તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
૩૬ વર્ષ, ૩૦૦ લક્ઝરી હોટલો અને એક લેપટોપ: ચાર્લ્સ શોભરાજનો ચેલા ગણાતા 'જ્હોન'ની હાઈ-પ્રોફાઈલ છેતરપિંડીની અજીબ દુનિયા, આખરે ઓડિશામાં ખેલ ખતમ!
જેલ અને ફાઈવ-સ્ટાર હોટલ જ જેનું સરનામું છે તેવા ૬૯ વર્ષના રીઢા ગુનેગાર બિંગસન જોનની ધરપકડ: કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર ફિલ્મી ઠગની રહસ્યમય વાર્તા

ભુવનેશ્વર : કોઈ હોલીવુડ કે બોલીવુડની ક્રાઈમ-થ્રિલર ફિલ્મના પાત્રને પણ ઝાંખું પાડે તેવી એક વાસ્તવિક અને ચોંકાવનારી ગુનાખોરીની વાર્તા ભારતમાં સામે આવી છે. દેશની અદ્યતન ફાઈવ-સ્ટાર હોટલોને પોતાની આંગળીના વેઢે નચાવનારા અને ભારતના સૌથી કુખ્યાત હોટેલ ઠગ તરીકે ઓળખાતા ૬૯ વર્ષીય બિંગસન જોનની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ આંતરરાજ્ય ઠગની ઓડિશાના ભુવનેશ્વરથી ધરપકડ કરવામાં આવી છે, જેણે તાજેતરમાં જ રાજધાનીની પ્રતિષ્ઠિત 'હયાત હોટેલ' (Hyatt Hotel) ને આશરે ₹૨.૧૨ લાખનો ચૂનો લગાવ્યો હતો. આ હાઈ-પ્રોફાઈલ ધરપકડ સાથે જ દેશના અમીરો અને આઈટી સેક્ટરના નામે ચાલતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.
આરોપી બિંગસન જોનનો ગુનાહિત ઈતિહાસ એટલો લિખિત અને વ્યવસ્થિત છે કે ખુદ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. તે વિશ્વવિખ્યાત અને કુખ્યાત સીરીયલ કિલર તેમજ ઠગ ચાર્લ્સ શોભરાજ (Charles Sobhraj) ની ગુના કરવાની શૈલીથી અત્યંત પ્રભાવિત હતો અને તેની પાસેથી જ છેતરપિંડીના પાઠ શીખ્યો હતો. જોને પોતાના જીવનના છેલ્લા ૩૬ વર્ષોમાં માત્ર એક લેપટોપના સહારે દેશની ૩૦૦ થી વધુ અતિ વૈભવી લક્ઝરી હોટલોમાં લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. તેની ધરપકડ બાદ તેની પાસેથી ગુનાખોરીમાં વપરાતા અનેક હાઈ-ટેક ગેજેટ્સ મળી આવ્યા છે.
જેલ અને ફાઈવ-સ્ટાર હોટલ વચ્ચે જ વીત્યું આખું જીવન:
પૂછપરછ દરમિયાન આરોપી જોને પોતે જ પોલીસ સમક્ષ આશ્ચર્યજનક કબૂલાત કરી છે કે તેણે પોતાના જીવનનો મોટાભાગનો સમય ફક્ત બે જ જગ્યાએ વિતાવ્યો છે: કાં તો દેશની હાઈ-સિક્યોરિટી જેલમાં અને કાં તો વૈભવી ફાઈવ-સ્ટાર હોટલના લક્ઝરી સ્યુટમાં! જેલમાંથી જામીન પર અથવા સજા કાપીને બહાર છૂટ્યા પછી તે તરત જ કોઈ નવી મોંઘી હોટલને પોતાનો આગામી શિકાર બનાવતો, ત્યાં અઠવાડિયા સુધી રાજાશાહી ઠાઠથી રહીને છેતરપિંડી કરતો અને ફરીથી જેલની હવા ખાવા પહોંચી જતો.
પોલીસના જણાવ્યા અનુસાર, જોન પોતાની મોટી ઉંમર, ભદ્ર દેખાવ અને કોર્પોરેટ ભાષા શૈલીનો ઉપયોગ કરીને હોટેલ સ્ટાફને આંખના પલકારામાં પ્રભાવિત કરી દેતો હતો. તે લક્ઝરી હોટલોમાં ચેક-ઇન કર્યા બાદ નકલી ઓનલાઈન ટ્રાન્સફર અથવા ખોટા કોર્પોરેટ એકાઉન્ટ્સ બતાવીને બિલ ચૂકવ્યા વિના જ ગાયબ થઈ જવાની કળામાં માહિર હતો. હાલમાં ઓડિશા અને છત્તીસગઢ પોલીસ સંયુક્ત રીતે તેની સઘન પૂછપરછ કરી રહી છે, જેમાં દેશના અન્ય રાજ્યોની અનેક નામાંકિત હોટલો સાથે થયેલી છેતરપિંડીના મોટા રહસ્યો પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
