તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ૧૧ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવનું ભવ્ય આયોજન : ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં રામચરિતમાનસ પાઠ અને નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે
શરણાગત આશ્રમ (વૃંદાવન)ના બિહારીદાસ ભક્તમાલીજીના વ્યાસાસનેથી "શ્રીભક્તમાલ કથા"નું આયોજન : શ્રીહરિ મંદિરમાં વિવિધ વિશેષ મનોરથ, પંચકુંડીય દુર્ગાષ્ટમી યજ્ઞ, હોમાત્મક સુંદરકાંડ અને રાસ-ગરબા સાથે ભક્તિમય વાતાવરણમાં મહોત્સવની ઉજવણી થશે : દ્વારકા જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કરાશે

પોરબંદર:પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવનું ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ થી ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મોત્સવ અંતર્ગત સંગીતમય શ્રીરામચરિતમાનસ મૂલપાઠ, શ્રીભક્તમાલ કથા, શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ દર્શન તથા વિવિધ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે. સમગ્ર નવરાત્રિ અનુષ્ઠાનના મુખ્ય મનોરથી તરીકે દાર-એ-સલામ (તંઝાનિયા - ઈસ્ટ આફ્રિકા)ના ગં. સ્વ. કાંતાબહેન સરમણીકલાલ સૂચક, સંજયભાઈ સરમણીકલાલ સૂચક, શ્રીમતી સુરેખાબહેન સંજયભાઈ સૂચક તેમજ ચિ. શિવાની અને ચિ. અનમોલ સેવા આપી રહ્યા છે.
શ્રીરામચરિતમાનસ પાઠ અને શ્રીભક્તમાલ કથા:
મહોત્સવ દરમિયાન ૧૧ ઓક્ટોબર થી ૧૯ ઓક્ટોબર સુધી પ્રતિદિન સવારે દેશ-વિદેશથી પધારેલા ભક્તવૃંદ સાથે સંગીતમય શ્રીરામચરિતમાનસનું મૂળ પારાયણ સંપન્ન થશે. પ્રથમ દિવસે સવારે ૮:૩૦ વાગ્યે શ્રદ્ધાપૂર્વક પોથીયાત્રા નીકળશે. ત્યારબાદ પ્રતિદિન બપોરે ૩:૩૦ થી સાંજના ૬:૩૦ વાગ્યા સુધી શરણાગત આશ્રમ (વૃંદાવન, ઉત્તર પ્રદેશ)ના બિહારીદાસ ભક્તમાલીજીના વ્યાસાસનેથી "શ્રીભક્તમાલ કથા"નું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીહરિ મંદિરમાં વિશેષ મનોરથ અને રાસ-ગરબા:
શારદીય નવરાત્રિ દરમિયાન શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન નૂતન ધ્વજારોહણ, કરુણામયી માતાજીનું ષોડશોપચાર પૂજન, દુર્ગા સપ્તશતીપાઠ, મહિષાસુરમર્દિની સ્તોત્ર પાઠ, સાડીસેવા, કુમારિકા પૂજન, પુષ્પમાલા સેવા, કુંકુમાર્ચન, શૃંગારસેવા, જલપુષ્પાભિષેક સેવા, નવ દિવસીય દેવીભાગવત પાઠ, સંપુટીત દુર્ગાસપ્તશતીપાઠ, સિદ્ધ કુંજિકાસ્તોત્રપાઠ અને શ્રીસૂક્તપાઠ જેવા વિવિધ ધાર્મિક અનુષ્ઠાન થશે. દુર્ગાષ્ટમીના દિવસે વિશેષ અન્નકૂટ સેવા યોજાશે. પ્રતિદિન રાત્રે ૭:૦૦ થી ૭:૩૦ દરમિયાન સંધ્યા આરતી અને રાત્રે ૭:૩૦ થી ૮:૩૦ દરમિયાન મંદિર પરિસરમાં પ્રાચીન રાસ-ગરબાનું આયોજન કરાશે.
