<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

આસામના ખેડૂતોના ખાતામાં સીધા ₹372 કરોડ જમા: 'પીએમ-કિસાન ઉત્સવ દિવસ' પર મંત્રી પીજુષ હજારિકાની ઉપસ્થિતિમાં ખેડૂતોમાં આનંદની લહેર

આસામના 18.60 લાખ ખેડૂતોને યોજનાનો મોટો લાભ, મંત્રીએ કહ્યું - 'પરંપરાગત ખેતીની સાથે આધુનિક પદ્ધતિઓ અને પાક વૈવિધ્યકરણ પર આપો ભાર'

મિર્ઝા (આસામ): આજે મિર્ઝા ખાતે આયોજિત રાજ્યસ્તરીય 'પીએમ-કિસાન ઉત્સવ દિવસ' કાર્યક્રમમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સિંચાઈ, કૃષિ અને સંસદીય બાબતોના મંત્રી શ્રી પીજુષ હજારિકાની હાજરીમાં આસામના લાખો ખેડૂતોને મોટી રાહત મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના ખેડૂતો માટે પીએમ-કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો, જેના ભાગરૂપે આસામના આશરે 18.60 લાખ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ₹372.01 કરોડની રકમ જમા કરવામાં આવી છે.

ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ મજબૂત કરવાનો પ્રયાસ

કાર્યક્રમને સંબોધતા મંત્રી પીજુષ હજારિકાએ આ યોજનાને દેશની સૌથી સફળ કલ્યાણકારી યોજના ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આસામના ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ ₹8,293.07 કરોડ જેટલી માતબર રકમ હપ્તા સ્વરૂપે મળી ચૂકી છે, જે ગ્રામીણ અર્થતંત્રને નવી ઊર્જા પૂરી પાડે છે. તેમણે વડાપ્રધાન મોદીનો આભાર માનતા કહ્યું કે, સરકારે હંમેશા ખેડૂતોના હિતને સર્વોપરી રાખ્યું છે.

પરંપરાથી પર થઈને આધુનિક ખેતી તરફ વળવા હાકલ

મંત્રી હજારિકાએ ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે માત્ર પરંપરાગત પાક પર નિર્ભર રહેવાને બદલે હવે બજારની માંગ મુજબ ઉચ્ચ-મૂલ્ય ધરાવતા પાકો અને આધુનિક તકનીકોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. તેમણે પાક વૈવિધ્યકરણ પર ભાર મૂકતા કહ્યું કે ખેડૂતો પોતાની આવક વધારવા માટે નવીન કૃષિ પદ્ધતિઓ અપનાવે. વધુમાં, તેમણે કૃષિ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી કે ખેડૂતોને અપાતા બીજની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. હલકી ગુણવત્તાના બીજ પૂરા પાડનારા સપ્લાયર્સ સામે કડક પગલાં લેવાની તેમણે ખાતરી આપી હતી.

ડિજિટલાઈઝેશન પર ભાર: ઈ-કેવાયસી અને આધાર લિંકેજ અનિવાર્ય

યોજનાનો લાભ કોઈ પણ અવરોધ વગર દરેક પાત્ર ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે મંત્રીએ ડિજિટલ પ્રક્રિયાઓને ઝડપી બનાવવાની અપીલ કરી હતી. તેમણે ખેડૂતોને પોતાની નોંધણી, ખેડૂત ID બનાવવાની પ્રક્રિયા, ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરાવવા, આધાર-બેંક લિંકેજ અને જમીન રેકોર્ડ અપડેટ કરવા જેવા મહત્વના કાર્યો કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જેથી ડિજિટલ પાક સર્વે અને અન્ય સરકારી લાભો મેળવવામાં સરળતા રહે.

આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય હિમાંશુ શેખર બૈસ્ય સહિત વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીના આ આહ્વાનથી સ્થાનિક ખેડૂતોમાં પણ આધુનિક ખેતી તરફ વળવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

(9:20 PM IST)