈ રહ્યા હતા અથવા ખાવાનું ખાઈ સૂવાની તૈયારીમાં હતા, તેઓ તરત પોતાના ઘરમાંથી નીકળી બહાર તરફ ભાગવા લાગ્‍યા.

અચાનક આવેલા આ ઝટકાથી થોડી વાર માટે રસ્‍તા અને ખુલ્‍લા મેદાનમાં લોકોની ભીડ એકઠી થવા લાગી. રાતના સન્નાટામાં આ ભૂકંપે લોકોના મનમાં ફરીથી હાલમાં જ જોયેલી ભયાનક ઘટનાની યાદ તાજી કરાવી દીધી. સૌ કોઈ એકબીજાને હાલચાલ પૂછવા લાગ્‍યા હતા.

સિસ્‍મોલોજી સેન્‍ટર સમગ્ર વિસ્‍તાર પર સતત નજર રાખી રહ્યું છે જેથી કોઈપણ પ્રકારના આફટરશોક્‍સ (ભૂકંપ પછીના આંચકા) સમયસર શોધી શકાય.

૧૪૩ કિલોમીટરની ઊંડાઈનો અર્થ શું થાય? ભૂકંપની અસર નક્કી કરવામાં તેની ઊંડાઈ સૌથી મહત્‍વપૂર્ણ પરિબળ હોય છે. જ્‍યારે ભૂકંપ પૃથ્‍વીની સપાટીથી ઘણો અંદર, એટલે કે વધારે ઊંડાઈએ આવે છે, ત્‍યારે તેની ઊર્જા સપાટી સુધી પહોંચતાં પહેલાં ઘણી હદ સુધી ફેલાઈ અને ઓછી થઈ જાય છે.

૧૪૩ કિલોમીટરની ઊંડાઈને મધ્‍યમથી ઊંડી શ્રેણીનો ભૂકંપ માનવામાં આવે છે. જો ૫.૦ની તીવ્રતાવાળો આ જ ભૂકંપ માત્ર ૫ કે ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્‍યો હોત, તો સપાટી પર આવેલી ઇમારતોમાં મોટી તિરાડો પડી શકી હોત અને ભારે નુકસાન થવાની શક્‍યતા હતી. પરંતુ ભૂકંપનું કેન્‍દ્ર ૧૪૩ કિલોમીટર નીચે હોવાથી સપાટી પર તેની અસર પ્રમાણમાં ઓછી રહી અને મોટી દુર્ઘટના ટળી ગઈ.

(10:01 AM IST)