તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
વર્ષે ૩૦૦૦૦ કરોડ રૂપિયાનું ‘પેટ કેર'નું બજારઃ શ્વાનનો પણ વીમો
ડોગ સ્પા, બ્રાઇડલ ડ્રેસ અને હોસ્ટેલ : શ્વાન પાળવાનો ક્રેઝ વધ્યોઃ લોકો પેટ ઓનર્સને બદલે પેટ પેરેન્ટ કહેવડાવવાનું પસંદ કરે છે. મહાનગરોમાં પેટ ફ્રેન્ડલી કેફે, હોટેલ અને રેસ્ટોરન્ટનું ચલણ વધ્યું: શ્વાન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ, ફેશનેબલ કપડાં, ડે-કેર અને સ્પા ટ્રીટમેન્ટનો ખર્ચ પણ વધ્યો

મુંબઈ,તા.૨૭: એક સમય હતો જ્યારે માત્ર ઘરની રખેવાળી કરવા કે બાળકો અને વડીલોને સાથ આપવા માટે શ્વાન પાળવામાં આવતા હતા. પરંતુ બદલાતા સમય સાથે માનવી અને શ્વાન વચ્ચેનો સંબંધ પણ બદલાયો છે. ૨૬ ઓગસ્ટના રોજ દેશભરમાં 'રાષ્ટ્રીય શ્વાન દિવસ' ઉજવવામાં આવે છે. હવે લોકો 'પેટ ઓનર્સ'ને બદલે 'પેટ પેરેન્ટ' કહેવડાવવાનું વધુ પસંદ કરે છે.
પાલતુ શ્વાન માટે ખાસ ભોજન, ફેશનેબલ કપડાં, રમકડાં અને શેમ્પૂથી લઈને હેલ્થ ઈન્સ્યોરન્સ સુધીની સેવાઓનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં વર્ષ ૨૦૨૪માં પેટ કેર બજાર ૩૦ હજાર કરોડ રૂપિયાનું હતું, જે વધીને વર્ષ ૨૦૩૨ સુધીમાં ૨.૧ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનું નિષ્ણાતોનું અનુમાન છે. કોવિડ મહામારીમાં એકલતા અને જીવનશૈલીના બદલાવને કારણે મહાનગરોમાં પેટ ફ્રેન્ડલી કેફે, હોટેલ, રેસ્ટોરન્ટ અને સોસાયટીઓનું ચલણ પણ વધ્યું છે.
જેવી રીતે ગાય-ભેંસ કે વાહનો અને હેલ્થ માટે ઈન્સ્યોરન્સ લેવાય છે, તેવી જ રીતે હવે પાલતુ શ્વાનને પણ વીમાનું સુરક્ષા કવચ આપવામાં આવી રહ્યું છે. શ્વાનની જાતિ, પ્રકાર, વજન અને ઊંચાઈ ધ્યાનમાં રાખીને વાર્ષિક ૨,૮૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. આ વીમામાં શ્વાનનું અકાળે મૃત્યુ, ગંભીર બીમારીની સારવાર, નોર્મલ OPD ખર્ચ અને થર્ડ પાર્ટી લાયાબિલિટી (અન્યને નુકસાન પહોંચાડવા પર વળતર)નો સમાવેશ થાય છે.
માણસોની જેમ હવે શ્વાનના વોર્ડરોબ પણ ઋતુ અને પ્રસંગ અનુસાર બદલાય છે. બજારમાં શ્વાન માટે કેઝ્યુઅલ વિયર, ટી-શર્ટ, સ્વેટ શર્ટ અને હૂડી ઉપલબ્ધ છે. શિયાળામાં સ્વેટર, ચોમાસામાં રેઈનકોટ અને પો પ્રોટેક્શન ગ્લોવ્ઝ-શૂઝનું મોટું બજાર ઊભું થયું છે. એટલું જ નહીં, લગ્ન પ્રસંગે દંપતી (બ્રાઈડ અને ગ્રૂમ) પોતાના ફરબેબી માટે પોતાના જેવા જ સરખાં કપડાં ખાસ ડિઝાઈન કરાવે છે.
જ્યારે પેટ પેરેન્ટ્સ કોઈ જગ્યાએ ટ્રાવેલ કરતા હોય અને શ્વાનને સાથે ન લઈ જઈ શકે, ત્યારે તેઓ તેને ડે-કેર અથવા હોસ્ટેલમાં મૂકે છે. આ સુવિધા માટે દૈનિક ૫૦૦થી ૧,૫૦૦ રૂપિયાનો ચાર્જ ચૂકવાય છે. અમદાવાદમાં જ આવા ૩૦થી વધુ સેન્ટરો કાર્યરત છે. આ ઉપરાંત શ્વાનની સ્કિન અને વાળની સંભાળ માટે 'ડોગ સ્પા'નો ક્રેઝ પણ વધ્યો છે, જ્યાં ફુલ બોડી સ્પા, હેર ટ્રીમિગ, ગ્રૂમિગ અને નેઈલ ટ્રીમિગ જેવી સેવાઓ માટે ૮૦૦થી ૨,૫૦૦ રૂપિયા ખર્ચવામાં આવે છે. અમદાવાદમાં હાલ ૧૦૦થી વધુ ડોગ સ્પા ચાલી રહ્યા છે.
સામાન્ય રીતે એક વ્યક્તિનો માસિક જમવાનો ખર્ચ ૩,૫૦૦થી ૪,૦૦૦ રૂપિયા હોય છે, જ્યારે એક પુખ્ત વયના શ્વાનનો માસિક ખોરાક ખર્ચ પણ ૩,૦૦૦થી ૩,૫૦૦ રૂપિયા થાય છે. ૧૦ કિલો ડોગ ફૂડના પેકેટની કિમત ૨,૫૦૦ રૂપિયા આસપાસ હોય છે અને એક શ્વાન મહિને ૧૦થી ૧૧ કિલો ફૂડ ખાઈ જાય છે, જેમાં બિસ્કિટ, ટ્રીટ્સ અને સપ્લીમેન્ટ્સનો ખર્ચ અલગ રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૯,૭૭૫ પાલતુ શ્વાનની સત્તાવાર નોંધણી થઈ છે, જોકે શહેરમાં અંદાજે ૩૦,૦૦૦ જેટલા પેટ ડોગ્સ છે. શહેરમાં લેબ્રાડોર રીટ્રીવર, જર્મન શેફર્ડ, શિત્ઝુ, ગોલ્ડન રીટ્રીવર, પોમેરેનીયન, બીગલ અને સાયબેરીયન હસ્કી જેવી બ્રીડ સૌથી વધુ લોકપ્રિય છે
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
