<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

અંતિમ સંસ્કારમાં રડવાના ૫૦,૦૦૦ રૂપિયા! અમેરિકામાં શરૂ થયેલા આ વિચિત્ર અને રહસ્યમય ટ્રેન્ડે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો

મૃત્યુ પછી પણ ચર્ચામાં રહેવાનો નવો ક્રેઝ: કાળા કપડાં પહેરી લક્ઝરી કારમાં આવતી આ 'મિસ્ટ્રી વુમન' અંતિમ યાત્રામાં આંસુ વહાવી મહેમાનોને આશ્ચર્યમાં મૂકી દે છે

ન્યૂયોર્ક: દુનિયામાં અવારનવાર વિચિત્ર બિઝનેસ આઈડિયા સામે આવતા રહે છે, પરંતુ અમેરિકામાં હાલમાં જે ટ્રેન્ડ શરૂ થયો છે તેણે સોશિયલ મીડિયા પર લોકોને ચોંકાવી દીધા છે. હવે લોકો માત્ર પોતાના જીવનને જ નહીં, પરંતુ મૃત્યુ પછીની પળોને પણ યાદગાર અને રહસ્યમય બનાવવા માટે અનોખી રીતો શોધી રહ્યા છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલી વિગતો અનુસાર, ત્યાં કેટલીક એવી એજન્સીઓ કાર્યરત થઈ છે જે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વ્યાવસાયિક મહિલાઓની સેવા પૂરી પાડે છે. આ સેવા માટે ગ્રાહકો પાસેથી અંદાજે $૫૦૦ એટલે કે ભારતીય ચલણમાં આશરે ૫૦,૦૦૦ રૂપિયા જેટલી મોટી રકમ વસૂલવામાં આવે છે.

આ અનોખી સેવાની ખાસિયત એ છે કે ભાડે રાખેલી આ મહિલા કોઈ સામાન્ય શોક કરનારની જેમ માત્ર રડતી નથી, પરંતુ તે આખા માહોલને ફિલ્મી સ્ટાઈલમાં રહસ્યમય બનાવી દે છે. તે કાળા આકર્ષક વસ્ત્રો પહેરીને મોંઘી લક્ઝરી કારમાં અંતિમ સંસ્કારના સ્થળે પહોંચે છે. તે ભીડથી થોડી દૂર ઉભી રહીને ચૂપચાપ આંસુ વહાવે છે અને અંતિમ વિધિ પૂર્ણ થતાં જ કોઈની પણ સાથે વાત કર્યા વિના ત્યાંથી નીકળી જાય છે. તેની આ ભેદી હાજરીને કારણે ત્યાં હાજર સગા-સંબંધીઓ અને મિત્રો આશ્ચર્યમાં પડી જાય છે કે, "આ આખરે કોણ હતી? શું મૃતકનું કોઈ એવું રહસ્ય હતું જે પરિવારથી છુપાયેલું હતું?" આ પ્રશ્નો ઊભા કરવા એ જ આ સેવાનો મુખ્ય હેતુ છે.

વિશ્વના કેટલાક દેશોમાં અંતિમ સંસ્કારમાં ભીડ વધારવા માટે 'રેન્ટ અ મર્નર' (Rent a Mourner) એટલે કે રડવાવાળા ભાડે રાખવાનો ટ્રેન્ડ જૂનો છે, પરંતુ અમેરિકાનો આ નવો કોન્સેપ્ટ સદંતર અલગ છે. લોકો પોતાના મૃત્યુ પછી પણ સમાજમાં લાંબા સમય સુધી ચર્ચામાં રહેવા માટે વસિયતમાં જ આવી એજન્સીઓનું બુકિંગ કરાવી જાય છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે, જ્યાં કેટલાક લોકો આને એક અત્યંત નવીન અને સર્જનાત્મક બિઝનેસ મોડેલ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો આ ક્રેઝની ટીકા કરતા કહી રહ્યા છે કે મનુષ્યની સાચી સંવેદનાઓ અને મૃત્યુ જેવા ગંભીર પ્રસંગોનું પણ હવે ક્રૂર વ્યાપારીકરણ થઈ રહ્યું છે.

(7:25 PM IST)