News of Wednesday, 21st October 2026
પેટ્રો કેમિકલ ભરેલ ટ્રેનના ૩ ડબ્બા ખડી પડયાઃ રાજકોટ તરફનો ટ્રેન વ્યવહાર ખોરવાયો
સુરેન્દ્રનગરના દૂધરેજ નજીક મુખ્ય અપ લાઈન બ્લોક થતા ઓખા, દ્વારકા, જામનગરની ટ્રેનો અટવાઈ, મુસાફરો પરેશાન - ટ્રેક ક્લિયર કરતા ૩ કલાક લાગશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર૧: સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવારે મોટી રેલ દુર્ઘટના સર્જાતા ટ્રેન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે. દૂધરેજ નજીક પેટ્રો કેમિકલ ભરેલી માલગાડીના ૩ ડબ્બા પાટા પરથી ઉતરી જતા રાજકોટ તરફ જતો મુખ્ય ટ્રેક બંધ થઈ ગયો છે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, બપોરના સમયે આ માલગાડી સુરેન્દ્રનગરથી રાજકોટ તરફ જઈ રહી હતી. દૂધરેજ નજીક અચાનક જોરદાર આંચકો આવતા ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મોટો અવાજ થતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
મુખ્ય અપ લાઈન બ્લોક થતા સુરેન્દ્રનગરથી રાજકોટ તરફનો તમામ ટ્રેન વ્યવહાર બંધ કરાયો છે. ઓખા, દ્વારકા, જામનગર, રાજકોટ, વાંકાનેર તરફ જતી એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર રોકી દેવાઈ છે. કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવાના પ્રયાસો શરૂ છે.
સુરેન્દ્રનગર રેલવે પ્લેટફોર્મ પર સેંકડો મુસાફરો ૩ કલાકથી વધુ સમયથી અટવાયા છે. વળદ્ધો, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી પડી રહી છે. રેલવે તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ કરી મુસાફરોને ટ્રેનની સ્થિતિ તપાસીને મુસાફરી કરવા સૂચના અપાઈ છે.
ઘટનાની જાણ થતા રાજકોટ ડિવિઝનના DRM સહિત ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને રેસ્કયૂ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પેટ્રો કેમિકલ જેવો જ્વલનશીલ પદાર્થ હોવાથી ફાયર બ્રિગેડને સ્ટેન્ડ બાય રખાઈ છે. ક્રેનની મદદથી ડબ્બા હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે.
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેક ફરી કાર્યરત કરતા હજુ ૩ કલાકથી વધુ સમય લાગશે. ટ્રેકને થયેલ નુકસાનનું સમારકામ અને સલામતી તપાસ બાદ જ ટ્રેન વ્યવહાર શરૂ થશે. દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી, પ્રાથમિક શંકા ટ્રેકમાં ટેકનિકલ ખામી કે ઓવરલોડિંગની વ્યક્ત કરાઈ છે, જેની તપાસના આદેશ અપાયા છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
