<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

મણિપુરના તામેંગલોંગમાં હિંસાની બે અલગ ઘટનાઓમાં દંપતી સહિત 4 લોકોના મોત : માસુમ બાળકને ઇજા

ટોલન અને લોંગપી ગામમાં હથિયારધારીઓએ ફાયરિંગ કર્યું:કુકી સમુદાયના બ્લેક ડે વચ્ચે બનેલી ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સઘન તપાસ અને પેટ્રોલિંગ શરૂ કર્યુ

મણિપુરના પહાડી જિલ્લા તામેંગલોંગમાં ફરી એકવાર અજંપાભરી સ્થિતિ વચ્ચે ભારે હિંસા ભડકી ઉઠી છે. તાજા અહેવાલ અનુસા મણિપુરની બે અલગ-અલગ ઘટનાઓમાં એક દંપતી સહિત 4 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 6 વર્ષનો માસૂમ બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. રવિવારે સવારે અને બપોરે બનેલી આ ઘટનાઓ બાદ સમગ્ર સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

 

મણિપુર રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી વંશીય અશાંતિ વચ્ચે તામેંગલોંગ જિલ્લામાં રવિવારે સવારથી જ હિંસક વાતાવરણ સર્જાયું હતું. સશસ્ત્ર જૂથો દ્વારા કરાયેલા ઘાતક હુમલામાં સ્થાનિક નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

 

સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે, પ્રથમ હુમલો સવારે બન્યો હતો અને તેના ગણતરીના કલાકો બાદ અન્ય એક દુર્ગમ ગામમાં બીજો હુમલો કરવામાં આવ્યો હતો. આ અણધાર્યા હુમલાઓથી સામાન્ય જનજીવન ફરી એકવાર થંભી ગયું છે અને સરહદી પહાડી વિસ્તારોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

 

 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ ઘટના રવિવારે સવારે આશરે 5:30 વાગ્યે તામેંગલોંગ જિલ્લાના કૈમાઈ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ટોલન ગામમાં બની હતી. હથિયારબંધ બદમાશોએ અચાનક રહેણાંક વિસ્તારને નિશાન બનાવી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

આ ગોળીબારમાં 46 વર્ષીય લિંગઝંગાઈ સિંગસિટ નામની મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ સેનેહ સિંગસિટ અને તેમના 6 વર્ષના પુત્રને ગોળી વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી.

ટોલન ગામની ઘટના બાદ બપોરે આશરે 3 વાગ્યે નુંગબા પોલીસ સ્ટેશન ક્ષેત્ર હેઠળ આવતા લોંગપી ગામમાં બીજો હિંસક હુમલો થયો હતો. નુંગબા પોલીસે આ બનાવની પુષ્ટિ કરતા જણાવ્યું કે લોંગપી ગામ પોલીસ મથકથી 30 કિલોમીટર પશ્ચિમમાં આવેલું છે. દુર્ગમ વિસ્તાર અને રસ્તાઓની અત્યંત ખરાબ હાલતના કારણે પોલીસ ટીમોને સ્થળ પર પહોંચવામાં વિલંબ થયો હતો.

વેસ્ટર્ન વિલેજ વોલન્ટિયર (WVV) નામના સંગઠને નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે લોંગપી ખાતે જીલી સિંગસન અને રિયોલ ગંગટે નામના 2 યુવાનો પર જ્યારે તેઓ જરૂરી કામે જઈ રહ્યા હતા ત્યારે ગોળીબાર કરાયો હતો. સંગઠને આ હુમલા પાછળ NSCN-IM અને ZUF-K જૂથોનો હાથ હોવાનો આક્ષેપ કરીને 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાની માગણી કરી છે.

(11:07 PM IST)