તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
ધોળે દહાડે SBIમાં ૩૦ કરોડના સોનાની લૂંટઃ પોલીસ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, ૪ ઝડપાયા
મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં લૂંટનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો : ૧૬ લોકર તોડીને અને લગભગ ૨૭ કિલો સોનાના દાગીના તથા ૧૫ લાખ રૂપિયા રોકડ રકમ છ થેલીઓમાં ભરીને લૂંટારા ફરાર થઈ ગયા હતા

મુંબઈ તા.૨: મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એક શાખામાં કરોડો રૂપિયાની લૂંટનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ધારણગાંવ તાલુકામાં આવેલા ભોકર ગામમાં બની હતી. જોકે, ગ્રામજનોની બહાદુરીને કારણે, તમામ ચાર આરોપીઓની માત્ર થોડા જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ લૂંટનો મુખ્ય સૂત્રધાર મહારાષ્ટ્ર પોલીસનો એક બરતરફ કરાયેલો પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નીકળ્યો, જેણે જેલમાં રહીને જ આ સમગ્ર કાવતરું ઘડ્યું હતું. શનિવારે બપોરે લગભગ ૩ વાગ્યે, મોઢા પર માસ્ક પહેરેલા ચાર લૂંટારાઓ બે મોટરસાયકલ પર આવ્યા અને ભોકર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં પ્રવેશ્યા. તેમણે બેંક મેનેજર અને કેશિયરને બંદૂકની અણીએ ધમકાવીને ખુરશીઓ સાથે બાંધી દીધા.
આતંક ફેલાવવા માટે આરોપીઓએ બેંકની અંદર ગોળીબાર કર્યો હતો, જોકે, સદભાગ્યે, કોઈને ગોળી વાગી નહીં. ત્યાર બાદ કટરનો ઉપયોગ કરીને ૧૬ લોકર તોડીને અને લગભગ ૨૭ કિલો સોનાના દાગીના તથા ૧૫ લાખ રૂપિયા રોકડ રકમ છ થેલીઓમાં ભરીને ફરાર થઈ ગયા હતા.
લૂંટના સમાચાર ફેલાતા જ સ્થાનિક ગ્રામજનો અને બેંકના કર્મચારીઓએ પોલીસને જાણ કરી અને લૂંટારાઓનો પીછો કરવાનું શરૂ કર્યું. વિડગાંવ નજીક, ગ્રામજનોએ ભારે હિંમત દાખવીને શંકાસ્પદ વ્યક્તિઓમાંથી એકને પકડી પાડ્યો, જેની પાસેથી લૂંટાયેલો માલ મળી આવ્યો.
ત્યાર બાદ, ધરણગાંવ પોલીસે નાકાબંધી કરીને બાકીના ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને અલગ-અલગ સ્થળોએથી ઝડપી લીધા. પોલીસે લૂંટાયેલું સોનું અને રોકડ રકમ જપ્ત કરી છે, સાથે જ તે પાંચ થેલીઓ પણ કબજે કરી છે જેનો ઉપયોગ લૂંટારાઓએ ગુનો આચરવા માટે કર્યો હતો.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
