તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
૪૦ રિયાલિટી શોમાંથી ધિક્કારાયેલી ઓડિશાની દીકરી વૈશ્વિક મંચ પર ચમકી: ઓડિસી નૃત્યથી કે-પોપ સુધીની શ્રિયા લેન્કાની રોમાંચક અને સંઘર્ષમય સફર બની મિસાલ
૪૦,૦00 આંતરરાષ્ટ્રીય અરજદારોને પછાડી બ્લેકસ્વાન બેન્ડમાં મેળવ્યું સ્થાન: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે ભારત પ્રવાસ દરમિયાન શ્રિયાની અદભુત પ્રતિભાના કર્યા મુક્તકંઠે વખાણ

ઝારસુગુડા: વર્ષ ૨૦૨૦ માં ઓડિશાના એક નાના અને શાંત જિલ્લામાંથી શરૂ થયેલી એક અદભુત સફરે આજે વૈશ્વિક સંગીત જગતમાં ભારતનો ડંકો વગાડી દીધો છે. ગ્લેમર દુનિયાના આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કરનાર ઓડિશાના ઝારસુગુડાની રહેવાસી શ્રિયા લેન્કા આજે વૈશ્વિક સ્તરે જાણીતી સેલિબ્રિટી બની ગઈ છે, પરંતુ તેની આ વૈભવી સફળતા પાછળ ભારે આઘાત અને અસહ્ય સંઘર્ષની લાંબી કહાની છુપાયેલી છે. બાળપણથી જ સંગીત અને નૃત્ય ઉદ્યોગમાં પોતાની આગવી કારકિર્દી બનાવવા માંગતી શ્રિયાએ દેશના અનેક મોટા ડાન્સ રિયાલિટી શો માટે ઓડિશન આપ્યા હતા, જ્યાં શરૂઆતના રાઉન્ડમાં તેની આસાનીથી પસંદગી થઈ જતી પરંતુ અંતિમ તબક્કે તેને પર્ફોર્મન્સ હોવા છતાં નકારી કાઢવામાં આવતી હતી. આ વૈશ્વિક નકારાત્મકતા વચ્ચે નવેમ્બર ૨૦૨૦ માં જ્યારે પ્રખ્યાત દક્ષિણ કોરિયન પોપ બેન્ડ ‘બ્લેકસ્વાન’ (Blackswan) દ્વારા નવા વૈશ્વિક સભ્યની ભરતી માટે જાહેરાત કરવામાં આવી, ત્યારે શ્રિયાની જિંદગી બદલાઈ ગઈ હતી.
પોતાના એક નજીકના મિત્ર પાસેથી આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ અને ઓડિશન વિશે માહિતી મળ્યા બાદ, શ્રિયાએ કોઈપણ વ્યાવસાયિક સુવિધા વિના પોતાના ઘરે જ દિવસ-રાત સખત પ્રેક્ટિસ અને ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. વિશ્વભરમાંથી આવેલા અંદાજે ૪૦,૦૦૦ જેટલા અત્યંત કુશળ અને ટ્રેન્ડ અરજદારો વચ્ચે આયોજિત કરાયેલા અત્યંત કઠિન ગણાતા ઓડિશનના ચારેય રાઉન્ડ ઉત્કૃષ્ટ રીતે પાસ કરીને શ્રિયાએ બ્લેકસ્વાન બેન્ડના સત્તાવાર સભ્ય તરીકે સ્થાન મેળવી આખા વિશ્વને ચોંકાવી દીધું હતું. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે જ ૨૬ મે, ૨૦૨૨ ના રોજ તે સત્તાવાર રીતે ભારતની સૌપ્રથમ ‘કે-પોપ (K-Pop) સ્ટાર’ બનીને ઉભરી આવી હતી. વિદેશી ધરતી પર છેલ્લા ત્રણ વર્ષથી આ બેન્ડના મુખ્ય ચહેરા તરીકે સક્રિય શ્રિયા લેન્કા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિ સ્ટેજ શોના ₹૬ લાખ જેટલી માતબર ફી વસૂલ કરે છે; એટલું જ નહીં, ગત ૧૯ એપ્રિલના રોજ જ્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા ત્યારે તેમણે બંને દેશોના સાંસ્કૃતિક સંબંધોના પ્રતીક તરીકે શ્રિયા લેન્કાની સફળતાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
રાઉરકેલામાં જન્મેલી અને ઝારસુગુડામાં પ્રારંભિક શિક્ષણ મેળવનારી શ્રિયાની આ ગ્લોબલ સ્ટાર બનવાની સફર બિલકુલ કાંટાઓથી ભરેલી હતી, કારણ કે એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી હોવાથી આર્થિક તંગી હંમેશા તેની આશા પર પાણી ફેરવતી હતી. સ્થાનિક સ્તરે પ્રોફેશનલ ફ્રીસ્ટાઇલ ડાન્સના શિક્ષક ન મળવાના કારણે તે પોતાના પિતા સાથે દર શનિ-રવિ ટ્રેનિંગ માટે સેંકડો કિલોમીટર દૂર રાઉરકેલા જતી હતી, જ્યાં ઘણીવાર રેલવે ટિકિટના પૈસા ન હોવાથી તેના પિતા તેને ટ્રેનના ભીડભાડ વાળા જનરલ ડબ્બામાં આખો રસ્તો ખોળામાં ઊભા રાખીને મુસાફરી કરાવતા જેથી દીકરીની પ્રેક્ટિસ ન છૂટે. ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ જેવા ૪૦ થી વધુ પ્રતિષ્ઠિત શોમાંથી ભેદભાવપૂર્વક રિજેક્ટ થયા બાદ શ્રિયાએ ખુલાસો કર્યો હતો કે ભારતીય રિયાલિટી શોમાં ટેલેન્ટ કરતાં સ્પર્ધકોની ગરીબી અને રડવાની વાર્તાઓને વધુ ટીઆરપી (TRP) અપાતી હતી, પરંતુ તેના પિતાએ હંમેશા ફોર્મમાં ‘ફેમિલી સ્ટ્રગલ’ ની કોલમ ખાલી રાખીને શ્રિયાને શિખવાડ્યું હતું કે ક્યારેય કોઈની દયા કે સહાનુભૂતિના જોરે નહીં, પરંતુ માત્ર અને માત્ર પોતાની શુદ્ધ પ્રતિભાના બળ પર જ દુનિયા જીતવાની હોય છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
