<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ન્યાયના ચક્રમાં ૩૬ વર્ષનો વિલંબ, પણ અંતે આતંક હાર્યો: કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટની ક્રૂર હત્યા કેસમાં યાસીન મલિક સામે ચાર્જશીટ!

કાશ્મીરમાં આતંકવાદના શરૂઆતના કાળા દિવસોના સૌથી ઘાતકી ગુનાનો આખરે હિસાબ શરૂ : કોર્ટમાં ૭૩૭ પાનાનો અભેદ્ય કાનૂની દસ્તાવેજ રજૂ કરીને આપ્યો મોટો સંદેશ— ‘સમય ગમે તેટલો વીતે, ગુનેગાર કાયદાથી બચી શકશે નહીં.’

શ્રીનગર:   જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દાયકા પહેલા કાશ્મીરી પંડિતો પર ગુજારવામાં આવેલા અત્યાચારો અને આતંકવાદના કાળા ઈતિહાસના પાનાઓમાંથી ન્યાયનો એક નવો સૂર્યોદય થયો છે. વર્ષ ૧૯૯૦ માં શ્રીનગરની પ્રખ્યાત ‘શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ’  ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા કાશ્મીરી પંડિત મહિલા શ્રીમતી સરલા ભટના અપહરણ, અમાનુષી શારીરિક ત્રાસ અને ઘાતકી હત્યાના કેસમાં પૂરા ૩૬ વર્ષ બાદ ઐતિહાસિક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય તપાસ એજન્સી (SIA) કાશ્મીરે આ જઘન્ય આતંકવાદી ગુનાના મુખ્ય સૂત્રધાર તરીકે પ્રતિબંધિત સંગઠન જેકેએલએફ (JKLF) ના કમાન્ડર યાસીન મલિકનું નામ જાહેર કરીને સ્પેશિયલ ટાડા/પોટા (TADA/POTA) કોર્ટમાં ૭૩૭ પાનાની વિગતવાર અને અત્યંત મજબૂત ચાર્જશીટ દાખલ કરી છે.

૧૮ એપ્રિલ, ૧૯૯૦ ના રોજ બનેલી આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટનાની તપાસ દાયકાઓ સુધી ઠંડા બસ્તામાં પડી રહી હતી, પરંતુ માર્ચ ૨૦૨૪ માં જમ્મુ-કાશ્મીરના ડીજીપી (DGP) ના ખાસ આદેશ બાદ આ મામલો એસઆઈએ (SIA) ને સોંપવામાં આવ્યો હતો. એજન્સીએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આ વિશાળ ચાર્જશીટ માત્ર કોઈ સામાન્ય કાગળ નથી, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન ખૂબ જ કાળજીપૂર્વક એકત્રિત કરવામાં આવેલા મૌખિક સાક્ષીઓ, સત્તાવાર દસ્તાવેજો, ફોરેન્સિક પુરાવા, બેલિસ્ટિક રિપોર્ટ્સ, તબીબી પુરાવા અને અદ્યતન ઇલેક્ટ્રોનિક ડેટાનો એક મજબૂત સંગ્રહ છે. આ વૈજ્ઞાનિક અને કાનૂની પુરાવાઓ કોર્ટ સમક્ષ સાબિત કરશે કે કેવી રીતે ઘાટીમાં ભય અને હિંસાનું સામ્રાજ્ય ફેલાવવા માટે એક નિર્દોષ મહિલા નર્સને નિશાન બનાવવામાં આવી હતી.

છેલ્લા ૩૬ વર્ષોથી ન્યાયની આશા ગુમાવી ચૂકેલા આતંકવાદના પીડિતો અને કાશ્મીરી પંડિત સમુદાય માટે આ ચાર્જશીટ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહી છે. પ્રશાસન અને તપાસ એજન્સીઓએ આ કદમ દ્વારા દેશ અને દુનિયાના તમામ આતંકવાદી સંગઠનોને એક બહુ સ્પષ્ટ અને કડક આંતરરાષ્ટ્રીય સંદેશ આપ્યો છે કે, સમય ક્યારેય પણ આતંકના ગુનાઓને ભૂંસી શકતો નથી કે ગુનેગારને બચાવી શકતો નથી. આ કેસ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે આતંકવાદીઓ ભલે પોતાની ધાકધમકી અને લોહિયાળ ખેલ દ્વારા ન્યાયની પ્રક્રિયામાં થોડો સમય વિલંબ કરાવી શકે, પરંતુ તેઓ ભારતના કાયદાના શાસનને ક્યારેય કાયમી ધોરણે હરાવી શકતા નથી અને મોડા-મોડા પણ તેમને તેમના પાપની સજા ભોગવવી જ પડશે.

(10:16 PM IST)