તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
મુંબઈમાં પ્રદૂષણ માપવા બગીચાઓમાં બનશે ૫ નવા મોનિટરિંગ સ્ટેશન, સ્થાનો અંગે વિજ્ઞાનીઓએ વ્યક્ત કરી શંકા
૧૭.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે BMC ના નવા પ્રોજેક્ટ સામે પ્રદૂષણના સાચા આંકડા છુપાઈ જવાના ઉદ્ભવ્યા સવાલો

મુંબઈ : દિવાળીના તહેવારો દરમિયાન મુંબઈ શહેર સતત વધતા વાયુ પ્રદૂષણ અને પ્રદૂષિત હવાની ગંભીર ચિંતાઓથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા શહેરમાં હવા ગુણવત્તા માપવાના વધુ પાંચ નવા મોનિટરિંગ સ્ટેશનો ઉમેરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આશરે રૂપિયા ૧૭.૫૦ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થનારા આ તમામ પાંચ નવા સ્ટેશનો શહેરોના બગીચાઓ અને ખુલ્લી જગ્યાઓમાં સ્થાપિત કરવામાં આવશે. જોકે, માત્ર બગીચાઓમાં જ સ્ટેશનો મૂકવાના આ નિર્ણય સામે વાતાવરણીય વિજ્ઞાનીઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
નવા પ્રસ્તાવ મુજબ મુલુંડ પૂર્વમાં સીડી દેશમુખ ગાર્ડન, બોરીવલી પશ્ચિમમાં પ્રમોદ મહાજન પાર્ક, ગોરેગાંવ પૂર્વમાં આરે ગાર્ડનનું છોટા કાશ્મીર, દહિસર પૂર્વમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર રિક્રિએશન ગ્રાઉન્ડ અને ખારમાં મદદનીશ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ ખાતે આ સ્ટેશનો ઉભા કરાશે. આ સતત એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનો કલાકદીઠ હવાના પ્રદૂષકો, તાપમાન અને ભેજ જેવા સૂચકાંકોને ટ્રેક કરશે. હાલમાં મુંબઈમાં BMC, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા દ્વારા સંચાલિત ૨૯ સ્ટેશનો કાર્યરત છે.
મુંબઈના વાતાવરણીય વૈજ્ઞાનિક ગુફરાન બેગ સહિતના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ફક્ત વૃક્ષો ધરાવતા બગીચાઓમાં સ્ટેશનો મૂકવાથી વાસ્તવિક પ્રદૂષણનું સ્તર ઓછું દેખાઈ શકે છે, કારણ કે ખુલ્લા વાતાવરણ અને વૃક્ષોના કારણે પ્રદૂષકો ઝડપથી ફેલાઈ જાય છે. વિશ્વ હવામાન સંગઠનની માર્ગદર્શિકા મુજબ પ્રદૂષણનું સાચું ચિત્ર મેળવવા વિવિધ પ્રકારના સ્થળો પસંદ કરવા જરૂરી છે. બીજી તરફ મ્યુનિસિપલ અધિકારીઓનો દાવો છે કે આ સ્થાનો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માર્ગદર્શિકા મુજબ જ પસંદ કરાયા છે જેથી શહેરી પૃષ્ઠભૂમિ દેખરેખ રાખી શકાય.
આ વિવાદ બાદ હવે નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓની નજર આ સ્ટેશનોના નિર્માણ અને તેની કામગીરી પર મંડાયેલી છે. પ્રદૂષણના સાચા આંકડા બહાર આવે તે માટે આગામી સમયમાં ટ્રાફિક વાળા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ નવા મોનિટરિંગ સ્ટેશનો સ્થાપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે વધારાના કડક પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
