તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ઓડિશાના બાલાસોરમાં ૫ દુર્લભ ઓરંગુટાનના બચ્ચા મળી આવતાં સસંગઠિત તસ્કરી અંગે મચ્યો હડકંપ: આંતરરાષ્ટ્રીય વન્યજીવ રેકેટની શંકા
દક્ષિણ-પૂર્વ એશિયાના જંગલોમાંથી ભારતના કિનારે કેવી રીતે પહોંચ્યા? વન વિભાગે હાથ ધરી તપાસ, બચ્ચાઓને નંદનકાનન પ્રાણીસંગ્રહાલય મોકલવાની તૈયારીઓ શરૂ

બાલાસોર : ઓડિશાના બાલાસોર જિલ્લાના દરિયાકાંઠાના ભોગરાઈ વિસ્તારમાં આવેલા બડાપાઈ ગામના જંગલમાંથી મંગળવારે સવારે પાંચ નાની વયના ઓરંગુટાન (Orangutan) બચ્ચાઓ મળી આવતાં આંતરરાષ્ટ્રીય વન્યજીવ તસ્કરી (International Wildlife Trafficking) ના મોટો પર્દાફાશ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સવારે સ્થાનિક લોકોએ આ અનોખા જીવોને જોતાં જ ભારે કુતૂહલ સર્જાયું હતું અને જોતજોતામાં હજારો લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તમામ પાંચેય બચ્ચાઓને સુરક્ષિત બચાવી લીધા હતા.
વન વિભાગના જણાવ્યા અનુસાર, બચાવવામાં આવેલા પાંચમાંથી ચાર બચ્ચાઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને ખોરાક તથા ORS આપવામાં આવી રહ્યું છે, જ્યારે એક બચ્ચાની પશુચિકિત્સકોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. ઓરંગુટાન એ ભારતમાં કુદરતી રીતે જોવા મળતું પ્રાણી નથી. તેઓ માત્ર દક્ષિણ-પૂર્વ એશિયાના બોર્નિયો અને સુમાત્રાના વર્ષાવનોમાં જ વસે છે. ઓડિશા સાથે તેમના કુદરતી આવનજાવનનો કોઈ ભૌગોલિક માર્ગ કે કોરિડોર ન હોવાથી આ બચ્ચાઓને ગેરકાયદેસર રીતે તસ્કરી કરીને લાવવામાં આવ્યા હોવાની ખાતરી થઈ ગઈ છે.
WCCB કરશે તપાસ; કરોડો ડોલરનું નેટવર્ક હોવાની શંકા
ઓડિશાના વન અને પર્યાવરણ મંત્રી ગણેશ રામ સિંહ ખુંટિયાએ જણાવ્યું હતું કે, આ કેસમાં આંતરરાષ્ટ્રીય રેકેટની સંડોવણી જણાતી હોવાથી કેન્દ્રીય એજન્સી 'વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો' (WCCB) ની મદદ લેવામાં આવશે. ઓરંગુટાનની ગેરકાયદેસર હેરફેર વિશ્વભરમાં કરોડો ડોલરનો ગુનાહિત કારોબાર છે. આ બચ્ચાઓને ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તસ્કરો તેમને ક્યાં મોકલવાના હતા તે શોધવા માટે વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમોએ નજીકના જંગલોમાં કોમ્બિંગ ઓપરેશન પણ શરૂ કર્યું છે.
ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિ અને નવું સરનામું
IUCN ની રેડ લિસ્ટમાં ઓરંગુટાનની ત્રણેય પ્રજાતિઓને ગંભીર રીતે લુપ્તપ્રાય (Critically Endangered) શ્રેણીમાં મૂકવામાં આવી છે. જરૂરી તમામ કાનૂની અને તબીબી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આ પાંચેય બચ્ચાઓને ભુવનેશ્વરના પ્રસિદ્ધ 'નંદનકાનન ઝૂઓલોજિકલ પાર્ક' માં ખસેડવામાં આવશે, જ્યાં તેમને શરૂઆતમાં ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતનું છેલ્લું ઓરંગુટાન 'બિન્ની' પણ નંદનકાનન ઝૂમાં જ હતું, જેનું ફેબ્રુઆરી ૨૦૧૯ માં ૪૧ વર્ષની વયે અવસાન થયું હતું.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