યજ્ઞ અને દ્વારકા જગતમંદિરે ધ્વજારોહણ:
૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવારના રોજ હવનાષ્ટમીના દિવસે સાંદીપનિ યજ્ઞશાળામાં ઋષિકુમારો દ્વારા સવારે ૭:૩૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન 'પંચકુંડીય શ્રીદુર્ગાષ્ટમી યજ્ઞ' યોજાશે. ૨૦ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવારના રોજ વિજયાદશમીના પાવન અવસરે માનસપાઠની પૂર્ણાહુતિ રૂપે હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ યોજાશે. વિજયાદશમીએ સવારે શ્રીહરિ મંદિરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન કરાશે અને બપોરે ૩:૦૦ વાગ્યે તમામ ભાવિકજનો દ્વારકા જગતમંદિરે નૂતન ધ્વજારોહણ માટે પ્રસ્થાન કરશે.
માનવસેવા યજ્ઞ: વિવિધ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ:
અનુષ્ઠાન મહોત્સવના ભાગરૂપે સાંદીપનિ પરિસર ખાતે નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કો-ઓર્ડિનેટર તરીકે ડો. સુરેશ ગાંધી અને ડો. ભરત ગઢવી સેવા આપી રહ્યા છે:
૧. દંત યજ્ઞ (ડેન્ટલ કેમ્પ): ૧૧ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન પ્રતિદિન સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી રાજકોટના શ્રી લાભુભાઈ શુક્લ મેમોરિયલ ટ્રસ્ટના જાલંધર બંધ યોગ પદ્ધતિના નિષ્ણાંત દંતવૈદ્ય હર્ષદભાઈ જોશી અને દંતવૈદ્ય શ્રીમતી સરોજ બહેન જોશીની ટીમ દ્વારા સારવાર અપાશે.
૨. નેત્રમણિ સાથેનો નેત્રયજ્ઞ: ૧૭ ઓક્ટોબર, શનિવારે સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમિયાન શિવાનંદ મિશન આઈ હોસ્પિટલ, વીરનગરના તબીબો દ્વારા નેત્ર તપાસ કરાશે. દર્દીઓને બસ દ્વારા વીરનગર લઈ જઈ મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણિ મૂકી પરત પોરબંદર લાવવામાં આવશે.
૩. પલ્મોનોલોજી કેમ્પ (ફેફસા અને શ્વાસના રોગો): ૧૭ ઓક્ટોબરના રોજ રાજકોટની સિનરજી હોસ્પિટલના પલ્મોનોલોજીસ્ટ ડો. જયેશભાઈ ડોબરીયા અને ટીમ દ્વારા સેવા અપાશે. જેમાં પી.એફ.ટી. અને સી.ટી.સ્કેન વિનામૂલ્યે કરાશે. આ કેમ્પના મનોરથી બજરંગલાલ તાપડીયા પરિવાર (મુંબઈ) છે.
૪. એન્ડોક્રાઇનોલોજી કેમ્પ (આંતસ્રાવીગ્રંથીના રોગો): ૧૭ ઓક્ટોબરના રોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમિયાન અમદાવાદના સીનીયર એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડો. વિવેક આર્ય અને તેમની ટીમ દ્વારા સેવા પૂરી પડાશે.
દંતયજ્ઞ, નેત્રયજ્ઞ અને એન્ડોક્રાઇનોલોજી કેમ્પના મનોરથી ગં. સ્વ. કાંતાબહેન સરમણીકલાલ સૂચક પરિવાર છે. તમામ કેમ્પમાં લેબોરેટરી તપાસ, ઈ.સી.જી., સોનોગ્રાફી, એક્સ-રે અને પાંચ દિવસની દવાઓ વિનામૂલ્યે અપાશે. કેમ્પ અંગે વધુ માહિતી માટે ૯૪૨૬૧ ૩૩૬૯૧ પર સંપર્ક કરી શકાશે.
સાંદીપનિ પરિવાર અને ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણ, દર્શન અને બપોરે પ્રસાદનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું Sandipani.tv યુ-ટ્યૂબ ચેનલ પર સીધું પ્રસારણ કરવામાં આવશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
