<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ગાયના દૂધમાંથી બનેલું ચરણામૃત પીધા બાદ 450 લોકોને સાવચેતીરૂપે હડકવા વિરોધી રસી અપાઈ : લોકોમાં ફફડાટ

ગાય કૂતરાની જેમ વિચિત્ર રીતે ભસવા લાગી :ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ગોલા બ્લોક સ્થિત દાડી ખાસ ગામમાં દુર્ગાપૂજા દરમિયાન પ્રસાદીનું ચરણામૃત બે ગામના લોકો માટે ભારે ચિંતાનું કારણ બન્યું

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ગોલા બ્લોક સ્થિત દાડી ખાસ ગામમાં દુર્ગાપૂજા દરમિયાન પ્રસાદીનું ચરણામૃત બે ગામના લોકો માટે ભારે ચિંતાનું કારણ બન્યું છે. હડકાયા શ્વાનના હુમલા બાદ ગાયનું મોત થતાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ગાયના દૂધમાંથી બનેલું ચરણામૃત પીનારા દાડી અને ગોવિંદપુર ગામના 450 લોકોએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક એન્ટી-રેબીઝ વેક્સિન મુકાવી હતી.

દાડી ખાસ ગામના પશુપાલક નવમી યાદવની ગાયનું દૂધ દરરોજ સ્થાનિક બે દુકાનો અને કેટલાક ઘરોમાં પહોંચાડવામાં આવતું હતું. જોકે, આ ગાયને કોઈ રખડતા હડકાયા શ્વાને ક્યારે બચકું ભરી લીધું તેની પશુપાલકને કોઈ જાણ નહોતી. છેલ્લા એકાદ-બે દિવસથી ગાય અસ્વસ્થ જણાતી હતી અને મંગળવારે તેની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. 

પશુની તબિયત લથડતાં નવમી યાદવે પશુ હોસ્પિટલના તબીબનો સંપર્ક કર્યો હતો. તબીબોએ ગાયની તપાસ કરીને શ્વાન કરડ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પશુપાલકના દાવા મુજબ થોડા સમય પછી ગાય કૂતરાની જેમ વિચિત્ર રીતે ભસવા લાગી હતી અને મંગળવારે મોડી સાંજે તેનું મોત નીપજ્યું હતું. ગાયના અસામાન્ય વર્તન અને મોતના સમાચાર મળતાં જ દાડી અને ગોવિંદપુર ગામના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

 

દુર્ગાપૂજા મહોત્સવ દરમિયાન આ જ ગાયના દૂધમાંથી તૈયાર કરવામાં આવેલું ચરણામૃત સેંકડો શ્રદ્ધાળુઓએ પ્રસાદ તરીકે ગ્રહણ કર્યું હોવાથી બંને ગામોમાં ગભરાટનું મોજું ફરી વળ્યું હતું. 

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંગળવારે જ 50 જેટલા ગ્રામજનો સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી) ખાતે પહોંચ્યા હતા અને રસી મુકાવી હતી. ત્યારબાદ બુધવારે 21 ઓક્ટોબરના રોજ આરોગ્ય વિભાગની ખાસ ટીમ ફાર્માસિસ્ટ સિદ્ધાર્થ સિંહના નેતૃત્વ હેઠળ સીધી દાડી ગામે પહોંચી હતી. ત્યાં ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરીને સાંજ સુધીમાં અન્ય 400 લોકોને સાવચેતીના ભાગરૂપે એન્ટી-રેબીઝ વેક્સિન આપવામાં આવી હતી. તબીબોના જણાવ્યા અનુસાર સંપૂર્ણ રસીકરણ માટે તમામ લોકોએ 0, 3, 7, 14 અને 28મા દિવસે તેમજ છેલ્લે 90મા દિવસે બૂસ્ટર ડોઝ લેવો અનિવાર્ય રહેશે.

ગોલા બ્લોકમાં ગાયને શ્વાને બચકું ભર્યું હતું અને દુર્ગાપૂજામાં તેના દૂધમાંથી ચરણામૃત બન્યું હતું. ગાયના મોતના લીધે ગ્રામજનોમાં ફેલાયેલા ભયને કારણે સાવચેતીરૂપે 450 લોકોને રસી આપવામાં આવી છે. તબીબોએ લોકોને અપીલ કરતાં જણાવ્યું કે ચરણામૃત બનાવતા પહેલાં દૂધ ઉકાળવામાં આવે છે અને તેમાંથી દહીં બનતું હોવાથી વાયરસ નષ્ટ થઈ જાય છે, જેથી કોઈ જોખમ રહેતું નથી. માત્ર લોકોનો ડર દૂર કરવા માટે જ આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવામાં આવી છે

(7:18 PM IST)