News of Sunday, 12th April 2026
હૈતીના ઐતિહાસિક કિલ્લામાં સાંસ્કૃતિક ઉત્સવ દરમિયાન સર્જાયેલી પ્રચંડ ભાગદોડમાં ૩૦ જિંદગીઓ હોમાઈ: અનેક વિદ્યાર્થીઓના કરૂણ મોત
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ સિટાડેલ લાફેરિયર ખાતે વાર્ષિક જશ્ન માતમમાં ફેરવાયો: ધોધમાર વરસાદ અને લપસણી જમીનને કારણે બેકાબૂ બનેલી ભીડમાં અનેક લોકો કચડાયા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય દુર્ઘટના ગણાવી વ્યક્ત કર્યો શોક

મિલટ:કેરેબિયન રાષ્ટ્ર હૈતીના ગૌરવ સમાન ઐતિહાસિક કિલ્લા સિટાડેલ લાફેરિયર ખાતે શનિવારે આયોજિત વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ લોહીયાળ સાબિત થયો છે. કિલ્લાની અંદર મોટી સંખ્યામાં ઉમટી પડેલી મેદનીમાં અચાનક નાસભાગ મચી જતાં ઓછામાં ઓછા ૩૦ લોકોના કચડાઈ જવાથી મોત નીપજ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઉત્સવનો માહોલ જામ્યો હતો ત્યારે જ ભીડ અનિયંત્રિત બની કિલ્લાના સાંકડા મુખ્ય દરવાજા તરફ ધસી હતી. આ દરમિયાન શરૂ થયેલા મૂશળધાર વરસાદે આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. વરસાદને કારણે જમીન લપસણી બની જતાં લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા અને બચવા માટેની કોઈ જગ્યા ન રહેતા ગૂંગળામણથી ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ કરૂણ દુર્ઘટનામાં ભોગ બનનારાઓમાં સૌથી વધુ સંખ્યા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોની હોવાનું સામે આવ્યું છે, જેનાથી સમગ્ર દેશમાં આઘાતની લહેર ફરી વળી છે. ૧૯મી સદીમાં ફ્રાન્સ સામેની આઝાદીના પ્રતીક રૂપે બનેલો આ કિલ્લો હૈતીયન લોકો માટે આસ્થા અને ઓળખનું કેન્દ્ર છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરાયેલા આ સ્થળ પર દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. જોકે, આ વર્ષે અપેક્ષા કરતા અનેકગણી વધારે ભીડ એકઠી થઈ હોવા છતાં સુરક્ષા અને ભીડ નિયંત્રણની વ્યવસ્થા અત્યંત કંગાળ અને અપૂરતી સાબિત થઈ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
હૈતીના પ્રધાનમંત્રી એલિક્સ ડિડિયર ફિલ્સ-એમે આ ઘટનાને રાષ્ટ્ર માટે કાળો દિવસ ગણાવતા મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તબીબી સૂત્રોના જણાવ્યા મુજબ, સારવાર હેઠળ રહેલા અનેક લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક હજુ પણ ઊંચો જવાની ભીતિ સેવાઈ રહી છે. સત્તાવાળાઓએ આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે જેથી ભવિષ્યમાં આવી સુરક્ષા ખામીઓને કારણે નિર્દોષોના જીવ ન જાય.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
